ઍનૅગ્નૉરિસિસ

January, 2004

ઍનૅગ્નૉરિસિસ (recognition) : ગ્રીક કાવ્યશાસ્ત્રની સંજ્ઞા, જેનો અર્થ છે નિર્ભ્રાંત જ્ઞાન અથવા ઓળખ. સાહિત્યકૃતિમાં પાત્રને પોતાની સાચી ઓળખ થવાની પળ. એ એવી અનન્ય ઘડી છે, જ્યારે અજ્ઞાનનું અંધારું અર્દશ્ય થઈને જ્ઞાન અથવા સાચી ઓળખનો પ્રકાશ પ્રગટે છે. ‘પોએટિક્સ’ના ‘ટ્રૅજેડી’ ઉપરના છઠ્ઠા પ્રકરણમાં ઍરિસ્ટૉટલ ‘ઍનૅગ્નૉરિસિસ’ને નાટકના વસ્તુના અનિવાર્યપણે આવશ્યક એવા મહત્વના અંગ તરીકે ઓળખાવે છે. ટ્રૅજેડીનાં તીવ્રતમ લાગણીનાં ખૂબ શક્તિશાળી તત્વોમાં ‘ઍનૅગ્નૉરિસિસ’ એટલે કે અભિજ્ઞાન અને ‘પેરિપિટિયા’ એટલે કે વિપર્યય અગત્યનો ભાગ ભજવે છે. સત્યનું દર્શન કરાવતાં કે ઇરાદા અથવા પરિસ્થિતિના અણધાર્યા વળાંકો-વાળાં, ટ્રૅજેડીમાં આવતાં ર્દશ્યો પ્રેક્ષકને કે ભાવકને ખરેખર હચમચાવી મૂકે છે. જોકે કૉમેડી, મહાકાવ્ય અને પછીના સમયમાં નવલકથાનાં સ્વરૂપોમાં પણ આ પળનું નિર્માણ થતું હોય છે. પહેલાં જેની ખબર જ ન હોય તેવી આ પળ પાત્રને પોતાની ખરી ઓળખાણ કરાવે છે; દા. ત., કોઈ એક પળે અજાણી વ્યક્તિ ખરેખર તો પોતાનો પુત્ર છે તેની જાણ પિતાને થાય અથવા, તેનાથી વિપરીત, પુત્ર પોતાના પિતાને જીવનમાં પહેલી વાર જ ઓળખી પાડે. સૉફોક્લિસના ‘ઇડિપસ રેક્સ’ નાટકમાં એક સંદેશવાહક ઇડિપસના જન્મની હકીકત જણાવે છે તે ઘડીએ તે પોતાની પત્ની જોકૅસ્ટા ખરેખર તો પોતાની જન્મદાતા-જનની છે અને જેને, નગરના ત્રિભેટે, પોતે જાનથી મારી નાખ્યો હતો તે અન્ય કોઈ નહિ પણ પોતાનો પિતા છે અને પોતે થીબ્ઝ નગરના ધનોતપનોત માટે નિમિત્ત થનાર મહાપાપી છે તે વાતથી સભાન થાય છે. આ સભાનતા, કલાકાર માટે તો કલાનું શિખર સિદ્ધ કરવાની તક પૂરી પાડે છે. તેના મૂળમાં ‘પેરિપિટિયા’ એટલે કે ભારે ઉત્પાત મચાવતી, અચાનક આવી પડેલ વિપરીત પરિસ્થિતિના આરે લાવી મૂકતી નસીબની બલિહારી બતાવતી પળ છે. સત્યની જાણ કરાવતી પળે પાત્રનું ભાવિ કરુણ જ હશે તેવું ન પણ બને; દા. ત., મહાકાવ્ય ઑડિસીમાં રાજા ફૅએસિયા ઍલસિનોસનો દરબારી કવિ દરિયાઈ તોફાનમાં ધ્વંસ થયેલ વહાણમાં સદભાગ્યે બચી ગયેલ કોઈ અજાણ્યા મુસાફરને ટ્રૉયના યુદ્ધનાં ગીતો સંભળાવે છે, જે સાંભળીને પેલો મુસાફર તો લાગણીથી તરબોળ થઈ આંસુભરી આંખે કહે છે કે તે પોતે જ ઑડિસિયસ છે. ઍરિસ્ટૉટલના મતે નાટ્યકારો ઍનૅગ્નૉરિસિસના વિવિધ પ્રકારો પ્રયોજે છે. તેમાં સૌથી સરળ છે – જેમાં, બુદ્ધિ વાપરવાની ભાગ્યે જ જરૂર પડે તેવા શરીર પરનાં કોઈ જાણીતાં ઓળખચિહ્ન બતાવતા પહેલાંના જખમની કે લાખા કે તલના જેવી નિશાની હોઈ શકે. જોકે ખરી ખૂબી એ છે કે તે ઓળખ નાટકમાં સ્વાભાવિકપણે સ્ફુટ થતી હોવી જોઈએ.

દિનેશ કોઠારી

વિ. પ્ર. ત્રિવેદી