ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864 (2019) છે.

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિ.) સ્મારક, ઍટલાન્ટા
દક્ષિણ યુ.એસ.નું આ શહેર રેલ અને રસ્તામાર્ગનું મહત્વનું કેન્દ્ર છે. આ શહેર મેમ્ફિસ, જૅકસન મોન્ટેગોમેરી, કોલંબિયા તેમજ ફ્રૅન્કફર્ટ સાથે રેલમાર્ગે જોડાયેલું છે. ઍપેલિશિયન પર્વતમાળાની નજીક આવેલું આ શહેર આસપાસનાં લોખંડ અને કોલસાનાં ક્ષેત્રોને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતું રહે છે. શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યૉર્જિયા સ્ટેટ યુનિવર્સિટી, જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી, ઍટલાન્ટા યુનિવર્સિટી, એમરી યુનિવર્સિટી તથા ઍટલાન્ટા મેમૉરિયલ આર્ટ સેન્ટર છે. તેનું મૂળ નામ ટર્મિનસ હતું જે બદલીને 1845માં ઍટલાન્ટા રાખવામાં આવ્યું.
અમેરિકાના આંતરવિગ્રહ (1861થી 64) દરમિયાન જનરલ શેરમાને આ શહેરનો વિનાશ કર્યો હતો. આ અંગેની એક સંધિ 1895માં બુકર ટી. વૉશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી, જે ‘ઍટલાન્ટા સંધિ’ તરીકે જાણીતી છે. 1973માં પહેલી વાર આ શહેરના નગરપતિ તરીકે અશ્વેત ઉમેદવારની વરણી થઈ હતી.
આ જ નગરમાં અમેરિકાના વિખ્યાત અશ્વેત નેતા માર્ટિન લૂથર કિંગ(જુનિ.)ની હત્યા થઈ હતી. તેમનું સ્મારક પણ આ નગરમાં છે.
મહેશ મ. ત્રિવેદી
રક્ષા મ. વ્યાસ