ઍન્ટિયૉક્સ રાજાઓ

January, 2004

ઍન્ટિયૉક્સ રાજાઓ : સિરિયાના સામ્રાજ્યના સમ્રાટો. મહાન સિકંદરના સેનાપતિ સેલ્યુકસ પહેલાએ (નિકેટરે) સીરિયાના હેલેનિસ્ટિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સેલ્યુકસ પહેલા પછી અનુક્રમે સેલ્યુકસ બીજો અને સેલ્યુકસ ત્રીજો આ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. સેલ્યુકસ ત્રીજા પછી તેનો ભાઈ ઍન્ટિયૉક્સ ત્રીજો ઈ. પૂ. 223માં ગાદીએ આવ્યો. તેને ‘મહાન’ તરીકે ઓળખવામાં આવે છે. રોમ સાથેની લડાઈઓમાં એ નિષ્ફળ ગયો. છતાં પૂર્વ તરફ એણે સિરિયન સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એણે સામ્રાજ્યમાં વહીવટી સુધારા કરી એને વ્યવસ્થિત બનાવ્યું. પડોશના રાજાઓ સાથે પોતાની પુત્રીઓનાં લગ્ન કરી એણે સારા સંબંધો સ્થાપ્યા. ઈ. પૂ. 187માં સુસા નજીકના મંદિરમાં એનું ખૂન થયા પછી એનો પુત્ર ઍન્ટિઓક્સ ચોથો સમ્રાટ બન્યો તે ‘એપિફેની’ તરીકે પ્રસિદ્ધ હતો. તેનો જન્મ ઈ. પૂ. 215માં થયો હતો. ઈ. પૂ. 175થી ઈ. પૂ. 164 સુધી એ સમ્રાટ તરીકે રહ્યો એ દરમિયાન એણે ઇજિપ્ત ઉપર ચઢાઈ કરી. એણે એના રાજ્યને ગ્રીક સંસ્કૃતિના રંગે રંગવાનો પ્રયત્ન કર્યો. ઈ. પૂ. 164માં માંદગીને લીધે તેનું અવસાન થયું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી