ઍગ્નેસી મારિયા (જ. 16 મે 1718, મિલાન, ઇટાલી; અ. 9 જાન્યુઆરી 1799, મિલાન, ઇટાલી) : કલનગણિતને આવરી લેતા વિકલન-સંકલનના બે વિખ્યાત ગ્રંથો લખનાર અને ‘ઍગ્નેસીની ડાકણ’ નામે પ્રખ્યાત થયેલા વક્ર પર કામ કરનાર ઇટાલિયન મહિલા-ગણિતી. તેમના પિતા બોલોના યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમની આ પુત્રી બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી હોવાથી પિતાની ખૂબ લાડલી હતી. તેને દીક્ષા લઈ સાધ્વી થવું હતું, પરંતુ પિતાને તે પસંદ ન હતું. આથી દીક્ષા ન લીધી, પરંતુ જીવનભર તેઓ અપરિણીત રહ્યાં. વીસ વર્ષની ઉંમરે તેમણે તેમની માતા ગુમાવ્યાં, આથી પિતાનું ઘર ચલાવવાની બધી જવાબદારી તેમને માથે આવી.
તેમને ગણિત પ્રત્યે અભિરુચિ હતી તેથી તેનો અભ્યાસ શરૂ કર્યો. તેના વિશે લખવાનું પણ શરૂ કર્યું. કલનગણિતમાં વિકલન અને સંકલનને આવરી લેતું પુસ્તક દસ વર્ષની મહેનત પછી બે ભાગમાં લખ્યું. આ પુસ્તકમાં કલનગણિતની મદદથી વક્રો કેમ દોરાય તે સમજાવેલું છે. તેમના લેખન અને સંશોધનની બહુ પ્રશંસા થઈ અને બોલોના વિશ્વવિદ્યાલયમાં ગણિતવિભાગમાં તેમની નિમણૂક કરવામાં આવી. વળી તેમને વિજ્ઞાન અકાદમીનાં ફેલો ચૂંટવામાં આવ્યાં; પરંતુ સ્ત્રી હોવાને કારણે તેમને અકાદમીનાં સભ્ય ન બનાવ્યાં ! તેઓ ચોવીસ વર્ષનાં થયાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેથી પોતાની સઘળી માલમિલકત વેચીને તન-મન અને ધનથી દીનદુખિયાંની સેવામાં લાગી ગયાં.
આપેલા વર્તુળ પર પ્રથમ એક બિંદુ P લઈ વર્તુળના વ્યાસ PQના બિંદુને સ્પર્શક દોરીએ. P બિંદુમાંથી વર્તુળને R બિંદુ આગળ છેદતી રેખા દોરવામાં આવે છે, જે સ્પર્શરેખાને S બિંદુ આગળ છેદે છે. Rમાંથી QSને સમાંતર-રેખા દોરવામાં આવે છે અને Sમાંથી QPને સમાંતર-રેખા દોરવામાં આવે છે. આ બે રેખાઓ પરસ્પરને P’ આગળ છેદે છે. ઍગ્નેસીનો વક્ર એ સર્જકવર્તુળ (generating circle) પરના R જેવાં સઘળાં બિંદુઓ માટે P’ જેવાં સઘળાં બિંદુઓનો (બિંદુ)પથ (locus) છે. P બિંદુને ઊગમબિંદુ અને Q બિંદુને (2a, O) લઈ વર્તુળ દોરી તે પરથી દોરેલા વક્રનું સમીકરણ
xy2 = 4a2 (2a – x) છે.
અઢારમી સદીમાં 1748માં મારિયા ઍગ્નેસીએ આ વક્રનો અભ્યાસ કરી તેમના પુસ્તક ‘મેકટ્યૂટર આર્કાઇવ્ઝ’માં રજૂ કર્યો. ઇટાલિયન ગણિતી ગીડો-ગ્રાન્ડી(Guido-Grandi)એ અગાઉ આ વક્રનું લૅટિન શબ્દ ‘વટીરો’ (વળાંક લેવો) પરથી ઇટાલીમાં ‘વર્સોરિયો’ નામ આપ્યું હતું. ઍગ્નેસીએ નામમાં ગૂંચવાડો કર્યો, તેમણે તેને ‘વર્સીએરા’ નામ આપ્યું, જેનો એક તળપદો અર્થ ‘ડાકણ’ એવો થાય છે. આમ આ વક્ર ‘ઍગ્નેસીની ડાકણ’ તરીકે રૂઢ થઈ ગયો !
શિવપ્રસાદ મ. જાની