ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય છે : અરબી અને બૅક્ટ્રિયન. ભારતનું ઊંટ અરબી જાતનું હોય છે. બૅક્ટ્રિયન ઊંટને Camelus barctrianus કહે છે. આ ઊંટનો બાંધો મજબૂત હોય છે. તે મધ્ય એશિયાના હિમાચ્છાદિત નિર્જન પ્રદેશમાં રહે છે, જ્યાં શરીર પર આવેલા લાંબા બરછટ વાળને લીધે તેને ઠંડીથી રક્ષણ મળે છે. તેને ચરબીયુક્ત બે ખૂંધ હોય છે : એક ખભાના ઉપરના ભાગમાં અને બીજી પીઠના પાછળના ભાગ પર. ખૂંધને ન ગણીએ તો ખભાના ભાગમાં ઊંટની લંબાઈ આશરે 2 મીટર જેટલી હોય છે. આર્થિક રીતે અગત્યના પ્રાણી તરીકે પણ તેનું મહત્વ છે.
અરબી ઊંટ બૅક્ટ્રિયન કરતાં સહેજ ઊંચું હોય છે અને તેને એક જ ખૂંધ હોય છે, જેમાં ચરબીનો સંગ્રહ હોય છે. અરબી ઊંટની બે પેટા જાતિઓ હોય છે : ભાર ઊંચકવા માટે અને સવારી માટે. ભાર ઊંચકનાર ઊંટ 175–200 કિગ્રા. જેટલું વજન એકસાથે 30–40 કિલોમિટર દૂર લઈ જઈ શકે છે, જ્યારે સવારીનું ઊંટ સહેજ ઓછા વજન સાથે એક દિવસમાં 125–150 કિમી. જેટલું અંતર કાપે છે. સવારી ઊંટ રણપ્રદેશમાં રહેવા ટેવાયેલું હોય છે. ભારતમાં સામાન્યપણે જોવા મળતું ઊંટ સવારી માટેનું હોય છે; તે રાજસ્થાની ઊંટ તરીકે પણ ઓળખાય છે. ઊંટ પેટમાં પાણી સાચવીને રાખતું હોવાથી કેટલાક માને છે કે રણમાં પ્રવાસ ખેડનારાઓ પાણી વગર મુશ્કેલીમાં મુકાય ત્યારે ઊંટને મારીને તેના પેટમાંથી પાણી કાઢીને પોતાની તરસ છિપાવે છે. આ માન્યતા બિલકુલ વજૂદ વગરની છે.
અરબી ઊંટ મોટા કદનું, લાંબી વળેલી ડોક અને ટૂંકી પૂંછડીવાળું હોય છે. ગાદીવાળા લાંબા પગ, પહોળા રાખીને ચાલવાની ટેવવાળું તે રણપ્રદેશ તેમજ બરફીલા પ્રદેશમાં ઘણી સહેલાઈથી ચાલી શકે છે. ઊંટને ઢીંચણે, પગના થાપે અને છાતી આગળ નાની ગાદી (horny pad) હોવાથી બેસવા-ઊઠવામાં અનુકૂળતા રહે છે. ઊંટમાં કોથળિયું કહેવાતા જઠરના પહેલા ખંડની દીવાલ લીસી અને અંકુરકો (papille) વગરની હોય છે, જ્યારે કરચલીઓવાળી જગ્યાએ પાણીની સૂક્ષ્મ કોથળીઓ આવેલી હોય છે. કોથળીના મુખની ફરતે વર્તુળાકાર સ્નાયુઓ હોય છે. પુષ્કળ
પાણી પીધા પછી આ સ્નાયુઓ શિથિલ બને છે અને કોથળીઓ પાણીથી ભરાઈ જાય છે. જરૂર પડે ત્યારે પ્રસરણથી કોથળીમાંથી પાણી પેટમાં પ્રવેશે છે. વળી પાણી દુષ્પ્રાપ્ય હોય ત્યારે ખૂંધમાં સંગૃહીત ચરબીનું ઑક્સિડેશન થવાથી પણ પાણી છૂટું થાય છે, જેનો ઉપયોગ ઊંટ ચયાપચયીન પ્રક્રિયામાં કરે છે. એમ કુદરતી રીતે તેના શરીરમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી ઊંટ દિવસો સુધી પાણી વગર ચલાવી શકે છે. ત્રીજો જઠરખંડ માત્ર અવશેષરૂપ હોય છે. તેથી ગાય, ભેંસ, ઘેટાં વગેરે બીજાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ઊંટનો સમાવેશ કરવામાં આવતો નથી. સામાન્ય રીતે ઊંટ પાલતુ પ્રાણી તરીકે ઓળખાય છે. તેથી ગોબી જેવા રણપ્રદેશ સિવાય અન્યત્ર જોવા મળતું નથી.
રણપ્રદેશમાં ઊંટનો ખોરાક કાંટાળી વનસ્પતિનો પાલો અને સૂકો ઘાસચારો હોય છે. સામાન્ય રીતે બીજાં પ્રાણીઓ ન ખાતાં હોય તેવા કાંટાળી ભાજી, જીંજરું વગેરે જેવા ચારા ઉપર પણ ઊંટ શરીરનો નિભાવ સારી રીતે કરી શકે છે. (ઊંટ મૂકે આકડો અને બકરી મૂકે કાંકરો.) જ્યારે સારો ચારો મળે ત્યારે તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરી ખૂંધમાં તેનો સંગ્રહ કરે છે.
બૅક્ટ્રિયન ઊંટને શિયાળા દરમિયાન વધુ વાળ ઊગીને ઠંડીમાં ઘાટા કોટની ગરજ સારે છે. ઉનાળામાં આ વાળ ખરી જાય છે.
સામાન્ય રીતે માદા ઊંટ એક બચ્ચાને જન્મ આપે છે અને અંદાજે એક વર્ષ સુધી ધવડાવે છે. દૂધમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોવાથી તે રંગે પીળું પણ પૌષ્ટિક હોય છે. તેમાં માખણનું પ્રમાણ સહેજ ઓછું હોય છે. ઊંટની ગર્ભાવસ્થા 11 માસની હોય છે. ઊંટ 11થી 12 વર્ષની ઉંમરે પુખ્ત થાય છે અને 30થી 40 વર્ષ સુધી જીવી શકે છે. સારી રીતે કેળવાયેલાં ઊંટ શાંત અને નરમ હોય છે; પરંતુ સંવનનકાળમાં તે ઉશ્કેરાટવાળાં બની જાય છે અને કોઈ વાર બચકાં પણ ભરે છે.
ઊંટનો પૂર્વ ઇતિહાસ જોઈએ તો આ પ્રાણીના પ્રથમ પૂર્વજના અવશેષો ઉત્તર અમેરિકામાં અંદાજે 4થી 5 કરોડ વર્ષ પહેલાં ઇયોસિન કાળના મળી આવે છે. દશ લાખ વર્ષ પહેલાં, દક્ષિણ અમેરિકા અને એશિયામાં ઊંટનો વસવાટ વિસ્તર્યો હતો. હાલમાં તેના ઉદભવસ્થાને જંગલી ઊંટ જોવા મળતાં નથી. ઊંટનો પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ, મધ્ય એશિયાના પ્રદેશમાં બીજી કે ત્રીજી સદીમાં થયો હતો. ત્યારબાદ તેનો પ્રસાર એશિયા ખંડના વધુ ને વધુ દેશોમાં ઉત્તર ચીન અને રશિયાના દક્ષિણ તરફના ભાગો સુધી હતો. ઇતિહાસમાં જોઈએ તો આરબોએ મુસ્લિમોને પરાજિત કરવા ઊંટનો લશ્કરમાં ઉપયોગ કર્યો હતો. આરબ લોકોએ આ પ્રાણીનો પ્રસાર સ્પેન અને પૂર્વ આફ્રિકામાં કર્યો હતો.
ઉપેન્દ્ર રાવળ
પૂનમભાઈ તળપદા
અશોકભાઈ પટેલ