ઋતુનિવૃત્તિકાળ

January, 2004

ઋતુનિવૃત્તિકાળ (menopause) : ઋતુસ્રાવચક્રોનું બંધ થવું તે. પ્રજનનનિવૃત્તિકાળ (climecteric) અને ઋતુનિવૃત્તિકાળને ક્યારેક એક ગણવામાં આવે છે, પરંતુ ઋતુનિવૃત્તિકાળ તો પ્રજનન-નિવૃત્તિકાળનું એક લક્ષણ માત્ર છે. પ્રજનનનિવૃત્તિકાળમાં 1થી 5 વર્ષ દરમિયાન, જનનગ્રંથિઓ(gonads)ના અંત:સ્રાવો (hormones) ઘટે છે અને તેથી જનનાંગો (genitalia) પણ નાનાં થાય છે. પ્રજનનનિવૃત્તિકાળ ફક્ત માનવજાતમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે. તે 42થી 45 વર્ષની વયે શરૂ થાય છે. શરૂઆતમાં ઋતુસ્રાવનું પ્રમાણ ઘટે છે અને બે ઋતુસ્રાવ વચ્ચેનો સમયગાળો વધે છે. પીયૂષિકાગ્રંથિના અંત:સ્રાવોની અંડગ્રંથિ પર અસર થતી અટકે છે; તેથી પીયૂષિકાગ્રંથિના અંડપુટિકા ઉત્તેજી અંત:સ્રાવ (FSH) અને પીતપિંડકારી અંત:સ્રાવ (LH) જેવા જનનગ્રંથિઉત્તેજી અંત:સ્રાવો-(gonadotrophins)નું પ્રમાણ વધે છે. (જુઓ : અંત:સ્રાવી ગ્રંથિતંત્ર). જનનમાર્ગમાં ક્ષીણતા (atrophy) અને ક્રિયાશિથિલતા (inactivity) આવે છે. સ્તન નાનાં થાય છે તથા દેહબંધારણ રુક્ષ (coarse) બને છે. થોડી વિષમ-અતિકાયતા (acromegaly) થાય છે. (જુઓ : અતિકાયતા, વિષમ). તેના ખભા ચપટા થાય છે, કમરનો વળાંક પુરાય છે અને ચહેરા પર થોડા વાળ ઊગી નીકળે છે. માનસિક તણાવને કારણે ભૂખ વધવાથી વજન વધે છે. માનસિક બંધારણ પ્રમાણે સ્ત્રીપણું ગુમાવવાનો, ગાંડપણ થવાનો, પતિનું ધ્યાનાકર્ષણ ગુમાવવાનો કે કૅન્સર થવાનો ભય ઉત્પન્ન થાય છે. લિંગીય ઇચ્છા (libido) જળવાઈ રહેલી હોય છે, પરંતુ કેટલીક સ્ત્રીઓ આ સમયે દૈહિક પ્રેમ અને લિંગીય ઇચ્છાઓ પણ ઘટે છે એવું માનતી હોય છે. પ્રજનનનિવૃત્તિકાળને કારણે ઊભી થતી તકલીફોને ઘણા ઋતુનિવૃત્તિકાળને કારણે થતી તકલીફો હોવાનું માને છે. જોકે ઋતુસ્રાવ બંધ થયા પછી કેટલાંક વર્ષે તે ઉદભવે છે. ખિન્નતા, ઢીલાશ (nervousness), ઉશ્કેરાટ (irritability), ધ્યાન કેન્દ્રિત કરવાની અશક્તિ, માથાનો દુખાવો, અનિદ્રા, પરાસંવેદના (parasthesia), ભગોષ્ટ(vulva)ની આસપાસ ખૂજલી, ચક્કર, ભૂખમાં વધારો કે અરુચિ, અપચો, કબજિયાત, હૃદયના ધબકારાની તકલીફ કરતી સભાનતા (palpitation), હૃદયના ધબકારાની અનિયમિતતા, ઉત્તેજના (excitement) કે ગરમ વાતાવરણમાં દિવસમાં વારેઘડીએ ચહેરા અને ગળાની આસપાસ ગરમીના ઝબકારા (hot flushes) તથા ત્યારબાદ ઠંડી લાગવી, યોનિ(vagina)ની સુક્કી અને ક્ષીણ દીવાલને કારણે પીડાકારક સંભોગ (દુ:સંભોગ, dyspareunia), સ્તનમાં દુખાવો, પીઠમાં અને સ્નાયુમાં દુખાવો, ચામડી કાળી પડવી, લોહીનું દબાણ વધવું, હૃદયપીડ (angina pectoris) કે હૃદયરોગનો હુમલો થવો (myocardial infarction), સાંધાનો દુખાવો થવો, હાડકાંમાંથી કૅલ્શિયમનું ઘટવું, અસ્થિછિદ્રલતા (osteoporosis, જુઓ અસ્થિછિદ્રલતા) વગેરે ઘણી તકલીફો થાય છે.

