ઉષ્માશોષક પ્રક્રિયા

January, 2004

ઉષ્માશોષક પ્રક્રિયા : જેમાં ઉષ્મા-ઊર્જાનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયા. આમાં પર્યાવરણમાંથી ઊર્જા શોષાય છે. આથી નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં વધુ હોય છે, એટલે કે DH ધન હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર સ્વત: ઉષ્માશોષક પ્રક્રિયામાં પ્રણાલી અને પરિસર(surrounding)ની ઍન્ટૉપીમાં વધારો થાય છે. પ્રકાશ-સંશ્લેષણથી વનસ્પતિમાં ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયા છે.

સામાન્યત: બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં શરૂઆતમાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય તે પહેલાં તેમાંના બંધ તોડવા બહારથી ઊર્જા આપવી આવશ્યક હોય છે. ત્યારપછી જ નવા બંધ રચાઈને નીપજ બને છે. નાઇટ્રોજન અને ઑક્સિજનમાંથી નાઇટ્રિક ઑક્સાઇડ બનાવવાની પ્રક્રિયા, ઘન એમોનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવણ બનાવવું, મીઠાને પાણીમાં ઓગાળવું, હાઇડ્રોજન અને આયોડિન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા વગેરે ઉષ્માશોષક પ્રક્રિયાઓનાં ઉદાહરણો છે. ઉષ્મા કૅલરી અથવા કિ.કૅલરીમાં દર્શાવવામાં આવે છે, તેનો (SI) એકમ જૂલ છે. પ્રક્રિયાને ઊર્જાશોષક (endoergic) પ્રક્રિયા પણ કહેવામાં આવે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