એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની વયે તેમણે હિબ્રૂ જોડકણાં લખવાં શરૂ કર્યાં. તેમના ઘરમાં યિડિશ ભાષા બોલાતી. બાઇબલની હિબ્રૂનો અને પ્રાચીન યહૂદી ગ્રંથ શાલ્મુદનો તેમણે કિશોરવયમાં અભ્યાસ કરેલો. માતા તરફથી જર્મન સાહિત્યના સંસ્કાર મળેલા. પિતા પાસેથી મેમોનિડ્ઝ અને હાસીડિઝમના વિચારો આત્મસાત્ કર્યા. 15 વર્ષની વયે યિડિશ અને હિબ્રૂ ભાષાઓમાં પોતાના નામે અને કેટલાંક તખલ્લુસથી લેખનકાર્ય શરૂ કર્યું હતું. 1907માં પૅલેસ્ટાઇન રહેવા ગયા અને આગ્રૉન અટક ધારણ કરી. તેમણે જર્મનીમાં પણ મોટો સમય ગાળ્યો હતો.

‘ઍગુનોટ’ (1908, ‘ફર્સેકન વાઇવ્ઝ’) તેમની પ્રથમ વાર્તા હતી. ‘હેખ્નાસત કાલા’ (બે ભાગ, 1919; ‘ધ બ્રાઇડલ કૅનોપી’, 1937) તેમની નવલકથા છે. રેબ યુડેલ હાસીડ વાર્તાનો નાયક છે. ઝાર અને ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના જુલમ હેઠળ સબડતા, રખડતા-રઝળતા યહૂદીઓનું તે પ્રતીક છે. હાસીડિઝમના સુવર્ણયુગની છબી તેમાં હૂબહૂ અવતરી છે. ‘ઑર’આહ નેટા લાલુન’(1938; ‘અ ગેસ્ટ ફૉર ધ નાઇટ’, 1968)માં પ્રથમ વિશ્વયુદ્ધ બાદના યુરોપવાસી યહૂદીઓની આર્થિક અને નૈતિક પડતીનું આબેહૂબ ચિત્ર દોરાયું છે.

શ્મુઅલ યોસેફ એગ્નૉન

1950માં આ નવલકથાને ‘બિયાલિક પ્રાઇઝ’થી નવાજવામાં આવેલી. ‘ત્મોલ શિલ્શોમ’ (1945; ‘ધ ડે બિફૉર યસ્ટરડે’) જોરજુલમથી પરાણે નિર્વાસિત કરાતા યહૂદીઓની ગદ્યમાં અવતરેલી મહાકાવ્યસમી આ નવલકથામાં કરુણરસ ઘૂંટાયો છે. અહીં પશ્ચિમના રંગે રંગાયેલા યહૂદીઓની ભૌતિકવાદી, માનસિક અને નૈતિક સ્થિતિનો ચિતાર છે. ઇઝરાયલ હવે પ્રભુનો આશાસ્પદ દેશ ન રહેતાં દુર્ગતિમાંથી છુટકારો મેળવવા માટે પ્રાયશ્ચિત્ત કરતો દેશ રહ્યો છે તેની રજૂઆત એમાં છે, આ નવલકથા, નથી વાસ્તવિક જીવનની કથા કે નથી આત્મકથનાત્મક પ્રતીકકથા, પરંતુ લેખકના ખરેખર આધ્યાત્મિક અનુભવની વાણી તે બની રહે છે. તેમનાં પુસ્તકો 1931-35માં 11 ગ્રંથોમાં અને 1953-62માં 8 ગ્રંથોમાં સંગૃહીત થયાં છે પરંતુ તેમની વાચનાઓમાં, લેખકે કરેલા સુધારાઓથી સારો એવો ફેર પડે છે. એગ્નૉને યહૂદીઓની ત્રણ પેઢીઓને પોતાની ગાથામય પ્રતીકાત્મક શૈલીમાં આલેખી છે. એમના લખાણમાં યહૂદી સંસ્કૃતિના પ્રત્યક્ષ, પરોક્ષ અને સ્મરણાત્મક સંબંધને અભિવ્યક્ત કર્યો છે. તેમનું અવસાન હૃદયરોગના હુમલાને લીધે થયેલું.

આગ્રૉને ‘યામિન નોરા’ઇમ’ (1938; ‘ડૅઝ ઑવ્ ઑ’, 1948) લોકકથાઓનું સંપાદન કર્યું છે. ‘સેફર, સોફર, વેસિફર’(1938)માં રબ્બિનિકની જુદી જુદી વાચનાઓનું સંપાદન છે. ‘ઇન ધ હાર્ટ ઑવ્ ધ સીઝ’ (1948) અને ‘ટૂ ટેલ્સ’ (1966) ચૂંટેલી રચનાઓનો અંગ્રેજી અનુવાદ છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી