ઍન્શંટ મેરિનર (1798) : સૅમ્યુઅલ કૉલરિજનું રૉમૅન્ટિક પ્રકારનું વિલક્ષણ દીર્ઘ કથાકાવ્ય. તે સૌપ્રથમ વર્ડ્ઝવર્થ અને કૉલરિજના સહિયારા કાવ્યસંગ્રહ ‘લિરિકલ બૅલડ્ઝ’માં પ્રસિદ્ધ થયું હતું.

મધ્યયુગીન કાવ્યપ્રકાર બૅલડની સ્વરૂપગત સઘળી લાક્ષણિકતાઓ પ્રયોજતા જઈને કૉલરિજે અદભુત કથનશક્તિવર્ણનશક્તિનો પરિચય આપ્યો છે. રોમાંચક પ્રતિરૂપો, સરળ પદબંધ અને સંમોહક કાવ્યલય વડે કૉલરિજે અલૌકિક અને રહસ્યમય કાવ્યસૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આ કાવ્યમાં જે અજ્ઞાત છે તેને કવિએ સરસ રીતે જ્ઞાત કર્યું છે.

લગ્નની મિજબાની માણીને ત્રણ યુવાનો ઘેર જતા હોય છે. એક વૃદ્ધ ખલાસી એમાંના એક યુવાનને રોકીને પોતાની આપવીતી કહે છે. તે કહે છે કે એક વેળા એ જ્યારે પોતાના વહાણને દક્ષિણ ધ્રુવ તરફ હંકારી જતો હતો, ત્યારે એને સમુદ્રના એક ભયંકર તોફાનનો સામનો કરવાનો થયો. હિમશિલાઓએ તેના વહાણને ઘેરી લીધું. એ વેળા એ ધુમ્મસભર્યા ધૂંધળા વાતાવરણમાં એક એલ્બેટ્રૉસ પક્ષી આવી ચડ્યું. એ પક્ષીને જોતાં જ આ બુઢ્ઢા નૌકાનાયકના સાથીઓ એને શુકનવંતું સમજી આનંદમાં આવી ગયા. પણ બુઢ્ઢો નાયક કંઈક જુદું જ સમજ્યો; એણે એને આફતનું એંધાણ સમજી વીંધી નાખ્યું. આ અપકૃત્યને કારણે કહેવાય છે કે એ વહાણ ઉપર ઈશ્વરી પ્રકોપ ઊતર્યો અને વહાણ દરિયામાં રસ્તો ભૂલ્યું. મધ્યદરિયે નૌકા અને બુઢ્ઢો અને એના સાથીદારો અટવાયા; ભૂખે અને તરસે ખૂબ સંતપ્ત થયા અને અંતે ખૂબ ત્રાસ વેઠીને મરણ પામ્યા; કેવળ પેલો બુઢ્ઢો નાયક ઊગરી ગયો. આ કાવ્યમાં આવતી ‘ઑલ ઑલ ઑલ અલોન, અલોન ઑન અ સૉલિટરી સી ઍૅન્ડ નેવર અ સેંટ ટુક પિટી ઑન માઇ સોલ ઇન ઍગની’ જેવી અનેક કડીઓ ચિરસ્મરણીય બની છે.

સાત દિવસની નારકી યાત્રા પછી અચાનક તેના હૃદયમાં દરિયાઈ જીવો પ્રત્યે પ્રેમની – દયાની લાગણી જાગે છે અને તે અંતરમાં પશ્ચાતાપ અનુભવે છે. પશ્ચાતાપ દ્વારા, પ્રાર્થના દ્વારા તેનું પાપ ધોવાય છે, તેનું મન નિર્મળ થતું આવે છે અને પુન: તે ધરતી સાથે, ધરતીના માનવી સાથે, પ્રકૃતિ અને ધર્મ સાથે જોડાય છે. અસાવધ ક્ષણોમાં કરેલું નાનું એવું પાપ મનુષ્યને મનુષ્યથી, પ્રકૃતિથી અને ધર્મથી વિમુખ કરી દે છે, તેનું સબળ પ્રતીકાત્મક આલેખન આ કથાકાવ્યમાં થયું છે. કાવ્યમાં સાર્વત્રિક સત્યને સારવતા વિશાળ પરિમાણવાળા અને અપૂર્વ અર્થવ્યાપવાળા ભાવપ્રતીકનું મૂલ્ય કેટલું મોટું હોય છે તે કૉલરિજે સિદ્ધ કર્યું છે.

નલિન રાવળ

સુરેશ શુક્લ