ઋત : વિશ્વયોજનાના હાર્દરૂપ શાશ્વત નિયમ. ગતિવાચક ‘ઋ’ ધાતુ પરથી બનેલા ઋત શબ્દના ગતિ, પ્રગતિ, ગતિનો ક્રમ, સત્ય, વિશ્વવ્યવસ્થા, સત્યનો માર્ગ, પ્રશસ્ય આચાર અને યજ્ઞ વગેરે પર્યાયો વપરાયેલા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રતિષ્ઠા અને તેના નિયમન માટે જે કારણરૂપ છે તથા સકળ સૃષ્ટિનું જે આદિ તત્વ છે તે ઋત છે. સૃષ્ટિની સુસંબદ્ધતા, સ્વર્ગપૃથ્વીનો અભેદ્ય સંબંધ વગેરેમાં ઋત છે એવું વૈદિક ઋષિઓ માને છે. કુદરતી ઘટનાઓનું નિયમન કરનારું તત્વ ઋત છે.
પ્રજાપતિ ઋતજ એટલે ઋતમાંથી ઉત્પન્ન થયેલા છે. પછી અગ્નિ, સોમ, વરુણ વગેરે દેવોને ઋતપા એટલે ઋતુનું રક્ષણ કરનાર કહ્યા છે. મનુષ્યે પણ ઋતની રક્ષા કરવાનું અનિવાર્ય ગણાયું. ऋतस्य पन्था: એટલે કે વિશ્વવિકાસનો શાશ્વત તત્વ વા ધર્મનો માર્ગ લેવો વિહિત છે.
વૈદિક કાળ પછી ઋતના યજ્ઞ, સત્ય, બ્રહ્મ, પરમતત્વ એવા નવા અર્થ પ્રાપ્ત થયા. બ્રાહ્મણકાળમાં વધેલા યજ્ઞના મહત્વને લીધે યાસ્ક ઋતનો પ્રધાન અર્થ યજ્ઞ કરે છે અને સત્ય એટલે બ્રહ્મ તે ઋતનો પર્યાય છે એમ કહે છે. અહીં ઋતની પ્રારંભની મહાન કલ્પનાનો સંકોચ થયો.
ઉપનિષદકાળમાં ઋત અંતિમ સત્ય તરીકે સ્વીકારાયું. ऋतं सत्यं परं ब्रह्म । ત્યાં અંતિમ સત્યની પ્રાપ્તિ યુગધર્મ બને છે. તે સમયમાં યજ્ઞ અને કર્મકાંડનું મહત્વ ઘટી ગયું. અહીં વિશ્વનિયામકત્વ એ મૂળ અર્થ સંપૂર્ણપણે ર્દષ્ટિગોચર થતો નથી. સાયણાચાર્યે પાણી, સૂર્ય અને યજ્ઞ એવો અર્થ ઋતનો તારવ્યો છે. પશ્ચિમના વિદ્વાનોએ દિવ્ય સત્ય, શ્રદ્ધા જેવા અર્થો સ્વીકાર્યા છે. ઋતસ્પતિ એટલે યજ્ઞદેવતા અથવા દિવ્ય સત્ય. મનુષ્યનું અંત:કરણ ઋત-અનૃત જાણે છે અને કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય તેનાથી થતો હોય છે.
શિવપ્રસાદ રાજગોર