ઍડિસન રોગ (Addison’s disease) : ઍડિસને 1885માં વર્ણવેલો રોગ. અધિવૃક્ક-બાહ્યક(adrenal cortex)ની ઘટેલી કાર્યક્ષમતાથી આ રોગ ઉદભવે છે. અધિવૃક્ક ગ્રંથિનો બાહ્યક મુખ્યત્વે ગ્લુકોકૉર્ટિકૉઇડ અને મિનરલોકૉર્ટિકૉઇડ જૂથના અંત:સ્રાવો- (hormones)નું ઉત્પાદન કરે છે (જુઓ : અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, આઘાત, આલ્ડૉસ્ટીરોન, એ.સી.ટી.એચ., કૉર્ટિકૉસ્ટીરોઇડ અને કુશિંગનો રોગ.) અધિવૃક્ક-બાહ્યકની કાર્યક્ષમતા ઘણી જ છે અને તેથી જ્યારે તેના 9/10 ભાગ રોગ કે શસ્ત્રક્રિયાથી નાશ થાય ત્યારે જ તેના અંત:સ્રાવોની ઊણપ વર્તાય છે અને તેનું કાર્ય ઘટે છે. ઘણા લાંબા સમય સુધી દર્દીના અધિવૃક્ક અંત:સ્રાવોનું ઘટેલું પ્રમાણ તેના રોજિંદા જીવનમાં અડચણરૂપ થતું નથી, પરંતુ તે શસ્ત્રક્રિયા, ઈજા કે ચેપના સમયે અપૂરતું રહે છે. લક્ષણો દેખા દે તે પહેલાંની સ્થિતિમાં પણ નિદાન કરી શકાય તેવી ઉપલબ્ધ કસોટીઓના વ્યાપક ઉપયોગથી અને ઓછી માત્રામાં કૉર્ટિસોલની સારવાર કરવાથી હવે ઘણી પરિસ્થિતિ જીવનને જોખમકારક બનતી અટકાવી શકાય છે. યુ.એસ.માં પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની (autoimmune) વિકાર રૂપે થતી અધિવૃક્ક-બાહ્યકની ક્ષીણતા (atrophy) 55 % દર્દીઓમાં જોવા મળે છે, જ્યારે 40 % દર્દીઓમાં ફેફસાં કે આંતરડાંના ક્ષયરોગનો અધિવૃક્ક-બાહ્યકમાં ફેલાવો થયેલો જોવા મળે છે. ઈજાને કારણે ગ્રંથિમાં લોહી વહે, કૅન્સરના ફેલાવાને કારણે ગ્રંથિનો નાશ થાય, ગ્રંથિની શિરામાં લોહી જામી જાય, ઍમિલૉઇડતા કે હીમોસિડરૉસિસ(haemosiderosis)ને કારણે ગ્રંથિનું કાર્ય ઘટે, વગેરે વિકારો માંડ 55 % દર્દીઓમાં જોવા મળે છે. એડિસન રોગનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે દર 1000 મૃત્યુમાં ફક્ત 4 દર્દીઓ તેને કારણે મૃત્યુ પામેલા હોય છે.

દિવસ ચઢવાની સાથે માનસિક અને શારીરિક અશક્તિ અને થાક આ રોગનાં શરૂઆતનાં લક્ષણો છે. સ્નાયુઓમાં અશક્તિ વર્તાય છે. સામાન્ય ચેપમાં અતિશય વ્યાધિ થઈ જવો કે રોગ મટ્યા પછી તંદુરસ્તી મેળવતાં લાંબો સમય થવો, શરીર પર અતિવર્ણકતાને કારણે કાળા ડાઘા થવા, વજન ઘટવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું, ઊભા થતી વખતે લોહીનું દબાણ ઘટવાથી અંધારાં આવવાં અને મૂર્છા (syncope) આવવી, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ થોડુંક જ ઘટે છતાં તેનાં ચિહનો અને લક્ષણો થઈ આવવાં (દા. ત., ભૂખ લાગે, માથું દુ:ખે, અશક્તિ લાગે, પરસેવો થાય, કંપવા (tremor) થાય, ઝાંખું દેખાય, બેવડું દેખાય, સમય-સ્થળનું ભાન ઘટે વગેરે), બેહોશ થવું, વાળનું પ્રમાણ ઘટવું, ઋતુસ્રાવ બંધ થવો, લિંગીય શિથિલતા (impotence) આવવી, સ્ત્રીઓમાં બગલના વાળ ઘટવા, ખિન્નતા આવવી વગેરે ચિહનો અને લક્ષણો જોવા મળે છે.

