ઋતુકાવ્ય : પ્રકૃતિનિરૂપણને પ્રાધાન્ય આપતી કાવ્યરચના. વર્ષના અમુક કાલખંડમાં પલટાતી નિસર્ગની વિભિન્ન મુદ્રાઓરૂપ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ભારતીય ઋતુઓમાંથી કોઈ એક, વધુ કે આખા ઋતુચક્રમાં બદલાતા વાતાવરણનું વર્ણન તેમાં મળે છે. તે ઋતુચક્રનું એના નિશ્ચિત ક્રમમાં જ નહિ પણ કોઈ એક ઋતુથી પ્રારંભીને પછી ક્રમશ: અન્ય ઋતુઓના અંત પર્યન્ત વિસ્તરે છે. (દા. ત., કાલિદાસનું ‘ઋતુસંહાર’ ગ્રીષ્મવર્ણનથી પ્રારંભાય છે.) સંસ્કૃત સાહિત્યના આદર્શ પ્રમાણે આ ઋતુવર્ણનનું કાવ્ય મહાકાવ્ય કે અન્ય કાવ્યઅંતર્ગત ઋતુવર્ણનથી પૃથગ્ ને સ્વતંત્ર હોય છે.
તેમાં વૃક્ષો, વેલીઓ, ફૂલ, ફળ, નદી, ઝરણાં, વાયુ, ધુમ્મસ, ઝાકળ, કીટભ્રમર, પશુપંખીઓની ચેષ્ટાઓ અને અવાજો, પૃથ્વી, માટીની ગંધ આદિ પ્રકૃતિતત્વોનું જે તે ઋતુના વિશિષ્ટ પરિવેશમાં ઇંદ્રિયગોચર વર્ણન જોવા મળે છે. ઋતુકાવ્યનો કવિ વિસ્મય, મુગ્ધતા, પ્રસન્નતા કે વિષાદનું અને કાવ્યગત વસ્તુમાં પ્રકૃતિનું ઉદ્દીપક નિરૂપણ કરીને વિવિધ માનવભાવો(મુખ્યત્વે રતિ)ને જાગ્રત કરી રસની કોટિએ લઈ જાય છે. સાર્દશ્યમૂલક અલંકારો, શબ્દચિત્ર, કલ્પન આદિ કાવ્ય-ઉપકરણોનો વિનિયોગ સાધે છે. છતાં તે બહુધા નાસાગ્ર ને સરળ શૈલીમાં લખાયેલું વર્ણનકાવ્ય ગણાય. ધ્વનિ કે બોધ વિના લોકકવિતામાં પ્રાપ્ત થતી કેવળ વર્ણનપ્રધાન રચનારૂપે પણ કેટલીક રચનાઓ મળે. તે ક્યારેક ચિંતનનો પણ ઇષત્ પુટ પામે છે. અંગ્રેજીમાં જેમ્સ ટૉમ્પસનના ‘સીઝન્સ’ કાવ્યને અનુસરીને નર્મદનાં ઋતુવર્ણન કાવ્યમાં ઇષત્ ચિંતન આવે છે. વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન આદિ ‘સરોવરકવિઓ’(lake poets)નાં ઋતુકાવ્યોમાં એ તાસીરનું દર્શન થાય છે.
ઋતુવર્ણનમાં પ્રકૃતિનાં લલિતરમ્ય, ભવ્ય આદિ પાસાં સાથે ભયાનક અને વિરૂપ (grotesque) અંશોનું પણ ક્વચિત્ નિરૂપણ જોવા મળે છે; દા. ત., ‘સીઝન્સ’માં પ્રકૃતિનાં વન્ય (wild) અને બરછટ (rugged) તત્વોનું નિરૂપણ છે. તેમાં બહુધા વર્ણનાત્મક આલેખનાત્મક કે ચિત્રાત્મક રીતિનો પ્રયોગ જોવા મળે છે. છન્દોબદ્ધ ગેય કે છંદોવિહીન મુક્તપદ્યમાં તે લખાય છે.
ભાનુપ્રસાદ પંડ્યા