ઊબકા અને વમન

January, 2004

ઊબકા અને વમન : ગળા કે પેટના ઉપરના ભાગમાં થતી તરત ઊલટી કરવાની સંવેદના તે ઊબકા તથા જઠરમાંના પદાર્થોને જોરથી મોં વાટે બહાર કાઢવાની ક્રિયા તે ઊલટી અથવા વમન. ખોપરીની અંદર દબાણ વધે ત્યારે ખૂબ જોરથી દૂર ફેંકાતી ઊલટી થાય છે અને તેને પ્રક્ષેપિત (projectile) વમન કહે છે.

ઊબકા સામાન્યત: ઊલટી પહેલાં કે તેની સાથે થાય છે. તે સમયે જઠરની કાર્યશીલતા ઘટે છે અને પક્વાશય (duodenum) તથા નાના આંતરડાનું ચલન વિષમ બને છે. ઊબકાની સાથે ચામડીની ફિક્કાશ, અતિશય પરસેવો, લાળ વહેવી તથા હૃદયના ઘટેલા ધબકારા કે લોહીનું ઘટેલું દબાણ વગેરે સ્વાયત્ત ચેતાતંત્રીય વિકારો પણ જોવા મળે છે, ઘણી વખત તે સમયે અરુચિ પણ થાય છે.

સારણી 1 : ઊલટી થવાનાં મુખ્ય કારણો
ક. પેટના ઉગ્ર સંકટકારી રોગો : દા.ત., ઔષધજન્ય જઠરશોથ (gastritis), ઉગ્ર એપેન્ડિસાઇટિસ, ઉગ્ર પિત્તાશયશોથ (choleeystitis), આંત્રરોધ (intestinal obstruction), ઉગ્ર પરિતનશોથ (peritonitis) વગેરે.
ખ. દીર્ઘકાલી અપચો અથવા જઠર કે પક્વાશયમાં પૅપ્ટિક વ્રણ (ulcer)
અરુચિ (જુઓ અપચો) :
ગ. ઉગ્ર ચેપજન્ય રોગો : દા. ત., નાનાં બાળકોમાં ચેપજન્ય તાવ, આંતરડાના વિષાણુજન્ય, જીવાણુજન્ય કે પરોપજીવીજન્ય ચેપ, ચેપી યકૃતશોથ (hepatitis) વગેરે.
ઘ. ચેતાતંત્રીય રોગો અને દા. ત., ગતિજન્ય વ્યાધિ (motion
વિકારો : sickness), મગજની ગાંઠ કે ગૂમડા દ્વારા ખોપરીમાં થતું અતિશય દબાણ (અંત:કર્પરી અતિદાબ increased intracranial tension), અંત:કર્ણીય સંતુલનયંત્રીય (labyrinthine) વિકારો, મેનિયેર- (meniere)નો રોગ, આધાશીશી (migraine), ઉગ્ર મૅનિન્જાઇટિસ (તાનિકાશોથ) વગેરે.
ઙ. હૃદયના રોગો : દા. ત., હૃદયરોગોનો ઉગ્ર હુમલો (ઉગ્ર હૃદ્સ્નાયુનાશ, acute myocardial infarction), હૃદયની દીર્ઘકાલી નિષ્ફળતા વગેરે.
છ. ચયાપચયી અને અંત:સ્રાવી દા. ત. મધુપ્રમેહમાં થતી કીટો અમ્લતા,
    રોગો : અધિવૃક્કગ્રંથિની અલ્પસ્રાવતા, સગર્ભા-વસ્થાની પ્રાત:કાલીય ઊલટી વગેરે.
જ. મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના દા. ત., દીર્ઘકાલી મૂત્રપિંડીય નિષ્ફળતા,
    રોગો : મૂત્રાશયશોથ (cystitis)
ઝ. દવાઓ અને રસાયણો : દા. ત., ડિજિટાલિસ, એપોમૉર્ફિન, લીવોડોપા, કૅન્સરવિરોધી ઔષધો તથા ક્લોરોક્વિન અને એસ્પિરીન દ્વારા થતો જઠરનો સોજો.
ટ. માનસિક વિકારો : દાહક ઝેર, ખોરાકની વિષાક્તતા.

