ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન

January, 2004

ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન (જ. 2 એપ્રિલ 1805, ઓડેન્સ; અ. 4 ઑગસ્ટ 1875, કોપનહેગન) : ડેન્માર્કના જગપ્રસિદ્ધ પરીકથાસર્જક. પિતા મોચીકામ કરતા. 1816માં પિતાનું મરણ થતાં બાળપણનો ઉછેર ખૂબ કંગાળ હાલતમાં. માતાની ઇચ્છા તેમને દરજી બનાવવાની હતી, પણ તેમને લેખન અને અભિનયનો શોખ હતો.

હાન્સ ક્રિશ્ચિયન ઍન્ડરસન

1819માં એ કોપનહેગન ગયા ત્યારે ખિસ્સે ખાલી હતા. રખડ્યા ખૂબ, પણ શોખ છોડ્યો નહિ. 1819માં એમનું પહેલું પુસ્તક પ્રસિદ્ધ થયું – માત્ર ચૌદ વર્ષની વયે. એમની પરીકથાઓમાં જે કલ્પનાનું પ્રાચુર્ય ને રમતિયાળ મધુર હાસ્ય વહે છે તેનું આ પ્રથમ પુસ્તકમાં પણ દર્શન થાય છે. એમણે ડેન્માર્કનાં ઘણાં ગામડાં ખૂંદ્યાં, પછી જર્મની અને ઇટાલીમાં ફર્યા. ઇટાલીનાં નૈસર્ગિક સૌન્દર્ય અને અનુપમ કલાકારીગરીની સાથે એમણે ભયાનક ગરીબાઈ જોઈ. આ બધાંની એમના ચિત્ત પર કાયમની ઊંડી અસર થઈ, જે પછીની રચનાઓમાં દેખાય છે. 1835માં એમની પહેલી નવલકથા ‘ધી ઇમ્પ્રોવાઇઝેટર’ પ્રસિદ્ધ થઈ, જે દેશમાં ને દેશ બહાર વખણાઈ. એ જ વર્ષે એમનું પરીકથાઓનું પહેલું પુસ્તક પ્રસિદ્ધ થયું. એમની પહેલી પરીકથા 1832માં ને છેલ્લી 1872માં લખાઈ છે. આ પરીકથાઓએ એમને વિશ્વવ્યાપી કીર્તિ અપાવી છે.

એમણે ત્રીસેક નાટકો લખ્યાં છે જે કોપનહેગનમાં ભજવાયાં છે. જેમ એમની નવલકથાઓમાં તેમ એમનાં નાટકોમાં જીવનવિગ્રહ ખેલતાં પાત્રો છે. નિબંધો પણ નોંધપાત્ર છે. એમનાં તમામ લખાણોમાં નર્મમર્મ ને કલ્પનાનું પ્રાચુર્ય છે, જે એમની પરીકથાઓમાં ટોચે પહોંચે છે.

ઍન્ડરસન અઠંગ પ્રવાસી હતા. એમને લોકોનો સીધો સંપર્ક હતો. લોકકથાઓ અને લોકગીતોમાંથી એમણે ભરપૂર પ્રેરણા લીધી છે. લોકસાહિત્ય વિશે તેઓ કહે છે : ‘લોકગીતનું પંખી લોકનાં સુખદુ:ખનું ગાન જેવું ગાય છે તેવું કોઈ માનવી ગાઈ નહિ શકે. એ પંખી ગાય છે પ્રતીકાત્મક રીતે, પણ બધાયને તેનું ગાન સમજાય છે.’ તેમની પરીકથાઓ આ પ્રતીકાત્મકતાથી ભરપૂર છે, જે બધાને સમજાય છે. આથી એ પરીકથાઓ કેવળ બાળકોમાં જ નહિ, તમામ ઉમરનાં સ્ત્રીપુરુષોમાં એકસરખી પ્રિય છે. માનવી, પશુપંખી, ફૂલ ને રમકડાંની આ વાર્તાઓ બાળમનને આનંદ આપે છે ને તેને જીતી લે છે એટલી જ એની અસર નથી, પણ એ વાર્તાઓની પાછળ જીવનનાં કેવાં ભવ્ય રહસ્યોનું ઉદઘાટન થાય છે તે બાળકોને તત્કાળ ભલે ન સમજાય, પણ તેઓ મોટાં થતાં તેમને તે સમજાવા માંડે છે.

