એ એઇટ ઍન્ડ અ હાફ (1963)

January, 2004

એ એઇટ ઍન્ડ અ હાફ (1963) : શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઑસ્કાર એવૉર્ડ પ્રાપ્ત કરનાર ચિત્રપટ. મૂળ ઇટાલિયન ફિલ્મ ‘ઑટો ઇ મેઝો’(Otto E Mezzo)નું અંગ્રેજી સંસ્કરણ. નિર્માતા : એન્જેલો રીઝોલી; કથાલેખક અને દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની; પટકથા : ફ્રેડરિકો ફેલિની, ઍન્તોનિયો ફ્લેઇનો, ટુલિયો પીનેલી તથા બ્રુનેલો રોન્દી; સંગીત : નીનો રોટા.

ફિલ્મની કથાનો નાયક ગાઇદો પોતે ફિલ્મસર્જક છે. ઇટાલીના પુરાણા રોમન ખંડેર પાસેના મેદાનમાં પોતાના નિર્માણજૂથ સાથે કૃતિના સિનેકરણ માટે આવે છે. ત્યાં અવકાશયાન છોડવા માટે ઊભો કરાયેલ ટાવર સેટ રૂપે ખડો કરેલો છે. દિગ્દર્શક ગાઇદો સંવેદનશીલ અને કલ્પનાશીલ સર્જકપ્રતિભા છે. અહીં વારંવાર તે પોતાના બાળપણની સ્મૃતિમાં સરી પડે છે. નિર્માણ અને સિનેકરણના પ્રશ્ને મૂંઝાયેલો, પાત્રવરણી અને માવજત બાબત અસ્પષ્ટતાથી ઘેરાયેલો, પાદરી સાથેના સંવાદ બાબત નિરુત્સાહી અને પળે પળે પલાયનવાદી બનતો નાયક પ્રેસ કૉન્ફરન્સમાં ગભરાઈને ટેબલ નીચે સંતાઈ જાય છે. અંગત જીવનની સમસ્યાઓ અને બહારનાં પરિબળો તેના ફિલ્મસર્જનના કાર્યમાં વિટંબણાઓ સર્જે છે. છેવટે બધી સંદિગ્ધતાઓથી ઉપર ઊઠીને સિનેકરણની પ્રક્રિયાનો સૂચક રીતે આરંભ કરતો દર્શાવાયો છે.

આત્મકથા, કલ્પના અને વાસ્તવિકતાનાં ત્રણ પરિમાણો વચ્ચે સિનેકૃતિના નિર્માણની કથા કુશળતાથી રજૂ કરીને દિગ્દર્શક ચોથું પરિમાણ ઊભું કરે છે અને એ રીતે પ્રેક્ષક સર્જકપ્રક્રિયા સાથે સંડોવાય છે.

કૃતિનો નાયક એક સિનેદિગ્દર્શક હોવાથી ‘એઇટ ઍન્ડ અ હાફ’ કંઈક અંશે ફ્રેડરિકો ફેલિનીનું આત્મકથાનક હોવાનો આભાસ ઊભો કરે છે. તેમાં ઘટનાની રજૂઆત અસંયુક્ત ક્રમબદ્ધતાવાળી છે. ર્દશ્યોની સંનિધિથી નીપજતા સંકેતોની કલાત્મકતાથી ફેલિનીએ અદભુત કૃતિનું નિર્માણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક વિવેચકોએ તેને બિરદાવી છે. ઑસ્કાર એવૉર્ડ ઉપરાંત આ ચલચિત્રને ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડ અને મૉસ્કો ફિલ્મ ફૅસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રાઇઝ મળેલાં છે.

પીયૂષ વ્યાસ

ઉષાકાન્ત મહેતા