ઉલૂક : ‘ઘુવડ’ નામનું પક્ષી અને ઉલૂક નામની વ્યક્તિ તેમજ જાતિ. ‘સર્વદર્શન સંગ્રહ’માં કણાદ મુનિના વૈશેષિક દર્શનને ‘ઔલૂક દર્શન’ કહેવામાં આવ્યું છે. ટીકાકારે એનાં બે કારણો બતાવ્યાં છે – (1) કણાદ ઉલૂક ઋષિના વંશજ હતા, (2) શિવે ઉલૂકનું રૂપ ધારણ કરીને કણાદને છ પદાર્થોનું જ્ઞાન આપ્યું હતું. પાણિતિ (4-1-105)માં તેમજ વાયુપુરાણમાં પણ ઉલૂક નામની વ્યક્તિનો ઉલ્લેખ મળે છે. ‘મહાભારત’ અને ‘હરિવંશ’માં ઉલૂક જાતિની ચર્ચા મળે છે. એમ મનાય છે કે ઉલૂકને ટૉટમ (ગોત્રચિહન) માનનારી એ નામધારી જાતિ અને વ્યક્તિઓ પણ હતી.
ઉલૂકનો પર્યાયવાચી ‘કૌશિક’ શબ્દ છે. પ્રાચીન સાહિત્યમાં ‘કુશિક’ નામના મુનિનો ઉલ્લેખ મળે છે, જેઓ પાશુપત આચાર્ય લકુલીશના શિષ્ય હતા. તે પરથી જણાય છે કે આખી ઉલૂક જાતિ લકુલીશ–પાશુપત સંપ્રદાયમાં આસ્થા ધરાવતી હતી. ‘શૂન્યપુરાણ’માં ધર્મ અને કર્મ ઉપરાંત નિરંજન દેવના બે સહાયકો બતાવ્યા છે તેમાં હંસની સાથે ઉલૂકનો ઉલ્લેખ મળે છે. વસ્તુતઃ ઉલૂક એ શૈવ ધર્મની પાશુપતશાખા સાથે દૃઢપણે સંકળાયેલા હોવાનું જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