ઉષ્ણ કટિબંધ : કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 0o અક્ષાંશથી અક્ષાંશ વચ્ચે આવેલો પ્રદેશ. આમ છતાં 30o ઉ. અ. અને 30o દ. અ. સુધી ઉષ્ણ કટિબંધ જેવી આબોહવા રહે છે. પૃથ્વી પોતાની ધરી ઉત્તર દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી જુદે જુદે સમયે વર્ષ દરમિયાન પૃથ્વી ઉપર ભિન્ન ભિન્ન ભાગોમાં સૂર્યકિરણો વત્તા-ઓછા પ્રમાણમાં સીધાં કે ત્રાંસાં પડે છે. આ પ્રદેશમાં વરસમાં ઓછામાં ઓછું બે વાર સૂર્યનાં કિરણો તદ્દન સીધાં પડે છે અને બાકીના બધા દિવસોએ કિરણ લગભગ સીધાં પડતાં હોય છે. ઉ. અ. સુધી અને દ. અ. સુધી જ સૂર્યનું કિરણ સીધું પડે છે. એટલે આ બે અયનવૃત્તો વચ્ચેના ભાગમાં જ વરસમાં બે વાર સૂર્ય માથે આવશે. એક તો જ્યારે કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ સૂર્યનું સીધું કિરણ ખસતું જતું હોય ત્યારે અને બીજું મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ સૂર્યનું કિરણ ખસતું જતું હોય ત્યારે. મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ વગેરે સ્થળો અયનવૃત્તોની વચ્ચેના ભાગમાં છે. તેથી ત્યાં વરસમાં બે વાર સૂર્ય માથે આવે છે. બાકીના બધા દિવસોએ કિરણો લગભગ સીધાં પડતાં હોય છે. દિવસો બહુ ટૂંકા થતા નથી. એટલે આખું વરસ ગરમી રહે છે. વિષુવવૃત્તની ઉત્તરે આશરે 2,400 કિમી. સુધી અને દક્ષિણે પણ લગભગ 2,400 કિમી. સુધી આ પ્રદેશ આવેલો છે. એટલે સળંગ 4,800 કિમી. પહોળો પટ્ટો થાય છે. પૃથ્વીની સપાટીનો 40 ટકા ભાગ ઉષ્ણ કટિબંધ રોકે છે.
મેક્સિકોથી માંડીને મધ્ય અમેરિકાનો અને દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલ, ઉરુગ્વે, ઉત્તર આર્જેન્ટીના અને ઉત્તર ચિલી, પેરૂ, ઇક્વેડોર, કોલંબિયા, ગિની કિનારાના દેશો, વેનેઝુએલા વગેરે પ્રદેશ, દક્ષિણ આફ્રિકાનો 30o દ. અક્ષાંશથી ઉત્તરે આવેલો ભૂમધ્ય સમુદ્રના કિનારા સિવાયનો સમગ્ર આફ્રિકા ખંડ, એશિયાના મધ્યપૂર્વના દેશો, પાકિસ્તાન, ભારત, મ્યાનમાર, થાઇલૅન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, દક્ષિણ ચીન, ઑસ્ટ્રેલિયાનો પર્થથી સિડની સુધીનો વાયવ્ય અને અગ્નિખૂણા વચ્ચેનો પ્રદેશ ઉષ્ણ કટિબંધમાં આવેલા છે.
આ વિસ્તારની ખાસિયતોમાં (1) વિષુવવૃત્તીય આબોહવા, (2) ચોમાસાના મોસમી પવનો, (3) સુદાન પ્રકારનાં સૂકા ઊંચા ઘાસનાં મેદાનો અને (4) રણની આબોહવા ગણાય છે.
વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા બારે માસ ગરમ અને ભેજવાળી હોય છે. વરસાદ બારે માસ પુષ્કળ પડે છે. અહીં સતત લીલાં જંગલો આવેલાં છે. મોસમી પ્રદેશમાં ઉનાળામાં વરસાદ પડે છે. આબોહવા ગરમ હોય છે પણ શિયાળો ઓછો નરમ હોય છે. વરસાદ મોટેભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અને થોડો નવેમ્બરથી ફેબ્રુઆરીમાં પડે છે. સુદાન પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં દોઢેક માસ 375 મિમી. વરસાદ પડતાં ઊંચું ઘાસ થાય છે. છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. રણપ્રદેશમાં રણદ્વીપોમાં ખજૂરીનાં વૃક્ષો જોવા મળે છે. અહીં ઉનાળો અને શિયાળો વિષમ હોય છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી જણાય છે. વરસાદ 0-125 મિમી. જેટલો પડે છે. હાથી, ચિત્તો, વાંદરા, અજગર, મગર વગેરે પ્રાણીઓ; ડાંગર, રબર, શેરડી જેવા ખેતીના પાકો અને તાડ, રોઝવુડ, મેહોગની, સીસમ જેવાં વૃક્ષો; રંગબેરંગી પક્ષીઓ અને અનારોગ્ય અને આળસુ બનાવે તેવી આબોહવા વિષુવવૃત્તવાળા પ્રદેશમાં જોવા મળે છે. ચોમાસાના મોસમી પવનવાળા પ્રદેશોમાં 375 મિમી.થી 17,500 મિમી. જેટલો વરસાદ પડે છે. સાગ, સાલ, વાંસ વગેરે સખત અને પોચું લાકડું આપતાં વૃક્ષો અહીં જોવા મળે છે. ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ, શેરડી, કઠોળ, તેલીબિયાં, તમાકુ, કપાસ વગેરે પાકે છે. ઘોડા, હાથી, સિંહ, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. રણપ્રદેશમાં ઊંટ, ખચ્ચર, ઘોડાં અને બકરાં જેવાં પ્રાણીઓ રણદ્વીપોમાં જોવા મળે છે. ખજૂર, ઘઉં, બાજરી, કૉફીનો પાક લેવાય છે. સુદાન પ્રકારની આબોહવાવાળા દેશોમાં પશુપાલન અને ખેતીનો ધંધો છે. સિંહ જેવાં માંસાહારી તથા જિરાફ, ગેંડો, હરણ, ઝીબ્રા, પાડા જેવાં તૃણાહારી પ્રાણીઓ અહીં દેખાય છે. સિંચાઈની સગવડ હોય ત્યાં બાજરી, તેલીબિયાં, કપાસ વગેરે પાકે છે.
વિષુવવૃત્તના પ્રદેશોમાં કેળાં, અનનાસ, ફણસ, કેરી, પાઇનૅપલ, જમરૂખ વગેરે ફળો થાય છે. ચોમાસાની મોસમી આબોહવાવાળા દેશોમાં ભારત, ચીન, લંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, ઇરાક, ઈરાન, વિયેતનામ, કંબોડિયા, દક્ષિણ ચીન, ઑસ્ટ્રેલિયાનો ઉત્તરકિનારો વગેરેનો સમાવેશ થાય છે. વેરાન અને રણ જેવા પ્રદેશમાં પ્રાચીન સંસ્કૃતિનો પ્રાદુર્ભાવ થયો હતો. વિષુવવૃત્તીય જંગલોમાં હજી કેટલાક લોકો આદિમાનવ જેવું જીવન ગાળે છે. રણપ્રદેશમાં ભટકતું જીવન ગાળતા લોકો હજી પણ થોડા પ્રમાણમાં છે. આ પ્રદેશમાં તેલ અને કુદરતી વાયુની શોધ થતાં તેમની જીવનશૈલીમાં ઘણો ફેરફાર થયો છે.
નીતિન કોઠારી