ઍપેલેશિયન પર્વતમાળા : ઉત્તર અમેરિકામાં દ્વિતીય ક્રમે આવતી વિશાળ વિસ્તાર આવરી લેતી પર્વતીય હારમાળા. યુ.એસ. અને કૅનેડામાં આવેલી આ હારમાળા ઈશાનમાં કૅનેડાના ક્વિબેકમાં ગૅસ્પની ભૂશિરથી શરૂ થાય છે અને નૈર્ઋત્યમાં યુ.એસ.ના આલાબામા રાજ્યના બર્મિંગહામ સુધી વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે 2,400 કિમી. જેટલી તથા પહોળાઈ ઉત્તર તરફ 130થી 160 કિમી. અને દક્ષિણ તરફ 480થી 560 કિમી. (સ્થાનભેદે સરેરાશ 90થી 120 કિમી.) જેટલી છે. હારમાળાની ઉત્તરે સેંટ લૉરેન્સનાં મેદાનો, પૂર્વ તેમજ દક્ષિણે સમુદ્રકિનારાનાં મેદાનો અને પશ્ચિમે ખંડીય મેદાનો આવેલાં છે. આ હારમાળામાં આવેલા ખીણપ્રદેશો ખેતી અને મનોરંજન માટે મહત્વના લેખાય છે. યુ.એસ. માટે પૂર્વ તરફ આવેલો આ પર્વત-વિસ્તાર ખનિજસંપત્તિની ર્દષ્ટિએ સમૃદ્ધ ગણાય છે. અમેરિકાની આ અતિપ્રાચીન ગણાતી હારમાળા વ. પૂ. આશરે 43.5 કરોડ વર્ષથી 25 કરોડ વર્ષ વચ્ચેના સમયગાળામાં અસ્તિત્વમાં આવેલી છે. આ હારમાળાનું ઍપેલેશિયન નામ તે વિસ્તારમાં વસતી ઍપેલેથી ઇન્ડિયન જાતિ પરથી આપવામાં આવેલું છે. અહીંના ઉત્તર કૅરોલિના રાજ્યમાં આવેલી બ્લૅક માઉન્ટન હારમાળામાંનું ‘માઉન્ટ મિશેલ’ શિખર (2,037 મીટર) સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. અહીં આવેલી ગિરિમાળાઓ એકબીજીને લગભગ સમાંતર છે. ઉત્તર કરતાં દક્ષિણ તરફના પર્વતીય ભાગો ઘણું વૈવિધ્ય ધરાવે છે. ઉત્પત્તિ વખતે ઉદભવેલાં દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસરોને પરિણામે તેમાં વિવિધ પ્રકારની ગેડરચનાઓ તૈયાર થયેલી છે. 25 કરોડ વર્ષના તેના અસ્તિત્વના ગાળામાં તેના પર ઘસારાનાં પરિબળો દ્વારા પર્વતોનું ખવાણ-ધોવાણ થતું રહેલું છે.
ભૂરચનાની ર્દષ્ટિએ આ પર્વતમાળાના નીચે પ્રમાણેના વિભાગો પાડેલા છે : (1) ઍપેલેશિયનનો ઉચ્ચપ્રદેશ અથવા ઍલેઘનીનો પહાડી પ્રદેશ; (2) પર્વતો અને ખીણોનો પ્રદેશ અથવા નવો ઍપેલેશિયન વિસ્તાર; (3) બ્લ્યૂ રીજ પ્રાંત અથવા જૂનો ઍપેલેશિયન વિસ્તાર; (4) પીડમૉન્ટનો ઉચ્ચપ્રદેશ; (5) ન્યૂ ઇંગ્લૅંડનો કિનારા-વિસ્તાર.
(1) ઍપેલેશિયનનો ઉચ્ચપ્રદેશ : તે મધ્ય ન્યૂયૉર્કથી ઉત્તર આલાબામા વચ્ચે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલો છે. આ ઉચ્ચપ્રદેશનો પૂર્વ વિભાગ પ્રમાણમાં વધુ ઊંચાઈવાળો છે. તે સમુદ્ર-સપાટીથી 1,220 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની પહોળાઈ સ્થાનભેદે 80 કિમી.થી 280 કિમી. જેટલી છે. ઉચ્ચપ્રદેશનો ઉત્તર ભાગ ઍલેઘનીના ઉચ્ચપ્રદેશ તરીકે, જ્યારે દક્ષિણ ભાગ કમ્બરલૅન્ડના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. આ બંને વિભાગો વચ્ચેનો મુખ્ય તફાવત જોતાં ઍલેઘનીનો ઉચ્ચપ્રદેશ પ્રમાણમાં વધુ તૂટક તૂટક છે તેમજ વધુ ઊંડાણ ધરાવે છે, તેથી તેનાં શિખરો પર્વત-શિખરો જેવાં દેખાય છે. આ લાક્ષણિકતા બીજા વિભાગમાં જોવા મળતી નથી. બંને વિભાગો પૂર્વ અને નૈર્ઋત્ય દિશાએ આવેલી ‘ગ્રેટ વેલી’થી જુદા પડે છે. બંને ઉચ્ચપ્રદેશોને ત્યાં વહેતાં ઝરણાં અને ઉપરવાસની નદીઓએ ઘસારો અને ધોવાણનાં પરિબળો દ્વારા ઊબડખાબડ બનાવી દીધા છે. તેમનો ઢોળાવ પશ્ચિમમાં ગ્રાન્ડ વેલી આગળ પૂરો થાય છે. આ પ્રદેશમાં એલેઘની, કાસ્કિલ અને કમ્બરલૅન્ડના પર્વતોનો સમાવેશ થાય છે. આ ઉચ્ચપ્રદેશનો પૂર્વનો ઊંચો વિભાગ, જે પેન્સિલવેનિયા અને વર્જિનિયા વચ્ચે છે. તે એલેઘની પર્વત તરીકે ઓળખાય છે. આ ઉચ્ચપ્રદેશમાં કોલસો, લોહખનિજ, થોડા પ્રમાણમાં ખનિજતેલ–કુદરતી વાયુનો જથ્થો પણ મળે છે. તેના ભૂપૃષ્ઠનું સ્વરૂપ ઘોડાની નાળ જેવું હોવાથી પરિવહનના વિકાસમાં અવરોધક બની રહેલું છે. પિટ્સબર્ગ આ વિભાગનું મુખ્ય શહેર છે.
(2) પર્વતો અને ખીણોનો પ્રદેશ (નવો ઍપેલેશિયન વિસ્તાર) : આ વિભાગ ઍપેલેશિયન ઉચ્ચપ્રદેશ તથા જૂના ઍપેલેશિયન વિસ્તાર વચ્ચે આવેલો છે. અહીં મોટી ખીણો જોવા મળે છે, તેમની ઊંડાઈ સ્થાનભેદે 30 મીટરથી 610 મીટર જેટલી છે, આ કારણે તે ગ્રેટ વેલી નામથી ઓળખાય છે. ગ્રેટ વેલીની ખીણો એકબીજીને સમાંતર, લાંબી, ઉગ્ર ઢોળાવવાળી અને પ્રમાણમાં વધુ ઊંડી છે. અહીંની શાખા-પ્રશાખા નદીઓએ જાળાકાર જળપરિવાહ-રચના(trellis)નું નિર્માણ કર્યું છે. ગેડરચનાઓના જુદા જુદા આકારોને કારણે આ વિભાગ તૂટક તૂટક દેખાય છે. ઉત્તરે આવેલી સેન્ટ લૉરેન્સની ખીણ તેની ઉત્તર સીમા બને છે. તે કૅનેડામાં સેન્ટ લૉરેન્સના મુખપ્રદેશથી ક્વિબેક થઈ યુ.એસ.માં મધ્ય આલાબામા સુધી 2,740 કિમી. લંબાઈમાં વિસ્તરેલો છે. આ ઉપરાંત અહીં હડસન નદીની ખીણ, કિટ્ટાટિન્ની ખીણ, લેબેનૉન ખીણ, કમ્બરલૅન્ડની ખીણ, શેનાનડાઉનની ખીણ, ટેનેસી ખીણ અને કૂસા ખીણ આવેલી છે. આ અનેક ખીણોને કારણે પણ આ વિસ્તારને ‘ગ્રેટ વેલી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીંની ખીણ 30 મીટરથી 610 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંનો ઊંચાં સીધાં ઢોળાવવાળાં શિખરો ઊંડી ખીણોથી જુદાં પડે છે.
ખીણ વિભાગ ફળદ્રૂપ હોવાથી મકાઈ, ઘઉં, કપાસ, ઘાસની ખેતી તથા પશુપાલન-પ્રવૃત્તિનો વિકાસ થયો છે. વળી સફરજન તેમજ અન્ય ફળોની ખેતી પણ થાય છે. આ વિભાગમાં સારા ધોરી માર્ગો અને રેલમાર્ગો વિકસ્યા છે. લોહખનિજ, કોલસો અને ચૂનાખડકો મળતા હોવાથી ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ વિભાગમાં હેરીસબર્ગ, બૅથલેહૅમ, બર્મિંગહામ જેવાં શહેરો આવેલાં છે.
(3) બ્લ્યૂ રીજ અથવા જૂનો ઍપેલેશિયન વિસ્તાર : બ્લ્યૂ માઉન્ટન તથા જૂના ઍપેલેશિયન તરીકે ઓળખાતા આ વિભાગની પૂર્વે પીડમૉન્ટ અને ખીણ-વિસ્તાર તથા પશ્ચિમે રીજ-વિસ્તાર આવેલા છે. આ વિભાગ યુ. એસ.ના પૂર્વે આવેલા ન્યૂ જર્સી, દક્ષિણ પેન્સિલવેનિયા, ઉત્તર જ્યૉર્જિયા તથા આંશિક રીતે આલાબામા રાજ્યમાં વિસ્તરેલો છે. તેની લંબાઈ 1,130 કિમી. અને મહત્તમ પહોળાઈ 260 કિમી. જેટલી છે. અહીં બ્લ્યૂ, પિસગાહ, બાલ્ડ, સ્ટોન, આયર્ન, યુનાકા, ગ્રેટ સ્મોકી અને બ્લૅક નામની ગિરિમાળાઓ આવેલી છે. અહીં ગ્રૅનાઇટ, નાઇસ અને શિસ્ટ ખડકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. પ્રદેશ ઊંચાઈવાળો હોવાથી આબોહવા ઠંડી રહે છે. ગીચ જંગલ-વિસ્તાર પણ જોવા મળે છે. જંગલોમાં ખાસ કરીને બીચ, ઓક, સ્પ્રૂસ, બર્ચ, હેમલૉક, સફેદ પાઇન અને પીળા પાઇનનાં વૃક્ષો વિશેષ છે. માનવવસ્તીનું પ્રમાણ ઓછું છે.
(4) પીડમૉન્ટનો ઉચ્ચપ્રદેશ : આ વિભાગ ઍપેલેશિયન હારમાળાની પૂર્વે આવેલો છે. તેની પૂર્વે દરિયાકિનારાનાં મેદાનો અને પશ્ચિમે બ્લ્યૂ રીજ વિભાગ છે. તેની ઉત્તરે હડસનની ખીણ અને દક્ષિણે આલાબામા આવેલાં છે. આ ઉચ્ચપ્રદેશ ઉત્તરમાં 80 કિમી. અને દક્ષિણે 200 કિમી. પહોળાઈ ધરાવે છે. આ વિભાગમાં સખત સ્ફટિકમય ખડકો – ગ્રૅનાઇટ, ગૅબ્બ્રો, ચૂનાખડકો, ક્વાર્ટ્ઝાઇટ અને શિસ્ટ-નું પ્રમાણ વિશેષ જોવા મળે છે, જ્યારે ન્યૂ જર્સી, પેન્સિલવેનિયા અને વર્જિનિયાના વિસ્તારોમાં રેતીખડકો જોવા મળે છે. તેની ઊંચાઈ 360 મીટર કે તેથી વધુ છે. એટલાન્ટા પાસેનો સ્ટોન પર્વત આ ઉચ્ચપ્રદેશથી વિશેષ ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશ પૂરો થતાં આટલાન્ટિક કિનારાનું મેદાન આવે છે. અહીં ઘણા ધોધ અને પ્રપાત આવેલા છે.
આ વિભાગની જમીનો વિવિધતાવાળી છે. ચૂનાખડકો અને રેતીખડકોમાંથી તૈયાર થયેલી જમીનો ખેતી માટે અનુકૂળ આવતી નથી. મોટેભાગે રાતી જમીનો અહીં વધુ જોવા મળે છે. આ વિભાગના દક્ષિણ વિસ્તાર એટલે કે વર્જિનિયામાં તમાકુની ખેતી વધુ થાય છે; જ્યારે મેરીલૅન્ડ અને પેન્સિલવેનિયામાં સફરજન, ઘઉં, મકાઈની ખેતી તેમજ પશુપાલનની પ્રવૃત્તિ મુખ્ય છે. અહીંનાં મહત્વનાં શહેરોમાં લૅન્કેશાયર, પા (PA), લિન્ચબર્ગ, ઍટલાન્ટા, ફિલાડેલ્ફિયા અને બાલ્ટિમોરનો સમાવેશ થાય છે.
(5) ન્યૂ ઇંગ્લૅંડનો કિનારા–વિસ્તાર : આ વિભાગમાં ઉત્તરે ગૅસ્પની ભૂશિરથી શરૂ કરીને ન્યૂયૉર્ક શહેર સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. તેની પશ્ચિમે હડસનનો ખીણ વિસ્તાર અને પૂર્વે ઍટલૅંટિક મહાસાગર આવેલાં છે. તેમાં ન્યૂ ઇંગ્લૅંડનો મોટાભાગનો વિસ્તાર, કૅનેડાનો ન્યૂફાઉન્ડલૅન્ડનો વિસ્તાર, નોવા સ્કોશિયા, ન્યૂ બ્રુન્સવિક, ક્વિબેક, ન્યૂયૉર્ક, ન્યૂ જર્સી અને પેન્સિલવેનિયાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. આ વિભાગની લંબાઈ આશરે 1,770 કિમી અને પહોળાઈ 560 કિમી. જેટલી છે.
અહીંની ડુંગરધારો પ્રમાણમાં નીચી છે. તેમની ઊંચાઈ સમુદ્રસપાટીથી 610 મીટર જેટલી છે. આ વિભાગના ખડકો પ્રમાણમાં સખત છે. તેમાં ગ્રૅનાઇટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ અને શિસ્ટ વધુ જોવા મળે છે.
આ સમગ્ર વિભાગ એનાપોલિસ અને કનેક્ટિકટ નદીઓની ફાટખીણને લીધે પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વહેંચાયેલો છે. અહીં માઉન્ટ મોનાડનૉક, માઉન્ટ વૉચ્યુસેટ, વ્હાઇટ માઉન્ટન, ગ્રીન માઉન્ટન જેવા પર્વતો આવેલા છે. માઉન્ટ વૉશિંગ્ટન અહીંનું સર્વોચ્ચ શિખર (1,917 મીટર) છે. આ વિભાગ ઊંચા અક્ષાંશીય વિસ્તારમાં આવેલો હોવાથી અહીંનાં શિખરો હિમાચ્છાદિત રહે છે. અહીં હિમનદીઓ દ્વારા હિમટીંબા, એસ્કર્સ, કેઇમ્સ અને હિમઅશ્માવલીઓ જોવા મળે છે.
આ વિભાગની આબોહવા અતિ ઠંડી અને ભેજવાળી રહે છે. શંકુદ્રુમ પ્રકારનાં જંગલોમાં બર્ચ, બીચ, મૅપલ, હૅમલૉક, ઓક અને સફેદ પાઇન જોવા મળે છે. આ જંગલો પૂરનિયંત્રણ, સૃષ્ટિસૌંદર્ય, હિંસક પ્રાણીઓ અને કાગળના કાચા માલ માટે જાણીતાં બનેલાં છે. અહીં પશુપાલન-પ્રવૃત્તિ થતી હોવાથી ડેરીઉદ્યોગ વિકસ્યો છે. અરૂસ્ટૂક(Aroostook)નો ખીણપ્રદેશ બટાટા, સફરજન, અન્ય ફળો તેમજ તમાકુની ખેતી માટે જાણીતો છે. નાનાં-મોટાં ઝરણાંનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. દરિયાકિનારે જહાજવાડા અને માછીમારીનો વ્યવસાય પણ જોવા મળે છે.
આ પ્રદેશમાં સ્કૉટિશ તથા આઇરિશ લોકોની છૂટીછવાઈ, વસ્તી છે. તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અમેરિકનોએ તેમને પશ્ચિમમાં ધકેલી દીધા છે. આ પ્રદેશની વસ્તી ‘હિલબિલ્લી’ તરીકે ઓળખાય છે. તે સંસ્કૃતિની ર્દષ્ટિએ પછાત અને આર્થિક રીતે ગરીબ છે. આ પર્વતીય પ્રદેશ અત્યારે સંદેશાવ્યવહારમાં તથા રોજગારીની તકોની બાબતમાં પછાત છે. આ પ્રદેશમાંનાં જંગલો, ઝરણાં અને પર્વતો તેમજ ઘણાં ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
પ્રવીણચંદ્ર વોરા
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા