ઉસાણિરુદ્ધં (અઢારમી સદી) : મલબારમાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાન ભક્તકવિ રામપાણિપાદનું ચાર સર્ગોનું, 299 પદ્યોનું પ્રાકૃતમાં રચાયેલું કાવ્ય. શીર્ષક મુજબ તેનો મધ્યવર્તી વિષય છે, શોણિતપુરના બાણાસુરની પુત્રી ઉષા અને કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ વચ્ચેનો પ્રણય અને વિવાહ. કવિકૃત અન્ય રચનાઓની જેમ આ કાવ્યની સામગ્રી મુખ્યત્વે भागवतમાંથી લીધાનું, વસ્તુ અને શબ્દાવલીના ગાઢ સામ્યથી નક્કી થઈ શકે છે. भागवतના દશમસ્કંધના 62-63મા અધ્યાયમાં ઉષા-અનિરુદ્ધનું કથાનક છે. ઉપરાંત ‘હરિવંશ’ પુરાણના ઉક્ત કથાનકની કેટલીક વિગતો उसाणिरुद्धं ને મળતી આવે છે. આ કથાનકમાં મુખ્ય પ્રણયવસ્તુને પોષનારું વસ્તુ છે કૃષ્ણાદિ યાદવો અને બાણાસુર પક્ષ વચ્ચેના નિર્ણાયક સંગ્રામનું. આમ અસુરમદવધ એ ઉદાર પ્રણયવસ્તુની સમુચિત ભૂમિકા બની રહે છે.
પ્રથમ સર્ગના આરંભે મંગલરૂપે ગણેશ, ભારતી, શિવ-પાર્વતી-યુગલ તથા નરસિંહની સ્તુતિ બાદ ગુરુવંદન કરી કવિ પ્રસ્તુત કાવ્યરચના પાછળની પોતાની મધ્યસ્થ ર્દષ્ટિ પ્રગટ કરે છે. આ કાવ્ય जद्दु — णाह — देव्वं (‘યદુનાથ દેવ વિશેનું’) હોવાનું કથન નોંધપાત્ર છે. કથારંભ પણ કૃષ્ણનાં પરાક્રમ અને પ્રણયરંગના કીર્તનથી થાય છે. કૃષ્ણપૌત્ર અનિરુદ્ધનું સ્વપ્નમાં દર્શન પામેલી બાણપુત્રી ઉષામાં અનુરાગોત્પત્તિ, બાણમંત્રી કુંભાડની પુત્રી અને ઉષાની અંતરંગ સખી એવી ચિત્રલેખા દ્વારા વિદ્યાબળે સુષુપ્ત અનિરુદ્ધનું અપહરણ, પરસ્પરોત્સુક પ્રણયીઓની ગુપ્ત રતિક્રીડા, રક્ષકો દ્વારા બાણને તથ્યનિવેદન, બાણ-અનિરુદ્ધના સમર્થ સંઘર્ષને અંતે અનિરુદ્ધનું નાગાસ્ત્ર દ્વારા બંધન, વિલાપ કરતી ઉષાને ચિત્રલેખા દ્વારા સમાશ્વાસન – આ છે પ્રથમ સર્ગનું વસ્તુ.
દ્વિતીય સર્ગમાં આગંતુક નારદ પ્રત્યે કૃષ્ણે દર્શાવેલી અનિરુદ્ધના અદર્શન અંગેની ચિંતા, નારદકૃત તથ્યકથન, યદુસૈન્ય સહિત કૃષ્ણની યુદ્ધકૂચ, બાણની ભક્તિથી તેના નગરના દ્વારપાળ બનેલા શિવ સહિતના અસુરપક્ષ ને યદુસૈન્ય વચ્ચેનાં દ્વંદ્વયુદ્ધો પૈકી કૃષ્ણના શિવ અને બાણ સાથેનાં સફળ યુદ્ધો, વિષ્ણુનિર્મિત ચતુર્ભુજ ‘જવર’ દ્વારા શિવનિર્મિત ત્રિશિરસ્ ‘જવર’નો પરાભવ, ત્રિશિરસ્ દ્વારા કૃષ્ણસ્તુતિ, કૃષ્ણ દ્વારા અભયદાન વગેરે ઘટનાઓ વર્ણવાઈ છે.
તૃતીય સર્ગમાં કૃષ્ણગર્હા સાથે પુન: યુદ્ધોદ્યત બનેલા સહસ્રબાહુ બાણના બે સિવાય બાકીના બાહુઓનો કૃષ્ણ દ્વારા ઉચ્છેદ, બાણ માટે શિવની અભયયાચના ને કૃષ્ણસ્તુતિ, કૃષ્ણકૃત શિવસ્તુતિ, મદમુક્ત બાણ દ્વારા કન્યાદાન, વિજયી યાદવપક્ષનું દ્વારકા-પ્રયાણ આટલાં બિંદુઓ ઊપસે છે.
કથાના કાર્યનું નિર્વહણ પ્રાય: અહીં થઈ ગયા છતાં ચતુર્થ સર્ગ કવિત્વના સ્વૈરવિહાર માટે રચાયો જણાય છે. દ્વારિકામાં નવયુગલ સહિતના કૃષ્ણના આગમન પ્રસંગે દર્શનઘેલી સ્ત્રીઓના વિવિધ સંભ્રમો અને મદનવિભ્રમો, સ્ત્રીઓના દાંપત્યવિષય ઉદગારો, નવયુગલની મધુરજની અને ચંદ્ર વિશે નાયકનાં અનેક ઊર્મિલ કલ્પનોને અંતે કવિ દ્વારા ‘આનંદાર્ણવના પૂર્ણિમાચંદ્ર’ એવા કૃષ્ણ પ્રત્યે સર્વની નિ:શ્રેયસપ્રાપ્તિ માટેની પ્રાર્થના સાથે સર્ગ અને કાવ્ય સમેટાય છે. પુન: નમ્ર આત્મનિવેદન અને ગુરુવંદન સાથે કાવ્ય વિરમે છે.
કવિકૃત પ્રાકૃત કાવ્ય कंसवहोની જેમ આ કાવ્ય પણ સંસ્કૃત પ્રશિષ્ટ મહાકાવ્યનાં સ્થૂળ લક્ષણો અને શૈલીથી મહદંશે પ્રભાવિત છે. પૌરાણિક સદાશ્રય વસ્તુ, સર્ગબદ્ધતા, સર્ગની ઇયત્તા, સર્ગાન્તે છંદ:પરિવર્તનની સાથોસાથ ભાવિસર્ગસૂચન, વર્ણનપ્રાધાન્ય, અલંકારબાહુલ્ય, છંદોવૈવિધ્ય – આટલાં મહાકાવ્યનાં બાહ્ય લક્ષણો આમાં બરોબર જળવાયાં છે. પ્રસિદ્ધ પ્રાકૃત ગાથાછંદના એક પદ્યને બાદ કરતાં બાકી 15 છંદો પ્રશિષ્ટ ગણવૃત્તો જ છે. મુખ્યત્વે ‘શિશુપાલવધ’ ઉપરાંત અશ્વઘોષ, કાલિદાસ અને ભારવિનાં મહાકાવ્યોની અસર વસ્તુ અને શબ્દાવલીમાં નિરંતર દેખાય છે. આમ છતાં મહાકાવ્યની ઇયત્તા, વર્ણનપ્રસ્તાર, વિષયવસ્તુની કૌતુકવર્ધક જટિલતા આમાં ગેરહાજર છે. जयु – णाह – देव्वं (2.8) વિશેષણ સૂચવે છે તે મુજબ મહાકાવ્યનો સ્થૂળ પરિવેશ સ્વીકારવા છતાં અહીં કવિનો ઉદ્દેશ નાનકડું કૃષ્ણભક્તિકાવ્ય રચવાનો જ છે. શીર્ષકને અવગણીને કૃષ્ણને જ નાયકત્વ અપાયું છે. કવિ પાસે પર્યાપ્ત શૃંગારર્દષ્ટિ હોવા છતાં કાવ્યનો શૃંગાર પ્રધાનતા પામતો નથી. વચલા બે વીરરસપ્રધાન સર્ગોમાં નાયક-નાયિકા અર્દષ્ટ અને નિષ્ક્રિય છે. ચતુર્થ સર્ગમાં પણ પ્રકીર્ણ વર્ણનો એકરસતા નિપજાવી શકતાં નથી.
આમ છતાં કવિપ્રતિભાના ઉન્મેષો વાચકને નિરંતર આકર્ષે છે. પૂર્વસૂરિઓનો પ્રભાવ પણ મૌલિકતાથી ઝિલાયો છે. વિષયવસ્તુ પ્રત્યેનો અભિગમ ઉષ્માભર્યો છે. દેહ, ક્રિયા, ઘટના ઇત્યાદિનાં વર્ણનોમાં રેખાચિત્રશૈલી સંતર્પક છે. બાણ-અનિરુદ્ધ, કૃષ્ણ-નારદ, બાણ-કૃષ્ણ, ઉષા-ચિત્રલેખા ઇત્યાદિ વચ્ચેના સંવાદ સમર્થ સંવાદકલાની ઝલક આપે છે. સ્ત્રીઓના વિભ્રમો અને સંભ્રમોનું વર્ણન અને કૌતુકપોષક મૌલિક વળાંકો ધરાવે છે. ત્રિશિરસ, શિવ અને કૃષ્ણે કરેલી સ્તુતિઓ અર્થઘન છે. ઉપમામૂલક અલંકારો, અર્થાન્તરન્યાસ, વિરોધ તથા સવિશેષ ઉત્પ્રેક્ષા એ અર્થાલંકારો તથા યમક, અનુપ્રાસ, શ્લેષ આદિ શબ્દાલંકારોના પ્રયોગો કવિત્વપૂર્ણ છે. શૃંગાર અને યુદ્ધ ઉભયનાં વર્ણનો કૌતુકપોષક છે. પ્રાસંગિક દીર્ઘસમાસયુક્ત શૈલી છતાં સામાન્યત: પ્રાસાદિક રચના કવિને સહજસિદ્ધ છે. ઉષા, ચિત્રલેખા, અનિરુદ્ધ, બાણ અને નારદના આલેખનમાં મનોવૈજ્ઞાનિક પાત્રાલેખનકળાનો અણસાર મળે છે. વિષ્ણુભક્તિનો શિવભક્તિ સાથેનો સમન્વય કવિની ધીર સમષ્ટિ ઉપસાવે છે.
उसाणिरुद्धंમાં શૌરસેનીના પ્રભાવવાળી મહારાષ્ટ્રી પ્રાકૃત वररुचिના प्राकृतप्रकाशના નિયમોને આધારે કૃત્રિમ રીતે જ પ્રયોજાઈ છે. છતાં પ્રાકૃતના અંગીકારના મૂળમાં રહેલી કવિની નમ્રતા અને લોકનિષ્ઠતા પ્રશસ્ય છે.
આ કાવ્યનું અધિકૃત સંપાદન 1943માં ‘અડ્યાર લાઇબ્રેરી સિરીઝ’ના બેંતાલીસમા ગ્રંથરૂપે થયેલું છે.
નીતિન ર. દેસાઈ