ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના પોતાના એકલાના કંઠે ગવાયેલ ‘જાગો સજનિયા જાગો’ તે સમયે અત્યંત લોકપ્રિય થયાં હતાં અને તે સમયની પ્રેક્ષકપેઢી હજી સુધી તેને ભૂલી શકી નથી.
ઉમાશશીની તત્કાલીન મુખ્ય ફિલ્મોમાં ‘ચંડીદાસ’ (બંગાળી) (1932), પ્રમથેશ બરુઆ દ્વારા દિગ્દર્શિત ‘રૂપલેખા’ (બંગાળી), નીતીન બોઝ દ્વારા દિગ્દર્શિત ‘ભાગ્યચક્ર’ (બંગાળી, 1935), તેનું હિંદી રૂપાંતર ‘ધૂપછાંવ’ (1935) અને તે જ દિગ્દર્શકની ‘ડાકુ મન્સૂર’ ઉલ્લેખનીય છે.
‘ચંડીદાસ’(બંગાળી)ની એક પ્રિન્ટ જ્યૉર્જ ઈસ્ટમૅન હાઉસ રૉચેસ્ટર, ન્યૂયૉર્કમાં સંગૃહીત છે.
‘ભાગ્યચક્ર’ (બંગાળી, 1935) અને તેનું હિંદી રૂપાંતર ‘ધૂપછાંવ’ તે પાર્શ્વગાયન દ્વારા ગીતોનું ધ્વનિમુદ્રણ થયેલ ભારતની સર્વપ્રથમ સિનેકૃતિઓ હતી. તે ર્દષ્ટિએ ઉમાશશી ભારતનાં સર્વપ્રથમ પાર્શ્વગાયિકાઓમાંનાં એક ગણાય. 1938માં એક પ્રશંસક ધારાશાસ્ત્રી અમરસહાય દેવ સાથે લગ્ન કર્યાં. તેમાં તેને નવેક સંતાન થયાં. આ સંજોગોમાં સાંસારિક જીવનમાં ખૂંપી જવા તેણે ચિત્રસૃષ્ટિથી સંન્યાસ લીધો અને ગૃહિણીરૂપે શેષ જીવન વિતાવ્યું.
સુધાબહેન ર. દેસાઈ
ઉષાકાન્ત મહેતા