ઉષ્મા-સંગલન (thermal fusion) : ઉચ્ચ તાપમાનની હાજરીમાં હલકાં તત્વોનાં બે કે વધારે ન્યૂક્લિયસ સંયોજાઈને, એક ભારે તત્વનું ન્યૂક્લિયસ રચવા સાથે વિપુલ પ્રમાણમાં થતી ઊર્જા-ઉત્સર્જનની પ્રક્રિયા. આ પ્રક્રિયા ન્યૂક્લિયર વિખંડન કરતાં સાવ જુદી જ છે.

હલકાં તત્વોમાં ન્યૂક્લિયૉનદીઠ સરેરાશ બંધન-ઊર્જા, ભારે તત્વોની બંધન-ઊર્જા કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. તેથી આવાં બે હલકાં ન્યૂક્લિયસ એકઠાં થઈને ભારે ન્યૂક્લિયસ રચે ત્યારે ઉપપાદિત ન્યૂક્લિયસનું દ્રવ્યમાન, ઉત્પાદન કરનાર ન્યૂક્લિયસના દ્રવ્યમાનના સરવાળા કરતાં ઓછું હોય છે. પરિણામે દ્રવ્યમાનનો આ ઘટાડો આઇન્સ્ટાઇનના ‘દ્રવ્યમાન ઊર્જા સંબંધ’ (Mass-Energy Relation) અનુસાર ઊર્જા રૂપે પ્રાપ્ત થાય છે.

બે ધનભારિત ન્યૂક્લિયસ એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે સ્થિર વિદ્યુત અપાકર્ષણબળ લાગે છે. આ અપાકર્ષણબળની ઉપરવટ જઈને ન્યૂક્લિયસ અત્યંત નજીક આવી સંગલનની પ્રક્રિયા કરે તે માટે, તેમને વિપુલ ગતિ-ઊર્જા આપવી પડે. આવી ગતિ-ઊર્જા, તાપમાનમાં પુષ્કળ વધારો કરવાથી મેળવી શકાય છે. આમ ઉચ્ચ તાપમાને સંગલનની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા એક વાર શરૂ થતાં જ બીજા કણોને પૂરતી ઊર્જા મળવા માંડે છે, જેથી સંગલનની પ્રક્રિયા ચાલુ રહે છે. આમ આ પ્રક્રિયા સ્વયંપોષક (selfsustaining) છે.

આ પ્રક્રિયા માટે લગભગ 106થી 107 K જેટલું તાપમાન જરૂરી છે. સૂર્ય અને તારાઓમાં આટલું તાપમાન હોવાથી તેમાં સંગલનની પ્રક્રિયા નિયમિત ચાલે છે અને અખૂટ ઊર્જા મળે છે. હાઇડ્રોજન બૉમ્બ વડે પણ પ્રચંડ ઊર્જા મેળવાય છે, પણ તેનું નિયમન કરી શકાતું નથી. પૃથ્વી પર સંગલનને ઊર્જાના સ્રોત તરીકે વિકસાવવાના માર્ગો વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે જે સફળ થવાના સંકેતો મળે છે.

જગન્નાથ ગિરધરલાલ સુથાર