ઉસકી રોટી (1969) : પ્રયોગશીલ હિન્દી ચલચિત્ર. વિખ્યાત લેખક તથા નાટ્યકાર મોહન રાકેશની એક ટૂંકી વાર્તા પર આધારિત આ ચલચિત્ર દિગ્દર્શક મણિ કૌલની સર્વપ્રથમ મહત્વની પ્રયોગશીલ સિનેકૃતિ છે. છબીકલા : કે. કે. મહાજન; શ્વેતશ્યામ; અભિનય : ગરિમા (બાલો) ટ્રક-ડ્રાઇવરની પત્નીના પાત્રમાં.

પંજાબના ગ્રામવિસ્તારના શીખ ટ્રક-ડ્રાઇવરને ધોરી માર્ગ પર નિયમિત રીતે તેનું ભાથું (રોટી) પહોંચાડવા જતી અને પતિના આવવાની એકધારી રીતે રાહ જોતી પત્નીની રોજિંદી પ્રવૃત્તિનું પુનરાવર્તન અને એકધારાપણું આ વાર્તા વ્યક્ત કરે છે.

ભારતીય ગ્રામનારીના વાસ્તવિક જીવનની ઘટમાળની નીરસતા અને સામાન્ય ભારતીય નારીની આદર્શવાદી પ્રતીક્ષા એ આ વાર્તાનાં બે મુખ્ય તત્વો પર ભાર મૂકીને તેને વિશિષ્ટ શૈલીમાં અભિવ્યક્ત કરવાનો દિગ્દર્શકે પ્રયાસ કર્યો છે. પાત્રોનું ધીમું હલનચલન, સ્થગિત મુખભાવો, લાગણી વગર બોલાતા ટૂંકા અને ઓછા સંવાદો, કૅમેરાનું પણ અતિ ધીમું ચલન કે લગભગ સ્થગિત જેવી ગતિ, આ સઘળાંને લઈને કથાનું વાતાવરણ ઉદાસીન અને કંઈક અંશે કંટાળાજનક બને છે. રૂપેરી પરદા પર કૃતિની રજૂ થતી પ્રત્યેક ફ્રેમના એક ચિત્રકૃતિ સમાન સુઆયોજિત ર્દશ્યસંયોજન વિષે આટલી સભાનતા ધરાવનારા કૌલ, સત્યજિત રાય પછીના કદાચિત્ સર્વપ્રથમ ભારતીય દિગ્દર્શક છે એવો એક મત છે.

પરંપરાથી સિનેકૃતિઓ–કથાચલચિત્રો–નું વર્ણનાત્મક માળખું સાહિત્યની ભાષા ઉછીની લઈને પ્રયોજાતું રહ્યું છે તેવી દિગ્દર્શકની મૌલિક વ્યક્તિગત માન્યતાએ તેમને પોતાની આ પ્રથમ કૃતિને કંઈક અંશે અમૂર્ત સ્વરૂપ આપવાને પ્રેર્યા. આમ આ કૃતિની વિશિષ્ટ શૈલી તે સિનેમાધ્યમની એક આગવી ભાષા નિપજાવવાના તેમના સંનિષ્ઠ પ્રયાસોની પહેલરૂપ હતી. ‘ઉસકી રોટી’ દ્વારા અજમાવાયેલ શૈલીનું દિગ્દર્શકની ત્યારપછીની બે કૃતિઓ ‘આષાડ કા એક દિન’ અને ‘દુવિધા’માં પણ સાતત્ય જોવા મળે છે.

કૌલની આ પ્રાયોગિક શૈલી જેને તેમણે પોતાની વ્યક્તિગત સિને અભિવ્યક્તિ (personal cinema) કહી તેને ભારતીય સર્વસાધારણ ઉપરાંત સુજ્ઞ પ્રેક્ષકવર્ગ પચાવી શકે તેમ નહોતો.

પુણે ખાતેની રાષ્ટ્રીય ચલચિત્રશિક્ષણ સંસ્થાનમાં તાલીમ પામ્યા બાદની કૌલની આ સર્વપ્રથમ કલા-ચલચિત્રકૃતિ હોઈને તે સંસ્થાની તાલીમ અને તાલીમ પામેલ પ્રતિભાઓ વિશે આ કૃતિ દ્વારા કંઈક અંશે ગેરસમજ પણ પેદા થવા પામી.

1969ના વર્ષનો શ્રેષ્ઠ સિનેછબીકલાનો પુરસ્કાર આ કૃતિને પ્રાપ્ત થતાં તે સન્માનિત બની. ત્યારબાદ તેને ‘ફિલ્મફેર ક્રિટિક્સ એવૉર્ડ’ અને ‘મિલાન આંતરરાષ્ટ્રીય સિનેસમારોહ’માં પણ રજતચંદ્રક પ્રાપ્ત થયો. એક મહત્વની સિનેકૃતિ તરીકે તેની એક પ્રિન્ટ રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલયમાં સંગૃહીત છે.

ઉષાકાન્ત મહેતા