ઉહા શામ (1983) : આધુનિક સિંધી વાર્તાસંગ્રહ. 1984માં આ વાર્તાસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. એના લેખક છે મોહન કલ્પના. ‘ઉહા શામ’ની વાર્તાઓમાં લેખકે સ્ત્રીપુરુષસંબંધોનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મધ્યમવર્ગીય જીવનની કટુ વિડંબનામાં, માનવમનનાં શમણાં અને આદર્શોની સામે વાસ્તવિકતાનો સંઘર્ષ, આર્થિક વિસંવાદ પર રચાયેલ સમાજમાં મધ્યમ-વર્ગીય જીવનનું નિરૂપણ અને તે જીવન જીવતાં સ્ત્રીપુરુષો વચ્ચેના પારસ્પરિક સંબંધો પર થતી માનસિક અસરનું ર્દશ્યાત્મક ચિત્ર આ વાર્તાઓમાં અંકાયું છે. યથાર્થની વિભીષિકામાં તૂટતા માનવની માનવીય લાચારીનું ચેતનાપ્રવાહશૈલીમાં નિરૂપણ કરેલું છે. અંતર્મનના વિશ્લેષણની સાથે ક્યાંક ક્યાંક રંગદર્શિતા એમની વાર્તાઓમાં પ્રવેશે છે, તો ક્યારેક એ આદર્શોની કલ્પનામાં રાચવા લાગે છે. તેમ છતાં સમગ્ર સંગ્રહ ઉપર સાંપ્રત યથાર્થની પ્રતિછાયા ર્દષ્ટિગોચર થાય છે. શિલ્પના પ્રયોગોની સાથે વાર્તાઓની ભાષા સરળ અને પ્રવાહી છે.
જયંત રેલવાણી