ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર)

January, 2004

ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર) (ઈ. તેરમી સદી) : પ્રાકૃત ગ્રંથ. તેના લેખક સહસ્રાવધાની મુનિ સુન્દરસૂરિ છે. તેમને બાલસરસ્વતી કે વાદિગોકુલષણ્ડ નામથી પણ સન્માનિત કરવામાં આવતા હતા. તે વિ.સં. 1319 પૂર્વેની રચના મનાય છે.

આ ગ્રંથ ચાર વિભાગમાં છે. તેમાં બાર તરંગ છે. અનેક ર્દષ્ટાંતો દ્વારા ધર્મનું સ્વરૂપ સરળતાથી સમજાવ્યું છે. આ ઉપરાંત મહાભારત, મહાનિશીથ, વ્યવહારભાષ્ય, ઉત્તરાધ્યયનવૃત્તિ, પંચાશક વગેરે અનેક ગ્રંથોમાંથી અહીં અવતરણ મૂકવામાં આવેલ છે. બાર ર્દષ્ટાંત દ્વારા યોગ્ય-અયોગ્ય ગુરુનું સ્વરૂપ સમજાવ્યું છે. અર્ક, દ્રાક્ષ, વટ અને આમ્રની ઉપમા આપીને અનુક્રમે મિથ્યા-ક્રિયા, સમ્યકક્રિયા, મિથ્યાદાનયાત્રા અને સમ્યકદાનયાત્રા સમજાવ્યાં છે.

લેખકે આ ઉપરાંત અધ્યાત્મકલ્પદ્રુમ, જયાનંદચરિત્ર, મિત્રચતુષ્કકથા, ચતુર્વિંશતિજિનસ્તોત્ર, સ્તોત્રરત્નકોશ, શાંતિકર્મસ્તોત્ર, સીમંધરસ્તુતિ, ત્રિદશનતરંગિની, શાંતરસરાસ અને ત્રૈવિદ્યોગગોસ્તી એ દશ ગ્રંથોની રચના કરી છે. નવવર્માચરિત્ર પણ તેમની રચના મનાય છે.

રમણિકભાઈ મ. શાહ