ઍક્ટિનોમાયસીટ

January, 2004

ઍક્ટિનોમાયસીટ : લાંબા તંતુમય કોષો અથવા કવકતંતુવાળા (hyphae), સ્કિઝોમાયસીટ વર્ગના બૅક્ટેરિયા. ફૂગના જેવા દેખાતા આ બૅક્ટેરિયા સામાન્યપણે શાખાપ્રબંધિત હોય છે. કુદરતમાં તે સારી રીતે પ્રસરેલા હોય છે. મુખ્યત્વે તે વાયુજીવી (aerobic) હોય છે. જોકે કેટલાક અવાયુજીવી પણ છે. કવકતંતુઓ 1.5 m કદ કરતાં વધારે લાંબા હોતા નથી. તે કૉનિડિયા કે સ્પૉરેંજિયા જેવા બીજાણુ (spores) ઉત્પન્ન કરે છે.

આ બૅક્ટેરિયા ચાર કુળમાં વહેંચાયેલા છે. તેની કેટલીક અગત્યની પ્રજાતિ તરીકે ઍક્ટિનોમાયસિસ, નોકાર્ડિયા, સ્ટ્રૅપ્ટોમાયસિસ અને ફ્રેંકિયાનો સમાવેશ થાય છે.

સ્ટ્રૅપ્ટોમાયસિનની કેટલીક જાતિઓ પ્રતિજૈવિકો ઉત્પન્ન કરવા માટે જાણીતી છે.

જાતિ પ્રતિજૈવિક
સ્ટ્રે. ગ્રીસિયસ સ્ટ્રે.પ્ટોમાયસિન
સ્ટ્રે. વેનેઝુએલે ક્લૉરોમાયસેટિન
સ્ટ્રે. ઑરિયોફૅસિયન્સ ઑરિયોમાયસિન
સ્ટ્રે. એરિથ્રિયસ એરિથ્રોમાયસિન
સ્ટ્રે. રિમોસિસ ઑક્સિટેટ્રાસાયક્લિન

સ્ટ્રે. સ્કેબીઝને કારણે બટાટામાં ભીંગડાંના રોગ થાય છે; ફ્રેંકિયા પ્રજાતિના બૅક્ટેરિયા દેવદારના ઝાડમાં સહજીવન ગુજારી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે.

પ્રમોદ રતિલાલ શાહ