ઍક્ટિનૉમિટર

January, 2004

ઍક્ટિનૉમિટર (actinometer) : સૂર્યમાંથી કે કૃત્રિમ પ્રકાશસ્રોતમાંથી આવી રહેલાં વિદ્યુતચુંબકીય વિકિરણની રાસાયણિક ફેરફાર પેદા કરવાની શક્તિ માપવા માટેનું એક સાધન. આવી શક્તિને પ્રકાશરસોત્ક્રિય ગુણધર્મ (actinic property) કહે છે. પ્રકાશરસોત્ક્રિય વિકિરણની મર્યાદા અલ્ટ્રાવાયોલેટથી ઇન્ફ્રારેડ સુધીની છે. ઍક્ટિનૉમિટરનો મુખ્ય ઉપયોગ ફોટોગ્રાફીમાં પ્રકાશની તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. તેથી તેને લાઇટમિટર કે ઉદભાસનમાપક (exposure meter) કહે છે. સૌપ્રથમ ઍક્ટિનૉમિટરની રચના 1840માં જે. બી. એફ. સોલાઇલ નામના વિજ્ઞાનીએ કરી. ફર્દિનાન્દ હર્ટર અને વી. સી. ડ્રિફિલ્ડ નામના વિજ્ઞાનીઓએ તેમના સંવેદી ઇમલ્શનના અભ્યાસમાં, વાયુ થરમૉમિટરનો ઍક્ટિનૉમિટર તરીકે ઉપયોગ કર્યો. પ્રકાશના જથ્થાનું માપ, તેના વડે ઉત્પન્ન થતી ઉષ્માના રૂપમાં લેવામાં આવ્યું.

પ્રકાશવૈદ્યુત (photoelectric) ઉદભાસનમાપક એ ઍક્ટિનૉમિટરનું એક અદ્યતન સ્વરૂપ છે. વેસ્ટન કંપનીની બનાવટના મૂળ ઍક્ટિનૉમિટરમાં ‘સિલીનિયમ રોધસ્તરવાળો (barrier layer) પ્રકાશવિદ્યુત સેલ’ વાપરવામાં આવતો, જેમાં વિકિરણ ફ્લક્સ ઘનત્વના સમપ્રમાણમાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થતો. વર્તમાન પ્રકારના ઉદભાસનમાપકમાં કૅડમિયમ સલ્ફાઇડ પ્રકાશ ચાલકીય (photo-conductive) સેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રકાશતીવ્રતાના ફેરફારની અનુક્રિયા(response) રૂપે અવરોધના મૂલ્યમાં ફેરફાર ઉત્પન્ન કરી એક ખૂબ નાની બૅટરી વડે મળતા વિદ્યુતપ્રવાહના મૂલ્યમાં ફેરફાર પેદા કરે છે.

એરચ મા. બલસારા