ઉભરાટ : દક્ષિણ ગુજરાતના વિશાળ દરિયાકિનારે આવેલું રેતીપટ ધરાવતું વિહારધામ. સૌરાષ્ટ્રમાં ચોરવાડની જેમ દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ અને તીથલ મુખ્ય છે. ભૌગોલિક પરિભાષામાં સમુદ્રનાં મોજાંની નિક્ષેપણક્રિયા દ્વારા સમથળ અને રેતાળ દરિયાકિનારો બને તો તેને રેતીપટ કે ‘બીચ’ તરીકે ઓળખવામાં આવે છે. બીચ સહેલાણીઓ માટે ખાસ કરીને ઉનાળામાં વિહારધામ તરીકે ઉપયોગી બને છે. ઉભરાટ મરોલી રેલવે-સ્ટેશનથી માત્ર 16 કિમી. દૂર અને સૂરતથી 42 કિમી. દૂર સમુદ્રકિનારે આવેલું છે. નાળિયેરી અને તાડીના વનથી આચ્છાદિત આ વિહારધામ સહેલાણીઓને આકર્ષે છે. અહીંનું રેતી અને પથ્થરકણોનું વિશાળ મેદાન અને 99 એકરમાં સુવ્યવસ્થિત પથરાયેલા કુટિર આવાસો (cottages) પ્રવાસીઓને ભોજન અને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે.

શિબિર અને પરિસંવાદ યોજવા માટે આ સ્થળ શાંત અને સુવિધાયુક્ત છે. મુંબઈ-અમદાવાદ પશ્ચિમ રેલવે પર ગુજરાત પ્રવાસ નિગમે આ વિહારધામને સુંદર રીતે વિકસાવ્યું છે.

મહેશ મ. ત્રિવેદી