ઍટમિક એનર્જી કમિશન (AEC) : ભારતનો પરમાણુ ઊર્જા આયોગ. 15 એપ્રિલ 1948ના રોજ ભારતની લોકસભામાં પરમાણુ ઊર્જા ધારો પસાર કરવામાં આવ્યો તેના અનુસંધાનમાં 10 ઑગસ્ટ 1948ના રોજ અસ્તિત્વમાં આવેલ. આઝાદી મળ્યાના એક વર્ષમાં જ આ આયોગની સ્થાપના પરમાણુ-ઊર્જાની અગત્ય સંબંધી રાષ્ટ્રની જાગૃતિની સાબિતી છે. તેના પ્રથમ અધ્યક્ષ તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. હોમી ભાભાને નીમવામાં આવ્યા હતા, બીજા સભ્ય ડૉ. કે. એસ. કૃષ્ણન્ અને સભ્ય સચિવ ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર હતા. આ આયોગની પુન:રચના બે-ત્રણ વાર કરવામાં આવેલી છે. 24 જાન્યુઆરી 1981ના રોજ કરાયેલ પુન:રચનાથી આયોગને અધિક સત્તાઓ આપવામાં આવી છે અને સભ્યસંખ્યા 3થી 9 સુધીની કરવામાં આવી છે.

પંડિત જવાહરલાલ નહેરુથી આજ સુધીના લગભગ બધા જ વડાપ્રધાનોએ આ આયોગને પોતાની સીધી દેખરેખ હેઠળ રાખ્યું છે, જે આ વિષયની અગ્રિમ અગત્ય સૂચવે છે. ડૉ. ભાભાના આકસ્મિક નિધન પછી ડૉ. વિક્રમ સારાભાઈને આ આયોગના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. 1948માં આ આયોગમાં 50થી પણ ઓછા માણસો કામ કરતા હતા. આજે (1991) આ સંખ્યા 33,000થી પણ અધિક છે. 1952-53માં તેનું વાર્ષિક બજેટ કેવળ રૂ. 68 લાખ હતું. 1987-88માં આ આંકડો પોણા બે કરોડ રૂપિયાથી વધુ છે. આ આયોગ પાસે હાલમાં સંપૂર્ણ અદ્યતન સુવિધાઓ ધરાવતું ટ્રૉમ્બે ખાતે આવેલું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Centre-BARC) ઉપરાંત ચેન્નાઈ નજીક કલ્પક્કમમાં ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર તથા સંશોધન-ભઠ્ઠીઓ છે. હમણાં મધ્યપ્રદેશમાં ઇન્દોર નજીક ‘સેન્ટર ફૉર એડવાન્સ્ડ ટેક્નૉલોજી’ (CAT) ચાલુ કરવામાં આવ્યું છે. પરમાણુઊર્જા અને તેને લગતાં સંશોધન-ઉપયોગો ઇત્યાદિ બાબતોનું વ્યવસ્થાપન કરવાની સંપૂર્ણ ક્ષમતા અને સજ્જતા આ સંસ્થા ધરાવે છે.

સુરેશ ર. શાહ