ઉસ્માની, શૌકત (જ. 1901, બીકાનેર; અ. 1978) : ભારતના પ્રખર ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા મજૂર નેતા. સલાટના કુટુંબમાં જન્મ. સાતમી સદીના સુવિખ્યાત કલાકાર ઉસ્તાદ રૂકનુદ્દીનના વંશજ. ખિલાફત આંદોલનમાં જોડાયેલા. 1919માં અફઘાનિસ્તાનમાં મુઝાહિર તરીકે દાખલ થયા અને ત્યાંથી 300 જેટલા યુવા સ્વાધીનતાસેનાનીઓ સાથે 1921માં મૉસ્કો પહોંચ્યા. ત્યાં અન્ય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા, માર્ક્સવાદી વિચારસરણીનું અધ્યયન કર્યું તથા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને યુદ્ધશાસ્ત્રની તાલીમ મેળવી.

1922માં ગુપ્ત રીતે ભારતમાં પ્રવેશ્યા અને કાર્યકરો તથા ઔદ્યોગિક કામદારોને સંગઠિત કરવાનું તથા મજૂરચળવળનું સંકલન કરવાનું કામ ઉપાડ્યું. મે 1923માં તેમની ધરપકડ થઈ. પેશાવરના કારાગૃહમાં તેમના પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવ્યો. મીરત કાવતરા કેસના એક આરોપી તરીકે તેમને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.

1927માં મુક્ત થતાં તે વર્ષના રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશનમાં હાજરી આપીને ગુપ્તવાસમાં ચાલ્યા ગયા. જુલાઈ 1928માં મૉસ્કો ખાતેની સામ્યવાદી પક્ષની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સિકંદર સૂર નામે હાજર રહ્યા.

ભારતમાં તેમનું કાર્યક્ષેત્ર મહદ્અંશે પંજાબ અને ઉત્તરપ્રદેશ પૂરતું મર્યાદિત હતું. જેલમાંથી મુક્ત થયા પછી (1927) તેમનું ‘ફ્રૉમ પેશાવર ટુ મૉસ્કો’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. તે અમૃતસરથી પ્રકાશિત થતા ઉર્દૂ વૃત્તપત્ર ‘પયામ-એ-મઝદૂર’ના તંત્રી તથા પ્રકાશક હતા (1929).

સ્વાધીનતા માટેના અડગ, નીડર સેનાની તરીકે તેમણે દારિદ્ર્ય તથા યાતનાઓનો સતત સામનો કર્યો હતો. સ્વાધીનતા પછી તેઓ ઇજિપ્તના પાટનગર કેરો ખાતે રહેવા ચાલ્યા ગયા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે