ઍનેરૉઇડ બૅરોમિટર

January, 2004

ઍનેરૉઇડ બૅરોમિટર (aneroid barometer) : હવાનું દબાણ માપવા માટેનું નિષ્પ્રવાહી વાયુભારમાપક. બૅરોમિટરના મુખ્ય પ્રકારોમાં ફૉર્ટિનનું પારાનું બૅરોમિટર અને નિષ્પ્રવાહી બૅરોમિટરનો સમાવેશ થાય છે.

આ બૅરોમિટરમાં પારો કે બીજું કોઈ પ્રવાહી વપરાતું ન હોવાથી તે વજનમાં હલકું અને પ્રવાસમાં સાથે ફેરવવામાં સુગમ રહે છે.

આ સાધનમાં ધાતુના પાતળા પતરાની બંધ નળાકાર ડબ્બી હોય છે. ડબ્બીમાંથી હવા ખેંચી લઈને પાતળા પતરાના ઢાંકણ વડે એને ઉપરથી સીલ કરવામાં આવે છે. બહારની હવાના દબાણના ફેરફાર પ્રમાણે ડબ્બીનું ઉપરનું પતરું ઊંચું-નીચું થાય છે ત્યારે તેની સાથે જોડેલાં ઉચ્ચાલનો પણ ઉપરનીચે ખસે છે અને તે પ્રમાણે ઉચ્ચાલન સાથે જોડેલો દર્શક (કાંટો) ચંદા ઉપર ખસે છે. ચંદા પર દબાણના આંક દર્શાવેલા હોય છે, તેના પરથી જે તે સમયના હવાના દબાણનું માપ મળે છે.

પ્રવાસીઓ, સંશોધકો, પર્વતારોહકો, વિમાનચાલકો તેમજ હવામાનના અભ્યાસીઓ માટે આ બૅરોમિટર હેરફેરમાં સગવડભર્યું હોવા છતાં ફૉર્ટિનના પારાના બૅરોમિટરની માફક દબાણનું મૂલ્ય મિ.મી.ના દસમા કે સોમા ભાગ જેટલું સૂક્ષ્મ મળતું નથી.

મહેશ મ. ત્રિવેદી