ઉસ્માનખાન (જ. 22 સપ્ટેમ્બર 1940, મુંબઈ) : જાણીતા સિતારવાદક, બીનકાર બંદે અલીખાનના શિષ્ય ‘સિતારરત્ન’ ઉસ્તાદ રહેમતખાનના પૌત્ર. તેમના પિતા ઉસ્તાદ કરીમખાન ધારવાડ ખાતેની કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીત-વિદ્યાશાખાના વડા હતા. ઉસ્માનખાને સાત વર્ષની ઉંમરે પિતા પાસેથી સિતારવાદનની શિક્ષા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. મૂળ ઇંદોરના બીનકાર ઘરાનાના આ વંશજ 1957થી પુણે નગરમાં વસવાટ કરે છે, જ્યાં 1995માં તેમણે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરવા માટે ‘નાદ’ નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા ભારતની પરંપરાગત ગુરુકુલ-પદ્ધતિ દ્વારા દેશવિદેશના વિદ્યાર્થીઓને ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપે છે.

ઉસ્માનખાન

ઉસ્માનખાનના સિતારવાદનની ખૂબી એ છે કે તેમાં માત્ર ‘ગાયકી અંગ’ કે માત્ર ‘તંતુ અંગ’ નહિ, પરંતુ આ બંને પરંપરાગત વાદનશૈલીનો સમન્વય થયેલો છે અને તેથી સિતાર વગાડતી વેળાએ કરામત કરવા પર નહિ, પરંતુ પસંદ કરેલા રાગના ભાવસૌંદર્યનું જતન કરવા પર તેમનું વિશેષ ધ્યાન હોય છે. દરેક રાગનો જ્યારે તે વિસ્તાર કરે છે ત્યારે તેમના વાદન દરમિયાન દરેકેદરેક તબક્કે શ્રોતાઓને ભિન્ન ભિન્ન પ્રકારના આવિષ્કારની અનુભૂતિ થાય છે.

દેશવિદેશમાં આયોજિત સંગીત-સંમેલનોમાં તેમના ઘણા જાહેર કાર્યક્રમો થયા છે. વિદેશમાં થયેલા કાર્યક્રમોમાં યુરોપીય દેશો ઉપરાંત અમેરિકા, સિંગાપુર, મલેશિયા અને ઑસ્ટ્રેલિયાનાં મહત્વનાં નગરોમાં આયોજિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે : સ્વામી શાંતાનંદ સરસ્વતી દ્વારા સ્થાપવામાં આવેલ ‘ટેમ્પલ ઑવ્ ફાઇન આર્ટ્સ’ નામની સંસ્થાએ ઉસ્માનખાનને ‘આંતરરાષ્ટ્રીય ડીન’નો માનાર્હ ખિતાબ આપ્યો છે. આ સંસ્થા દક્ષિણ ભારત ઉપરાંત સિંગાપુર, મલેશિયા તથા ઑસ્ટ્રેલિયામાં વિભિન્ન ભારતીય શાસ્ત્રીય કલાશૈલીઓ(art forms)ના પ્રચારાર્થે કલાસંસ્થાઓનું સંચાલન કરે છે. એફ. આઇ. ઈ. ફાઉન્ડેશને પણ ઉસ્માનખાનને 1998ના વર્ષનો એવૉર્ડ એનાયત કરેલ છે.

સી.બી.એસ., ટેમ્પલ ઑવ્ ફાઇન આર્ટ્સ, સ્વરશ્રી તથા ન્યૂ અર્થ રેકૉર્ડ્ઝ કંપનીઓ દ્વારા ઉસ્માનખાનનું સિતારવાદન ધ્વનિમુદ્રિત થયેલ છે તે ખૂબ લોકપ્રિય બન્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે