એપોનોજેટોન : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ એપોનોજેટોનેસીની એક જલીય પ્રજાતિ. તેનું વિતરણ આફ્રિકા, માલાગાસી, ઉષ્ણકટિબંધીય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં થયેલું છે. ભારતમાં તેની પાંચ જાતિઓ નોંધાઈ છે. વિશ્વભરમાં તેની લગભગ 22 જેટલી જાતિઓ થાય છે.

આકૃતિ 1 : Aponogeton natansનો પુષ્પવિન્યાસ સહિતનો છોડ

Aponogeton natans (Linn.) Engl. & Krause syn. A. monostachyon Linn. f. (હિં. ઘેચુ, મલ. પાર્વાકિઝેન્ગુ, તા. કોટ્ટિકીઝેંગુ, તે. કોટ્ટિગાડ્ડાનામા) જલીય શાકીય જાતિ છે અને સમગ્ર ભારતમાં તળાવો, ખાબોચિયાં અને નીચાણવાળી ભૂમિના પાણીમાં થાય છે. વિરોહમય (stoloniferous) પ્રકંદ (root stock) ખાદ્ય છે અને બટાટાની સમકક્ષ ગણાય છે. તેનાં પર્ણો મોટે ભાગે તલસ્થ (basal), તરતાં કે નિમજ્જિત (submerged), લાંબા પર્ણદંડવાળાં, રેખીય કે લંબચોરસ અને ગવાક્ષિત (fenestrate) હોય છે અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. થોડીક પ્રાથમિક શિરાઓ સમાંતરે ગોઠવાયેલી હોય છે.

પુષ્પવિન્યાસ નિમજ્જિત, શૂકી (spike) જેવો અને અનિપત્રી (ebracteate) હોય છે. પુષ્પો દ્વિલિંગી કે ન્યૂનીકરણ (reduction) થતાં એકલિંગી બને છે. પરિદલપુંજ એકથી ત્રણ દલાભ (petaloid) કે પૃથુપર્ણી (spathaceous), સમાન કે અસમાન પરિદલપત્રોનો બનેલો હોય છે. પુંકેસરચક્ર છ પુંકેસરોનું અને સ્ત્રીકેસરચક્ર ત્રણથી છ મુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે, બીજાશય એકકોટરીય હોય છે અને બે કે તેથી વધારે અધોમુખી (anatropous) તલસ્થ અંડકો ધરાવે છે. ફળ એકસ્ફોટી (follicle) અને બીજ અભ્રૂણપોષી (nonendospermic) હોય છે.

  1. undulatus Roxb. syn. A. crispus Hook. f., A. microphyllum Roxb. બહુવર્ષાયુ વિરોહમય જલજ શાકીય જાતિ છે. તેના પ્રકંદ પણ ખાદ્ય હોય છે. A. fenestralis જલચરગૃહ (aquarium) માટે ખૂબ કીમતી જાતિ છે. A. distachyus ઉદ્યાન-કુંડ(garden-pool)માં ઉગાડવામાં આવે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