ઉષ્ણજળજન્ય નિક્ષેપો

January, 2004

ઉષ્ણજળજન્ય નિક્ષેપો (hydrothermal deposits) : મૅગ્માજન્ય જલ-બાષ્પથી પરિવર્તિત ખડકપેદાશો કે પરિવર્તિત ખનિજ અથવા ધાતુખનિજનિક્ષેપો. પૃથ્વીના પોપડાના ઊંડાણમાંથી ઊર્ધ્વ ગતિ કરતું ઉષ્ણજળ મૅગ્માજન્ય જ હોય તે જરૂરી નથી.

અતિ ઊંચા તાપમાનવાળું જળ વધુ પડતું ક્રિયાશીલ બની જાય છે, તે સિલિકેટ ખનિજોનું વિઘટન કરવા તથા સામાન્યપણે અદ્રાવ્ય ગણાતાં ઘટક દ્રવ્યોને ઓગાળી નાખવા માટેની ક્ષમતાવાળું બની જાય છે. આ સંજોગોમાં બે પ્રકારની ઉષ્ણજલીય પ્રક્રિયાઓ શક્ય બને છે.

અગ્નિકૃત અંતર્ભેદકની આજુબાજુ
ઉષ્ણજળજન્ય ખનિજનિક્ષેપોનું વિભાગીકરણ

(i) પરિવર્તન-પ્રક્રિયાઓ : ઓલિવિન અને પાયરૉક્સીન ખનિજોના સર્પેન્ટાઇનકરણ, ફેરોમૅગ્નેશિયન ખનિજોના ક્લોરાઇટકરણ તથા કેઓલિનીકરણનો આમાં સમાવેશ કરી શકાય. કેઓલિનીકરણમાં ગ્રૅનાઇટમાંના ફેલ્સ્પારમાંથી પરિણામી પરિવર્તન-પેદાશ મૃદ્ખનિજ – કેઓલિન તૈયાર થાય છે.

(ii) ઉષ્ણજળજન્ય નિક્ષેપપ્રક્રિયા : ઘણા ખનિજનિક્ષેપો શિરાઓ(veins)માં તથા આગ્નેય પિંડની આજુબાજુ સંકેન્દ્રી (concentric) સ્તરોરૂપે ઉષ્ણજળજન્ય ખનિજીય દ્રાવણોમાંથી પ્રક્ષિપ્ત થયા હોવાનું માનવામાં આવે છે. તાંબું, જસત, સીસું વગેરેનાં ખનિજો પાણીમાં એટલાં અલ્પદ્રાવ્ય છે કે તેમની વહનક્રિયા દ્રાવણસ્વરૂપે થવાનું અસંભવિત છે, એવો એક મત પણ છે. પાણી સાથે ફ્લોરિન અને કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયુ-બાષ્પદ્રવ્યો પણ આમાં ભાગ ભજવતાં હોવાનું માનવામાં આવે છે. ઉષ્ણજળનું તાપમાન તથા દબાણ પણ ખનિજીય લક્ષણો અને સ્વરૂપો ઉપર કાબૂ ધરાવે છે. કેટલાક ઉષ્ણજળજન્ય નિક્ષેપો આગ્નેય અંતર્ભેદકો(intrusion)ની સપાટી ઉપર સંકેન્દ્રિત થાય છે.

ગિરીશભાઈ પંડ્યા