ઍન્ડર્સ જૉન (જ. 10 ફેબ્રુઆરી 1897, વેસ્ટહાર્ટફૉર્ડ કનેક્ટિકટ, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1985, વોટરફોર્ડ, કનેક્ટિકટ, યુ.એસ. ) : ફિઝિયૉલૉજી અને મેડિસિન માટેના નોબેલ પારિતોષિકના (1954) ફ્રેડ્રિક ચૅપમૅન રૉબિન્સ તથા થૉમસ હક્સલે વેલર સાથેના સહવિજેતા. તેમનો વિષય હતો પોલિયોમાયલાઇટિસ રોગ કરતા વિષાણુ(virus)નું ચેતાપેશી સિવાયની પેશીમાં સંવર્ધન (culture). તેમણે અંગ્રેજી સાહિત્યના અભ્યાસ સાથે હાર્વર્ડ યુનિવર્સિટીની એમ.એ.(1922)ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે જીવાણુશાસ્ત્ર(bacteriology)ના વિષય સાથે પીએચ.ડી.(1930)ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે ક્ષય, ન્યુમોનિયા ઇત્યાદિનો ચેપ અને અન્ય જીવાણુથી થતા ચેપનો પ્રતિકાર કરવા માટેનું સંશોધન કર્યું. હાર્વર્ડમાં ‘વિષાણુજન્ય રોગો’ વિશે અભ્યાસ કર્યો. બૉસ્ટનમાં બાળચિકિત્સા કેન્દ્ર(1946)માં તેમણે પોલિયો લૅબોરેટરી સ્થાપી. યુ.એસ.ના આ વિખ્યાત જીવાણુશાસ્ત્રીએ, ચેતાપેશી (nerve tissue) સિવાયની પેશી પર બાળલકવાના વિષાણુનું સંવર્ધન કરીને ભવિષ્યની બાળલકવા રસી(polio vaccine)નો પાયો નાખ્યો.

જૉન ઍન્ડર્સ

આ જ પ્રમાણે 1950માં ઓરીનો રોગ કરતા વિષાણુ(measles virus)ની રસી સૌપ્રથમ શોધી. આને પરિણામે તેમને 1963માં ‘ઓરી’ સામેની રસીનો પરવાનો (license) મળ્યો. જૉન ઍન્ડર્સે, રૉબિન્સ અને વેલરના સહયોગથી પોલિયોકારી વિષાણુ મોટા જથ્થામાં તૈયાર કર્યું. તેમનાં સંશોધનોએ નવા વિષાણુઓ શોધવામાં અને નવી નિદાન- પદ્ધતિઓ વિકસાવવામાં પાયાનું કામ કર્યું છે.

હરિત  દેરાસરી