એપલ ઉપગ્રહ : ભારતનો પ્રથમ સ્વદેશી સંચાર ઉપગ્રહ.

ઇસરોનો એપલ (Ariane Passenger PayLoad Experiment) ઉપગ્રહ ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક સીમાચિહ્નરૂપ અભિયાન હતું. એપલ ઉપગ્રહે ભારતની ઉપગ્રહ ટેકનોલોજીમાં સ્વનિર્ભરતાનો પાયો નાખ્યો. ઇસરોનો આ સ્વદેશી ઉપગ્રહ ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ હતો. તેને 19 જૂન 1981ના રોજ ભૂસ્થિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. તેને કૌરુ (Kourou) ફ્રેંચ ગુયાનથી યુરોપિયન અંતરિક્ષ એજન્સીના એરિયન પ્રક્ષેપણયાન દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેનું પ્રાથમિક ધ્યેય ત્રિ-અક્ષીય સ્થિર ભૂસ્થિત સંચાર ઉપગ્રહોની ડિઝાઇન, વિકાસ અને ભ્રમણકક્ષામાં તેના સંચાલન તથા પ્રબંધનનો વ્યવહારુ અનુભવ મેળવવાનું હતું. આ અગાઉ પ્રક્ષેપિત કરાયેલા ઇસરોના સ્પિન-સ્થિર ઉપગ્રહોથી આ ત્રિ-અક્ષીય સ્થિર ઉપગ્રહ એક નોંધપાત્ર છલાંગ હતી. સંદેશાવ્યવહારના પ્રયોગો કરવા માટે 670 કિલોગ્રામ વજન અને 21 કરોડ રૂપિયાના બજેટના આ ઉપગ્રહમાં બે સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સામેલ કરવામાં આવ્યા હતા.

એપલ ઉપગ્રહ

ઉપગ્રહની પરિકલ્પના 1975માં કરવામાં આવી હતી પણ તેને સાકાર કરવા માટે ફ્ક્ત બે વર્ષનો  જ સમય મળ્યો હતો. મર્યાદિત માળખાકીય સુવિધાઓથી નિર્મિત આ ઉપગ્રહે ઇસરોની ક્ષમતા અને ચાતુર્ય પુરવાર કર્યાં તેમજ દેશની પોતાની સંચાર ઉપગ્રહ શ્રેણી વિકસાવવાનો રસ્તો બતાવ્યો. 102-અંશ પૂર્વ રેખાંશ તેનું સ્થાન સફળ સ્થાપિત કરવું તે એક મોટી સિધ્ધિ હતી. ભ્રમણકક્ષામાં સ્થિતિ પરિવર્તનનું  ઇસરોએ દર્શાવેલું જટિલ કૌશલ્ય અને તેની ભૂ-મથકની કામગીરીએ ઇસરોની ક્ષમતા સિધ્ધ કરી હતી. ઉપગ્રહ દ્વારા પ્રસારિત ટેલિવિઝન કાર્યક્રમો, રેડિયો નેટવર્કિંગ રિલે જેવા વિવિધ ઉપયોગો માટે માર્ગદર્શક રહી એક વિશાળ રાષ્ટ્રને જોડવા માટે મહત્વપૂર્ણ માધ્યમો ઉજાગર કર્યાં.

એપલ ઉપગ્રહનું રૂપાંકન ઇસરો ઉપગ્રહ કેન્દ્ર – બેંગલુરુ ખાતે થયું હતું. ઉપગ્રહનું પ્રારંભિક પરીક્ષણ ભારતમાં અને ઘનિષ્ટ ચકાસણી ફ્રાંસ ખાતે થઈ હતી. પ્રક્ષેપણ માટે એરિયન રોકેટ સાથે સંકલિત કરતાં પહેલાં તેની અંતિમ પરખ કૌરુ, ફ્રેન્ચ ગુયાના ખાતે કરવામાં આવી હતી અને ત્યાંથી જ તેને  પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેનું સંચાલન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર(શાર)થી થયું હતું. ઇસરોના અમદાવાદ ખાતે આવેલા અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રે (Space Applications Centre-SAC) એપલ ઉપગ્રહના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપગ્રહને તેના સંદેશાવ્યવહારનાં કાર્યો કરવા માટે અનિવાર્ય ઘટક ‘પેલોડ’ના નિર્માણની સમગ્ર જવાબદારી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના શિરે હતી. ઉપગ્રહના ઉપયોગ માટે વિવિધ સંચાર ઉપયોગો શોધીને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં પણ તેણે યોગદાન આપ્યું હતું.

