ઍન્શંટ મૉન્યુમેન્ટ્સ્ પ્રિઝર્વેશન ઍક્ટ, 1904

January, 2004

ઍન્શંટ મૉન્યુમેન્ટ્સ્ પ્રિઝર્વેશન ઍક્ટ, 1904 : ભારતનાં પ્રાચીન સ્મારકો તથા તેના અવશેષોને જાળવવાનો અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળોના અનધિકૃત ઉત્ખનનને અટકાવવાનો કાયદો. 1898માં આ અંગે ભારત સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સરકાર તે સંબંધમાં પોતાની જવાબદારી તથા ફરજ અદા કરી શકે તે માટે જરૂરી કાયદો ઘડવાની અનિવાર્યતાની સરકારને પ્રતીતિ થતાં પ્રાંતીય સરકારો તથા સ્થાનિક પ્રશાસન-સંસ્થાઓના અભિપ્રાયો જાણવા તેને લગતો એક નમૂનારૂપ ખરડો પ્રસારિત કરવામાં આવ્યો. તે ખરડા પર પ્રાપ્ત થયેલા અભિપ્રાયોને ધ્યાનમાં લઈને 1904નો આ કાયદો પસાર કરવામાં આવ્યો. સમય જતાં તેમાં કેટલાક સુધારાવધારા કરવામાં આવ્યા છે.

આ કાયદાનો પ્રથમ ભાગ ‘પ્રાચીન સ્મારકો’ના રક્ષણને લગતો છે. ‘પ્રાચીન સ્મારકો’ની વ્યાખ્યા કાયદાની કલમ 2માં આપવામાં આવી છે. ‘પ્રાચીન સ્મારકો’ની કક્ષામાં વખતોવખત મૂકવામાં આવતાં સ્મારકો તથા તેના અવશેષોને આ કલમ આવરી લે છે. આવાં પુરાતન સ્મારકોનું રક્ષણ એ આ કાયદાનું મુખ્ય લક્ષ્ય છે, જેથી ઐતિહાસિક તથા સ્થાપત્યકળાની ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં તેમજ સામાન્ય જનતાની સગવડ પૂરી પાડતાં સ્મારકોને નુકસાન થતું અટકાવી શકાય. આવાં સ્મારકોમાંથી જે પુરાતન સ્મારકો હાલ ખાનગી માલિકી હેઠળ છે તેમની જાળવણી માટે સ્વૈચ્છિક કરાર કરવાની કાયદામાં જોગવાઈ છે. અપવાદરૂપ કિસ્સામાં સ્મારકોની ફરજિયાત પ્રાપ્તિ કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે.

કાયદાનો બીજો ભાગ ઐતિહાસિક તથા કલાત્મક મહત્વ ધરાવતી જંગમ વસ્તુઓને સ્પર્શે છે. કલમ 18 મુજબ આવી વસ્તુઓ દેશમાં રાખવી ઇષ્ટ હોઈ તેની નિકાસ અટકાવવા તથા અન્ય દેશોમાંથી ભારતમાં આવી વસ્તુઓનો પ્રવેશ અટકાવવા માટે સરકારપક્ષે જરૂરી સત્તા આપવામાં આવી છે. કલમ 19 અન્ય સ્થળેથી પ્રાપ્ત કરવામાં આવેલાં સ્થાપત્ય તથા શિલાલેખો, અભિલેખો જેવી વસ્તુઓ અંગે છે. સ્થાનિક સંગ્રહાલયોમાં તે નમૂનાઓને રાખવા અંગેની કાયદામાં જોગવાઈ છે. આવી વસ્તુઓનું સ્થળાંતર અટકાવવા માટે, સરકાર દ્વારા તેની ખરીદી કરવા અંગે અને જો કોઈ વસ્તુ સ્થાવર હોય તો તેના માલિકને કાયદાના પ્રતિબંધોને કારણે થતા નુકસાન સામે વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કલમ 20 (હવે પરિચ્છેદ 19) હેઠળ આવી વસ્તુઓની જાળવણી અનિવાર્ય બને ત્યારે, એટલે કે જો તેના માલિક અંગત કે ધાર્મિક કારણોસર તે વસ્તુનો કબજો સરકારને સ્વેચ્છાથી સોંપવા રાજી ન થાય ત્યારે તેની ફરજિયાત ખરીદી લેવાની સત્તા સરકારને આપવામાં આવી છે.

કાયદાના ત્રીજા ભાગમાં અનધિકૃત ઉત્ખનન અટકાવવાની તથા ઉત્ખનનનું નિયમન કરવા માટે જરૂરી નિયમ ઘડવાની સરકારને અપાયેલ સત્તાનો સમાવેશ થયેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે