ઍટમિક મિનરલ્સ ડિવિઝન (AMD) : 1949માં ભારતનું મિનિસ્ટ્રી ઑવ્ નૅચરલ રિસૉર્સિસ ઍન્ડ સાયન્ટિફિક રિસર્ચના ‘રેર મિનરલ સર્વે યૂનિટ’ નામના ઘટક તરીકે અસ્તિત્વમાં આવીને પાછળથી ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍટમિક એનર્જીના ઉપક્રમમાં સમાવિષ્ટ સંસ્થાન. આ સંસ્થાનનું વડું મથક અને કેન્દ્રીય પ્રયોગશાળાઓ હૈદરાબાદમાં છે, જ્યારે અન્વેષણ અને સંશોધન માટેનાં પ્રાદેશિક કેન્દ્રો, નવી દિલ્હી, જયપુર, બૅંગલોર, કોલકાતા, શિલોંગ, નાગપુર, વડોદરા અને હૈદરાબાદમાં આવેલાં છે.

ન્યૂક્લિયર ઊર્જા કાર્યક્રમ તથા પરમાણુઊર્જાના બીજા શાંતિમય ઉપયોગો માટેના જરૂરી યુરેનિયમ અને બીજા ભૂસ્તરીય કાચા માલ બાબત ભારત આત્મનિર્ભર બને તે માટે ‘પરમાણુ-ખનિજો’ માટે પૂર્વેક્ષણ (prospecting), અન્વેષણ (exploration), સંશોધન અને વિકાસલક્ષી એમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તેવું AMDનું તંત્ર છે.

આ સંસ્થાન પરમાણુ-ખનિજોના પૂરતા જથ્થાવાળા સ્રોતો નક્કી કરવા માટે વિમાન મારફત અને જમીન ઉપર વિકિરણમાપી (radiometric) મોજણી, ભૂભૌતિક અને ભૂરાસાયણિક તપાસ, ખોજ અને મૂલ્યાંકન માટેનું શારકામ, જમીનની નીચે ખોજ માટેનું ખાણકામ વગેરે બાબતો હાથ પર લે છે. ક્ષેત્રીય અન્વેષણની મદદમાં સુસજ્જ આધુનિક પ્રયોગશાળાઓ કાર્ય કરે છે. આ પ્રકારના પ્રયત્નોના ફળસ્વરૂપ યુરેનિયમ, થોરિયમ, નોયોબિયમ, ટૅન્ટેલમ, લિથિયમ, બેરિલિયમ, ઇટ્રિયમ, ધરતીનાં વિરલ પાર્થિવ તત્વો (rare earth elements – REE), ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમના અનામત જથ્થાઓ નક્કી કરી શકાયા છે.

બિહારના સિંઘભૂમના અતિક્રામક પટ્ટા (thrust belt – STB) પ્રદેશમાં અને મેઘાલય તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વ્યાપારી ધોરણે પરવડે તેવા યુરેનિયમના નિક્ષેપો નક્કી કરી શકાયા છે. પૂર્વ અને પશ્ચિમ સમુદ્રતટે થોરિયમ અને REEના વિપુલ સ્રોતો હોવાનું નિશ્ચિત થયું છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં નાયોબિયમ, ટૅન્ટેલમ, લિથિયમ, બેરિલિયમ અને ઇટ્રિયમ જેવી વિરલ ધાતુઓના મહત્વના સ્રોતો મળી આવ્યા છે.

ઍટમિક મિનરલ્સ ડિવિઝન (AMD) (હવે તે Atomic Minerals Directorate for Exploration and Research, AMD તરીકે ઓળખાય છે.)

AMDના અન્વેષણીય પ્રયાસોને લીધે ઝારખંડમાં જદુગુડા, ભટીન અને નર્વપહર ખાતે યુરેનિયમની ખાણો ખુલ્લી થઈ છે. ભારતના ન્યૂક્લિયર પાવર પ્રોગ્રામની જરૂરિયાતો આ ખાણો પૂરી પાડે છે. મેઘાલયમાં ડોમિયાસિયાટ યુરેનિયમ નિક્ષેપોની શોધ એ હાલના વર્ષોની મોટી સફળતા છે. આ ઉપરાંત AMDએ મેઘાલયમાં વાહ્કીન ખાતે, આંધ્ર પ્રદેશમાં લંબાપુર યેલ્લાપુર અને તુમ્માલાપલ્લી ખાતે, ઝારખંડમાં તુરમદીહ, બગ્જાતા, કન્યાલુકા અને મોહુલદીહ ખાતે તથા મધ્ય પ્રદેશમાં બોદલ અને જજવાલ ખાતે મોટા જથ્થામાં યુરેનિયમ-નિક્ષેપો શોધી કાઢ્યા છે. તેણે ઇલ્મેનાઇટ, રૂટાઇલ, ઝિર્કોન, મૉનેઝાઇટ, ગાર્નેટ અને સિલિમેનાઇટના અનેક સમુદ્રતટીય રેત-ખનિજ નિક્ષેપો પણ મેળવ્યા છે.

ન્યૂક્લિયર ફ્યુએલ કૉમ્પ્લેક્સ (NFC), હેવી વૉટર પ્રૉજેક્ટ્સ (HWP), ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC) અને ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ(NPCIL)ના વિવિધ ભાગોને તેમની પ્રયોજનાઓમાં ભૂસ્તરીય મૂલ્યાંકન અને ભૂઇજનેરી નિષ્ણાત સેવાઓનો લાભ AMD આપે છે. કેન્દ્ર તથા રાજ્યોનાં સરકારી ખાતાંઓ, જાહેર વિભાગનાં સાહસો (undertakings) તથા યુનિવર્સિટીઓ જેવી ભગિની સંસ્થાઓની સાથે તે વૈજ્ઞાનિક સંશોધનમાં સહકાર કરે છે અને પૃથક્કરણ, તાલીમ અને સંશોધન અંગેની સગવડનો લાભ અનેક સંસ્થાઓને આપે છે.

જ. દા. તલાટી