ઍન્ડરસન કવિ પણ છે. એ કહે છે : ‘ઘણી વાર એવું લાગે છે કે એકેક ફૂલ જાણે મને બોલાવે છે ને કહે છે : ‘‘‘હં, મારી સામે જો, તને વાર્તા મળશે’ હું તેની સામે જોઉં છું અને ખરેખર મને નવી વાર્તા મળે છે.’’ એમની આ પરીકથાઓએ એમને અખંડ વિશ્વકીર્તિ અપાવી છે. આ વાર્તાઓમાં એમણે સત્તા અને શ્રીમંતાઈના દંભ અને અન્યાય, ગરીબોનું શોષણ, કહેવાતા જ્ઞાનનો ઘમંડ, સમાજમાં પ્રવર્તતાં જડતા અને અસમાનતા વગેરે ઉઘાડાં પાડ્યાં છે, પણ ક્યાંય પ્રચારની ગંધ સરખી નથી. માત્ર ચિત્રો છે – રેખાએ રેખા સ્પષ્ટ દેખાય એવાં. દા. ત., ‘ધ લિટલ મૅચ ગર્લ’, ‘ધ પ્રિન્સેસ ઑવ્ ધ પી’ અને ‘ધ મની પિગ’. ‘ધ નાઇટિંગેલ’ વાર્તામાં તેઓ બતાવે છે કે કલા કોઈ બાદશાહની દાસી નથી, કલાને સમજવાનો દાવો કરનારાઓની તેઓ ઠેકડી ઉડાડે છે. એમની બીજી વિશ્વવિખ્યાત વાર્તાઓમાં ‘ધ ટૉપ ઍન્ડ ધ બૉલ’, ‘ધ કૉન્સ્ટન્ટટિન સોલ્જર’, ‘ધ વાઇલ્ડ સ્વાન’, ‘ધ ટિન્ડર બૉક્સ’, ‘ધ ફલાઇંગ ટ્રન્ક’, ‘ધી એમ્પરર્સ ન્યૂ કલૉથ્સ’, ‘ધ સ્નો ક્વીન’ વગેરે ગણાવી શકાય.

એમના વખતના વિદ્વાનોએ ઍન્ડરસનની ટીકા કરેલી કે તારી ભાષા વ્યાકરણશુદ્ધ નથી. ત્યારે તેમણે કહેલું કે ‘હું તો લોકો બોલે તેવું લખું છું’.

તેમના વખતમાં તાર, ફોટોગ્રાફી, રેલવે વગેરેની શોધો થઈ ચૂકી હતી અને વિજ્ઞાનની પ્રગતિને તેમણે વધાવી હતી. તેમણે આત્મકથનાત્મક ‘ફેરી ટેલ ઑવ્ માઇ લાઇફ’ (1855) પ્રસિદ્ધ કરી.

દુનિયાની લગભગ તમામ મુખ્ય ભાષાઓમાં તેમની પરીકથાઓનાં અનુવાદો કે રૂપાન્તરો થયેલાં છે. 1955માં સમગ્ર વિશ્વમાં ઍન્ડરસનની દોઢસોમી જન્મજયંતી ઊજવાઈ હતી. તે વખતે કેટલીય ભાષાઓમાં આ પરીકથાઓ નવાં રૂપરંગમાં બહાર પડી હતી. એકલા રશિયાએ 32 ભાષામાં તેના અનુવાદો પ્રસિદ્ધ કર્યા હતા.

રમણલાલ સોની