ઊલટી સમયે જઠર સામાન્યત: નિષ્ક્રિય રહે છે. જઠરના પક્વાશય તરફનું અંત:દ્વાર (જઠરાંત્રદ્વાર, pyloric sphincter) બંધ રહે છે. ઉરોદરપટલ તથા પેટની દીવાલના સ્નાયુઓ સંકોચાઈને પેટની અંદર દબાણ વધારે છે; તેથી જઠરમાંના પદાર્થો અન્નનળીમાં પ્રવેશે છે. તેવી જ રીતે છાતીના પોલાણમાંનું દબાણ તે પદાર્થોને મોંમાં ધકેલે છે. આ સમયે અન્નનળીની લહરગતિ વિરુદ્ધ દિશામાં (મોં-તરફની) થાય છે. મૃદુ તાળવું (soft palate) ઉપર તરફ ખસીને ઊલટીના પદાર્થોને નાકમાં પ્રવેશતા અટકાવે છે તથા સ્વરપેટીનું ઉપલું દ્વાર (epiglottis) બંધ થતાં તે શ્વસનમાર્ગમાં પણ પ્રવેશી શકતા નથી. ઊલટી સતત ચાલુ રહે તો અન્નનળીના નીચલા છેડે ચીરા પડે છે અને તેથી લોહીની ઊલટી થાય છે. તેને મેલૉરી-વીસ(Mallory-weiss)નું સંલક્ષણ કહે છે. સતત ચાલતી ઊલટીને કારણે શરીરમાંનું પાણી તથા પોટૅશિયમનું પ્રમાણ ઘટી જાય છે, આલ્કલીનું પ્રમાણ વધે છે. ક્યારેક બેભાન-અવસ્થા અને ન્યુમોનિયા પણ થાય છે.

જઠરાંત્રમાર્ગ, મગજનાં ઉપરનાં કેન્દ્રો, કાનમાં આવેલું સંતુલન યંત્ર (labyrinthine apparatus) તથા લંબમજ્જા(medulla oblongata)માં આવેલા રસાયણસ્વીકારક વમનારંભી વિસ્તાર(chemoreceptor trigger zone)માં ઉદભવતી સંવેદનાઓ લંબમજ્જામાં આવેલા ‘વમનકેન્દ્ર’ના કોષોને ઉત્તેજે છે. વમનકેન્દ્ર ઉરોદરપટલીય ચેતાઓ (phrenic nerves), કરોડરજ્જુની ચેતાઓ અને અવયવી (visceral) ચેતાઓ દ્વારા ઊલટીની ક્રિયાનું નિયંત્રણ કરે છે. એપોમૉર્ફિન, ડિજિટાલિસ, અર્ગટના આલ્કેલૉઇડ રસાયણસ્વીકારક વમનારંભી વિસ્તારને ઉત્તેજે છે અને ઊલટી કરાવે છે, જ્યારે ફિનોથાયેઝીન જૂથની દવાઓ તેની ઉત્તેજનાને શમાવે છે અને ઊલટીનું શમન કરે છે. ઊલટીનાં મુખ્ય કારણો સારણી 1માં દર્શાવ્યાં છે.

અન્નનળીના નીચેના છેડે આવેલા અંત:દ્વારની ખામીને કારણે જઠરના પદાર્થોનું અન્નનળીમાં થતું ઊર્ધ્વગમન (regurgitation) ઊલટી ગણાતું નથી. ઊલટી અને ઊબકાનો સંબંધ, ઊલટી અને ખોરાકનો સંબંધ, ઊલટીમાં આવતા પદાર્થો, ઊલટીથી ઉદભવતી કે શમતી બળતરા, ઊલટીનું પ્રમાણ વગેરે બાબતોના અભ્યાસથી તેનું કારણ જાણી શકાય છે. મુખ્યત્વે સવારે થતી ઊલટી સગર્ભાવસ્થાના પ્રારંભિક કાળે તથા મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં પણ જોવા મળે છે. તેવી જ રીતે મદ્યપાનથી થતો જઠરનો સોજો પણ પ્રાત:કાલીય ઊલટી કરે છે. જમ્યા પછી તરત થતી ઊલટી જઠરનો સોજો કે જઠરાંત્રદ્વારનું સતત આકુંચન સૂચવે છે. મધુપ્રમેહના દર્દીમાં થતું જઠરનું વિસ્તરણ (dilatation) તથા જઠરાંત્રદ્વારનો રોધ (pyloric obstruction) જમ્યા પછી 4થી 6 કલાકે ઊલટી કરાવે છે. ઊલટી થવાનાં કારણ પ્રમાણે તેની સારવાર કરાય છે. અવરોધજન્ય ઊલટી ન હોય તો તેને રોકવા માટે ફિનોથાયેઝીન જૂથની દવાઓ, મેટોક્લોપ્રેમાઇડ, ડોમપેરિડોન, પ્રતિહિસ્ટામિન ઔષધો તથા પ્રત્યામ્લો (antacids) ઉપયોગી રહે છે.

સુધાંશુ પટવારી

અનુ. શિલીન નં. શુક્લ