ઉભયધર્મિતા (amphoterism) : ઉગ્ર બેઝને પ્રોટૉન પ્રદાન કરીને અથવા ઉગ્ર ઍસિડમાંથી પ્રોટૉન સ્વીકારીને અનુક્રમે ઍસિડ અને બેઝ તરીકે કાર્ય કરવાનો પદાર્થનો ગુણધર્મ. આથી ઉભયધર્મી પદાર્થ ઍસિડ સાથે બેઝની હાજરીમાં પ્રોટૉન પ્રદાન કરનાર અથવા ઇલેક્ટ્રૉનયુગ્મ સ્વીકારનાર અથવા બેઝ સાથે ઍસિડની હાજરીમાં પ્રોટૉન સ્વીકારનાર અને ઇલેક્ટ્રૉનયુગ્મ પ્રદાન કરનાર તરીકે કાર્ય કરે છે. પાણી (H2O) ઉભયધર્મી પદાર્થનો એક સામાન્ય દાખલો છે. એમોનિયા (બેઝ) અને હાઇડ્રોજન ક્લોરાઇડ(ઍસિડ)ની પાણી સાથેની પ્રક્રિયા નીચે પ્રમાણે બતાવી શકાય :
H2O + NH3 NH4+ + OH–
H2O + HCl H3O+ + Cl–
પાણી, HClમાંથી પ્રોટૉન સ્વીકારીને હાઇડ્રોનિયમ આયન (H3O+) આપે છે જ્યારે NH3ને પ્રોટૉન પ્રદાન કરીને પોતે હાઇડ્રૉક્સાઇડ આયન(OH–)માં પરિવર્તન પામે છે.
અન્ય પદાર્થોમાં ઝિંક (Zn), ઍલ્યુમિનિયમ (Al), ક્રોમિયમ (Cr), લેડ (Pb) અને ટિન(Sn)ના હાઇડ્રૉક્સાઇડ અને ઑક્સાઇડ ઉભયધર્મી પદાર્થો તરીકે વર્તે છે. દા.ત. Znનો હાઇડ્રૉક્સાઇડ, ઍસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા આપે છે :
બેઝ તરીકે : Zn(OH)2 + 2HCl → ZnCl2 + 2H2O
ઍસિડ તરીકે : Zn(OH)2 (એટલે કે H2ZnO2) + 2NaOH → Na2ZnO2 + 2H2O
ધાતુના હાઇડ્રૉક્સાઇડની ઉભયધર્મિતા નીચે પ્રમાણે સમજાવી શકાય :
MOH → MO– + H+ (MO-H બંધ નિર્બળ : ઍસિડ ગુણ)
MOH → M+ + OH– (M-OH બંધ નિર્બળ : બેઇઝ ગુણ)
ઉભયધર્મિતાનો માત્રાત્મક (quantitative) સિદ્ધાંત રજૂ કરવો મુશ્કેલ છે, પણ એમ કહી શકાય કે જ્યારે (i) ધનાયન નિર્બળપણે બેઝિક (basic) હોય, (ii) તેનો હાઇડ્રૉક્સાઇડ સાધારણ (moderately) અદ્રાવ્ય હોય, અને (iii) જલાન્વિત (hydrated) જાતિઓ પ્રોટૉનદાતા તરીકે વર્તતી હોય ત્યારે ઉભયધર્મી વર્તણુંક જોવા મળે છે.
પ્રવીણસાગર સત્યપંથી