નિદાન માટે કેટલીક કસોટીઓનાં પરિણામો સૂચક ગણાય છે. આલ્ડૉસ્ટીરોનની ઊણપને કારણે સોડિયમ ઘટે છે, પોટૅશિયમ વધે છે અને તેથી તેમના 30 : 1ના સામાન્ય ગુણોત્તરપ્રમાણથી ઓછું ગુણોત્તર પ્રમાણ એડિસન રોગ સૂચવે છે.

અગ્રપીયૂષિકા (anterior pituitary) ગ્રંથિનો અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજી અંત:સ્રાવ (adrenocorticotrophic hormone, ACTH) અધિવૃક્ક-બાહ્યકમાં ગ્લુકોકૉર્ટિકૉઇડ અંત:સ્રાવોનું ઉત્પાદન વધારે છે અને તેથી તેના ચયાપચયી શેષ(metabolite)રૂપ હાઇડ્રૉક્સિ-કૉર્ટિકૉઇડ્સ પેશાબમાં વહી જાય છે. આમ પેશાબમાંના હાઇડ્રૉક્સિ-કૉર્ટિકૉઇડ્સનું પ્રમાણ અધિવૃક્ક-બાહ્યકની કાર્યક્ષમતાનું દ્યોતક છે. વળી અધિવૃક્ક-બાહ્યકમાંથી લોહીમાં પ્રવેશેલો ગ્લુકોકૉર્ટિકૉસ્ટીરોઇડ અંત:સ્રાવ લોહીમાંના ઈયોસીનરાગી (eosinophilis) શ્વેતકોષોનું પ્રમાણ ઘટાડે છે. તેથી ACTHના ઇન્જેક્શન પછી જો લોહીના ઈયોસીનરાગી શ્વેતકોષોના પ્રમાણમાં 50 %થી ઓછો ઘટાડો થાય તો એડિસન રોગ હોવાની શક્યતા છે. ACTHનું ઇન્જેક્શન આપ્યા પછી સામાન્ય વ્યક્તિના પેશાબમાં, હાઇડ્રોક્સિકૉર્ટિકૉઇડ્સનું પ્રમાણ વધે છે, અગ્રપીયૂષિકા ગ્રંથિની અલ્પકાર્યતાવાળા દર્દીમાં તે મર્યાદિત પ્રમાણમાં વધે છે, જ્યારે એડિસન રોગના દર્દીમાં તેનું પ્રમાણ વધતું નથી પરંતુ ક્યારેક ઘટે છે.

એડિસન રોગનો દર્દી : (1) શ્લેષ્મકલામાં અતિવર્ણકતા, (2) ચામડીમાં
અતિવર્ણકતા, (3) ઘાટા, કાળા વાળ, (4) ચામડી પર સફેદ ડાઘ,
(5) સ્નાયુશિથિલતા, (6) લોહીનું ઘટેલું દબાણ

અતિશય પાણી પીવાથી પેશાબનું પ્રમાણ સામાન્ય માણસમાં વધે છે, જ્યારે એડિસન રોગનો દર્દી પૂરતા પ્રમાણમાં પેશાબ ઉત્પન્ન કરી શકતો નથી. તેની આ ખામી હાઇડ્રોકૉર્ટિઝોનનું ઇન્જેક્શન આપવાથી દૂર થાય છે.

સારવાર માટે ગ્લુકોકૉર્ટિકૉઇડ અને મિનરલોકોસ્ટિકો અંત:સ્રાવો અપાય છે. ખોરાકમાં સોડિયમનું પ્રમાણ 10 ગ્રામથી વધારે રહે તે જોવાય છે. જો અગ્રપીયૂષિકાગ્રંથિની અલ્પકાર્યતાને કારણે અધિવૃક્ક-બાહ્યકની કાર્યક્ષમતા ઘટી હોય તો અન્ય અંત:સ્રાવી ગ્રંથિના અંત:સ્રાવો (દા. ત., ગલગ્રંથિ – thyroid – અંતસ્રાવ) અપાય છે.

શિલીન નં. શુક્લ

ભરત ત્રિવેદી