ટાંચા સાધનો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઇસરોના ઈજનેરોએ પડકારોનો સામનો કરવામાં દર્શાવેલી કોઠાસૂઝ હંમેશા યાદ કરવામાં આવે છે. તેની સૌથી વધુ ચર્ચિત વાત છે એન્ટેના પરીક્ષણ માટે બળદગાડાનો ઉપયોગ. પ્રક્ષેપણ પહેલા ઉપગ્રહની કાર્યક્ષમતા નિશ્ચિત કરવા માટે એન્ટેના સિસ્ટમ પર મહત્વનાં પરીક્ષણો કરવાની જરૂર હતી. આ માટે જરૂરી વિશિષ્ટ સુવિધા ‘એનઇકોઈક ચેમ્બર’ તે સમયે ઉપલબ્ધ ન હતી. આના ઉકેલ રૂપે વિજ્ઞાનીઓ ઉપગ્રહને  લાકડાના બળદગાડામાં ગોઠવી ખુલ્લા મેદાનમાં લઈ ગયા અને ત્યાં પરીક્ષણ કર્યું. લાકડાના ગાડાએ એક બિન-ચુંબકીય અને સિગ્નલ-પારદર્શક મંચ પૂરો પાડ્યો જે ધાતુના વાહનથી શક્ય ન હતું. લગભગ બે વર્ષ જેટલી ટૂંકી આવરદામાં એપલ ઉપગ્રહે ઇસરોના વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય વ્યવહારુ અનુભવ પૂરો પાડ્યો.

ઇસરો અને દૂરસંચાર સંશોધન કેન્દ્રે અત્યાધુનિક ઉપગ્રહ સંચાર પ્રયોગો જેવા કે TDMA, SSMA, કમ્પ્યુટર નેટવર્કિંગ, ટેલિમેડિસિન, ટેલિકોન્ફરન્સિંગ, ટેલિ-એજ્યુકેશન, આપાતકાલિન સંચાર અને આપદા શમન   એપલ ઉપગ્રહના ઉપયોગથી કર્યા. સુવાહ્ય અને પરિવહનક્ષમ ટર્મિનલ્સનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય કાર્યક્રમોના દેશવ્યાપી પ્રસારણ માટે એપલ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કેટલાંક  નમૂનારૂપ ઉદાહરણો આ મુજબ છે: અમરેલી જિલ્લામાં વાવાઝોડાને કારણે સમગ્ર માર્ગ અને સંદેશાવ્યવહાર માળખું તૂટી પડ્યું ત્યારે એપલ ઉપગ્રહે ગાંધીનગર સચિવાલય અને અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપી આપ્યો. તે દશ દિવસ દરમ્યાન 50,000 થી વધુ સંદેશાઓની આપ-લે થઈ હતી. આંદામાન ટાપુઓ પર જ્વાળામુખી ફાટી નીકળવાના સમયે પણ એપલ ઉપગ્રહ મદદે આવ્યો હતો. છત પર ગોઠવી શકાય તેવા ટર્મિનલનો ઉપયોગ કરીને સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાની મુંબઈ અને કોલકતા શાખાઓ સાથે પ્રત્યક્ષ-સમય (Real-time) બેન્ક વ્યવહાર ચાલુ રાખી શક્યા. ભારતીય રેલ્વે માટે કમાણીનો મુખ્ય સ્રોત રેલવેના વેગનો છે. એપલની મદદથી રેલવેના વેગનનું પગેરું કાઢવાનો રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. એપલનો ઉપયોગ IEEE દ્વારા સેટેલાઇટ કોમ્યુનિકેશન કોર્સ કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ – અમદાવાદ અને એમ્સ – નવી દિલ્હી વચ્ચે એક મહિના સુધી ટેલિમેડિસિનના સફળ પ્રયોગો થયા.

એપલ તેના પ્રરચિત જીવનકાળના બે વર્ષ કરતાં વધુ સમય સુધી, સત્તાવીસ મહિના, ભ્રમણકક્ષામાં કાર્યરત રહ્યો. એપલ ઉપગ્રહની છેલ્લી ઘડી 19 સપ્ટેમ્બર 1983ના રોજ ગણાઈ.

અભિયાન ભૂ-સ્થિત ભ્રમણકક્ષામાંથી સંચાર પ્રયોગો
ઉપગ્રહનું વજન 672 કિલોગ્રામ
ઉપગ્રહ પર પાવર 210 Watts
પેલોડ C-બેન્ડના બે ટ્રાન્સપોન્ડર (6 GHz અપ લિંક અને 4 GHz ડાઉન લિંક)
પ્રક્ષેપણયાન એરિયન-1 (V-3)
પ્રક્ષેપણ મથક કૌરૂ (Kourou) ELA-1
પ્રક્ષેપણ દિનાંક 19 જૂન 1981
ભ્રમણકક્ષા ભૂકેન્દ્રિત – ભૂસ્થિત; 102 અંશ પૂર્વ
અભિયાન અવધિ બે વર્ષ
અભિયાન સમાપ્તિ દિનાંક 18 સપ્ટેમ્બર 1983

પરંતપ પાઠક

                                                                                                          ચિંતન ભટ્ટ