ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના દેહ તથા અલંકારોનાં વર્ણનો, તત્કાલીન માનવવ્યવહારો વગેરેનું આલેખન પણ પ્રશિષ્ટ રીતે થયું છે. એમાં સંસ્કૃત મહાકાવ્યોની જેમ પ્રસંગાનુરૂપ રસનિરૂપણ હોવાથી, રસવૈવિધ્ય સાથે વિષયાનુરૂપ છંદોરચના પણ છે. ઐતિહાસિક પ્રસંગોમાં પણ તેમણે કાવ્યને અનુરૂપ ફેરફાર કર્યો છે. આ મહાકાવ્યે ઉળ્ળૂરને કેરળના મહાન કવિઓમાં સ્થાન અપાવ્યું છે.

અક્કવુર નારાયણન્

અનુ. ચન્દ્રકાન્ત મહેતા