ઋષિપત્તન (સારનાથ) : સારનાથ અંતર્ગત બૌદ્ધ તીર્થ. ગૌતમ બુદ્ધે અહીંથી ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું. તેનું પ્રાચીન નામ ઇસિપત્તનમિગદાય (ઋષિપત્તનમૃગદાવ) છે. આ સ્થળેથી બૌદ્ધ ધર્મના અવશેષો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. તેમાં સારનાથનો શિલાલેખ, ધર્મસ્તૂપ અને ગુપ્ત સમયના વિહારોના અવશેષો મહત્વના છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇસિપત્તનમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ વસતા હતા. યુ-એન-શ્વાંગના મત મુજબ 1,500 બૌદ્ધ સાધુઓ હીનયાન બૌદ્ધ ધર્મનો અહીં અભ્યાસ કરતા હતા. ઇસિપત્તનનો મૃગદાવ વનપ્રદેશ બનારસના રાજાએ મૃગોના મુક્ત વિહાર માટે ખુલ્લો મૂક્યો હતો. સારિપુત્ત અને મહાકોટ્ઠિત તેમજ મહાકોતિ અને ચિત્તહત્થી-સારિપુત્ત વચ્ચેના આ સ્થળના નોંધાયેલા વાદવિવાદ મહત્વના છે. બુદ્ધે ઇસિપત્તન(ઋષિપત્તન)ને યાત્રાનાં ચાર સ્થળોમાંના એક તરીકે ગણાવ્યું હતું અને પોતાના અનુયાયીઓને તેની યાત્રા કરવા અનુરોધ કર્યો હતો. બૌદ્ધ ગ્રંથોમાં આ સ્થળ સાથે સંકળાયેલા બુદ્ધના જીવનના અનેક પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમ્રાટ અશોકે પોતાના સામ્રાજ્યમાં સ્થળે સ્થળે શૈલલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. તેના ગોળ ઉત્તુંગ શિલાસ્તંભ, ખાસ કરીને, એના કલાત્મક શિરોભાગ શિલ્પકલાના સુંદર નમૂના ગણાય છે. એ પૈકી સારનાથના શિલાસ્તંભનો શિરોભાગ તો અર્વાચીન સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક તરીકે પસંદગી પામેલ છે. ઉપલબ્ધ અવશેષોમાં સારનાથનાં પ્રાચીન ખંડેરોમાં અશોકના સમયના સ્તૂપ મળ્યા છે. એ ઈંટેરી છે. ભગવાન બુદ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિનાં અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવતું તેને સ્તૂપ કહેતા. તેના મુખ્ય ભાગને અંડ કહે છે. એનો આકાર ગોળાર્ધ હોય છે. ચણતી વખતે પવિત્ર અસ્થિનું પાત્ર એની મધ્યમાં ગોઠવેલું હોય છે. એની ટોચ પર માનસૂચક છત્ર હોય છે. છત્રયષ્ટિને ફરતો કઠેરો હોય છે, તેને હર્મિકા કહે છે. સ્તૂપની પીઠને ફરતી વંડી હોય છે, તેને વેદિકા કહે છે. પીઠ અને વેદિકા વચ્ચે પ્રદક્ષિણાપથ હોય છે. શરૂઆતમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રૂપે પૂજા થતી નહોતી ત્યારે સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. ભિક્ષુ અભયમિત્રે તૈયાર કરાવેલી સારનાથની બૌદ્ધ પાષાણપ્રતિમાને .લગતો ઈ. સ. 473(ગુ. સં. 154)નો લેખ કોતરાવ્યો તે સમયે કુમારગુપ્તનું રાજ્ય ચાલતું હતું તેમ તેમાં જણાવ્યું છે. ઈ. સ. 476(ગુ. સં. 157)માં આ જ ભિક્ષુએ સારનાથમાં બીજી બૌદ્ધ પ્રતિમા કરાવી ત્યારે બુધગુપ્તનું શાસન હતું. સારનાથનાં સ્તૂપ, વિહાર અને ચૈત્યગૃહ ઈંટેરી છે. આ સ્થળે ભગવાન બુદ્ધની વ્યાખ્યાન-મુદ્રાવાળી શાંત ભવ્ય પ્રતિમા ઘડાઈ હતી.
યતીન્દ્ર દીક્ષિત