મહત્વનો કોઈ રોગ નથી એવું નિશ્ચિત કર્યા પછી દર્દીને હિંમત આપવામાં આવે છે. જલદ્રાવ્ય ચીકણા પદાર્થથી દુ:સંભોગની તકલીફ ઘટાડાય છે. દારૂ, કૉફી કે ગરમ પાણીથી નાહવાનું છોડવાથી ગરમીના ઝબકારા ઘટે છે. ઘેન કે ઊંઘ લાવનારી અથવા મન શાંત કરનારી દવાઓ, ઇસ્ટ્રોજન એકલું અથવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આપીને ઘણી તકલીફો ઘટાડી શકાય છે. ઇસ્ટ્રોજન પીયૂષિકાગ્રંથિના અંત:સ્રાવોનું પ્રમાણ પણ ઘટાડે છે. નોરઇથિસ્ટેરોન સિવાયનાં પ્રોજેસ્ટેરોન ઔષધો એકલાં આપવામાં આવે તો ઉપર જણાવેલી તકલીફો ઘટતી નથી. પ્રોજેસ્ટેરોનની મદદથી ઇસ્ટ્રોજનની કેટલીક આડઅસરો ઘટાડી શકાય છે. એક જ કુટુંબની સ્ત્રીઓમાં ઋતુનિવૃત્તિકાળ ક્યારેક 40 વર્ષથી પહેલાં પણ આવે છે. સ્ત્રીના આંતરિક બંધારણ, મધુપ્રમેહ, ગર્ભાશયી તંતુસમાર્બુદ (fibroid) કે ઇસ્ટ્રોજનનું ઉત્પાદન કરતી ગાંઠ હોય તો ઋતુનિવૃત્તિકાળ 55 વર્ષ સુધી ન પણ આવે. ગર્ભાશય અને/અથવા અંડગ્રંથિને શસ્ત્રક્રિયા કરીને દૂર કરવાથી (દા. ત., સ્તનના કૅન્સરની ચિકિત્સા રૂપે અથવા ઋતુસ્રાવ વિકારોની ચિકિત્સા રૂપે) અથવા અંડગ્રંથિ પર ગામા વિકિરણો આપવાથી કૃત્રિમ ઋતુનિવૃત્તિકાળ લાવી શકાય છે. તેમાં ઉદભવતી તકલીફો સામાન્ય ઋતુનિવૃત્તિકાળ જેવી જ હોય છે. એક્સ-કિરણની મદદથી વહેલો લાવવામાં આવતો પ્રજનનનિવૃત્તિકાળ 40 વર્ષથી નાની ઉંમરની સ્ત્રીઓમાં ફક્ત 1 થી 2 વર્ષ પૂરતો જ રહે છે, કાયમ રહેતો નથી.

શિલીન નં. શુક્લ

મૂકેશ બાવીસી