ઍક્ટિનોમાયસીટ : લાંબા તંતુમય કોષો અથવા કવકતંતુવાળા (hyphae), સ્કિઝોમાયસીટ વર્ગના બૅક્ટેરિયા. ફૂગના જેવા દેખાતા આ બૅક્ટેરિયા સામાન્યપણે શાખાપ્રબંધિત હોય છે. કુદરતમાં તે સારી રીતે પ્રસરેલા હોય છે. મુખ્યત્વે તે વાયુજીવી (aerobic) હોય છે. જોકે કેટલાક અવાયુજીવી પણ છે. કવકતંતુઓ 1.5 m કદ કરતાં વધારે લાંબા હોતા નથી. તે કૉનિડિયા કે સ્પૉરેંજિયા જેવા બીજાણુ (spores) ઉત્પન્ન કરે છે.
આ બૅક્ટેરિયા ચાર કુળમાં વહેંચાયેલા છે. તેની કેટલીક અગત્યની પ્રજાતિ તરીકે ઍક્ટિનોમાયસિસ, નોકાર્ડિયા, સ્ટ્રૅપ્ટોમાયસિસ અને ફ્રેંકિયાનો સમાવેશ થાય છે.
સ્ટ્રૅપ્ટોમાયસિનની કેટલીક જાતિઓ પ્રતિજૈવિકો ઉત્પન્ન કરવા માટે જાણીતી છે.
જાતિ | પ્રતિજૈવિક |
સ્ટ્રે. ગ્રીસિયસ | સ્ટ્રે.પ્ટોમાયસિન |
સ્ટ્રે. વેનેઝુએલે | ક્લૉરોમાયસેટિન |
સ્ટ્રે. ઑરિયોફૅસિયન્સ | ઑરિયોમાયસિન |
સ્ટ્રે. એરિથ્રિયસ | એરિથ્રોમાયસિન |
સ્ટ્રે. રિમોસિસ | ઑક્સિટેટ્રાસાયક્લિન |
સ્ટ્રે. સ્કેબીઝને કારણે બટાટામાં ભીંગડાંના રોગ થાય છે; ફ્રેંકિયા પ્રજાતિના બૅક્ટેરિયા દેવદારના ઝાડમાં સહજીવન ગુજારી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે.
પ્રમોદ રતિલાલ શાહ