ઊનામૂનો (ય જુગો)

January, 2004

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા અને ચાર વર્ષમાં તત્વજ્ઞાન તથા સાહિત્યમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. છ વર્ષ પછી તેઓ સૅલમૅન્ક યુનિવર્સિટીમાં ગ્રીક ભાષાસાહિત્યના પ્રોફેસર નિમાયા. 1901માં યુનિવર્સિટીમાં રેક્ટર બન્યા; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યોને જાહેરમાં ટેકો આપવા બદલ એ પદ પરથી તેમને 1914માં રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. 1924માં સ્પેનના લશ્કરી શાસનનો વિરોધ કરવા બદલ તેમને ફ્રાન્સમાં દેશવટો ભોગવવો પડ્યો. લશ્કરી શાસનનો અંત આવતાં તે સ્પેન પાછા ફર્યા અને સૅલમૅન્ક યુનિવર્સિટીમાં ફરી જોડાયા. પ્રારંભમાં તેમણે ‘અરાજકતા’ સામેના ફ્રાન્કોના બળવાનું સમર્થન કર્યું. પરંતુ પાછળથી તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું. મૃત્યુ પહેલાં 1936માં તેમણે સ્પેનના પ્રજાસત્તાકનો અસ્વીકાર કર્યો અને ફ્રાન્કોના શાસનની આકરી ટીકા કરી. આથી તેમને નજરકેદ રાખવામાં આવ્યા અને બે મહિના પછી તેમના પર હૃદયરોગનો હુમલો થતાં તેઓ ત્યાં અવસાન પામ્યા.

તે કૅથલિક ધર્મસંપ્રદાયની સંસ્કારપરંપરામાં ઊછર્યા હતા; પરંતુ મૅડ્રિડ યુનિવર્સિટીમાં હતા ત્યારથી જ તેમની તે સંપ્રદાય પરથી શ્રદ્ધા ઊઠી ગઈ હતી. 1897 સુધી તે પ્રત્યક્ષવાદના સમર્થનમાં સતત લખતા રહ્યા અને ત્યારબાદ માર્કસવાદી વિચારસરણીની તરફેણમાં કલમ ચલાવી. તે સતત એવી રજૂઆત કરતા કે ઈશ્વર વગરનું અસ્તિત્વ ભાવનાની ર્દષ્ટિએ અસહ્ય બની રહે છે; સાથોસાથ તે એમ પણ સ્વીકારતા કે શ્રદ્ધા વિચારશક્તિને બાધક નીવડે છે. તે એમ પણ કહેતા કે માનવીની ‘અમરતા માટેની ભૂખ’નો તર્કશક્તિ સતત અસ્વીકાર કરે છે પણ કેવળ શ્રદ્ધા જે તે બાબતમાં સાંત્વના અને સંતોષ આપી શકે છે. એમાં જે સંઘર્ષ સર્જાય છે તે અવિરત વેદનાનું નિમિત્ત બને છે.

ઊનામૂનોએ કવિતા, નાટકો, નવલકથા, પ્રવાસકથા તથા ટૂંકી વાર્તા જેવા સાહિત્યપ્રકારો ખેડ્યા છે; પણ આંગ્લભાષી દેશોમાં તેમણે તત્વદર્શી નિબંધકાર તરીકે વિશેષ નામના મેળવી છે. તેમના નિબંધોમાં કિર્કગાર્ડ, ડબ્લ્યૂ. જેમ્સ તથા બર્ગસાનો પ્રભાવ જોઈ શકાય છે. ‘ધ ટ્રૅજિક સેન્સ ઑવ્ લાઇફ ઇન મૅન ઍન્ડ પીપલ્સ’ (1921) એ તેમની સુપ્રસિદ્ધ કૃતિ છે. એમાં માનવીની ધાર્મિક ઝંખના અંગે ગહન અને અરૂઢ ચિંતન આલેખાયું છે અને એવું સૂચવાયું છે કે ઈશ્વર કારણરૂપ નથી પણ માનવીની અમરતા માટેની ઝંખનાના પરિણામરૂપ છે. તેનું સમાપન એવું છે કે ધાર્મિક કે ધર્મવિરોધી એ તમામ સિદ્ધાંતો વાહિયાત છે. આશંકા અને વિસ્મય  એ બે પ્રકારની તાત્વિક ભૂમિકા જ સમર્થનીય છે. આમ, ઊનામૂનોની વિચારસરણીમાં અસ્તિત્વવાદનો પગરવ સંભળાય છે. ‘મિકટ’ (1928) અને ‘થ્રી એક્ઝમ્પ્લરી નૉવેલ્સ ઍન્ડ અ પ્રોલૉગ’ (1930) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ‘ધી ઍગની ઑવ્ ક્રિશ્ચિયાનિટી’(1928)માં ધર્મવિષયક ચિંતનાત્મક લેખો છે. તેમની સૌથી જાણીતી નવલકથા છે ‘એબલ સાંચેઝ’ (1947). એમાં આદમપુત્રો કેઇન અને એબલની બાઇબલકથા આધુનિક ઢબે નવેસરથી આલેખાઈ છે. ‘ધ ક્રાઇસ્ટ ઑવ્ વેલેસ કેથ’(1951)માં ચિત્રકાર વેલેસ કેથ વિશેના પરિશીલનની સુંદર પદ્યમાં રજૂઆત કરવામાં આવી છે અને આધુનિક સ્પૅનિશ કવિતામાં તે ઉત્કૃષ્ટ કાવ્યશક્તિના ર્દષ્ટાંતરૂપ લેખાય છે.

કૃષ્ણવદન જેટલી