ઉપાધ્યાય, ભગવતશરણ (જ. 1910, બલિયા જિલ્લો, ઉત્તરપ્રદેશ; અ. 12 ઑગસ્ટ 1982 મોરિશિયસ) : સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ અધ્યેતા. પુરાતાત્વિક સંશોધનમાં વિશેષ રુચિ. પ્રાચીન ભારતનાં ઐતિહાસિક તથ્યો અને ભારતીય સંસ્કૃતિ પર વિશેષ દૃષ્ટિકોણથી અધ્યયન-સંશોધન-લેખન અને પ્રકાશન કરતા રહ્યા. શરૂઆતમાં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયની શોધપત્રિકાના સંપાદક હતા. ત્યારબાદ પ્રયાગ સંગ્રહાલયના પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ તરીકે ઘણું કામ કર્યું. પછી લખનઉ સંગ્રહાલયના અધ્યક્ષ થયા. ત્યારબાદ પિલાનીમાં બિરલા કૉલેજમાં પ્રાધ્યાપકના હોદ્દા પર રહી અધ્યાપન કરાવતા રહ્યા. છેવટે કાશીમાં સ્થિર વસવાટ કરી કાશીનાગરી પ્રચારિણી સભાના નેજા નીચે પ્રકાશિત થનારા ‘હિંદી વિશ્વકોશ’ના સંપાદક મંડળમાં જોડાયા. દરમિયાન અનેક વાર યુરોપ અને અમેરિકામાં ભ્રમણ કરી વિદ્યા-વ્યાસંગ કર્યો. એશિયામાં ચીનની મુલાકાતે પણ જઈ આવ્યા. સાહિત્ય અને સંસ્કૃતિના મર્મજ્ઞ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એમનાં 100 કરતાં વિશેષ પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમની ખ્યાતિ મુખ્યત્વે ‘India in Kalidas’ (1947) નામના પુસ્તકને લઈને થઈ છે. એમના અન્ય પ્રકાશિત ગ્રંથોમાં અંગ્રેજીમાં ‘વિમેન ઇન ઋગ્વેદ’ (1941), ‘ધી એશિયન્ટ વર્લ્ડ’ (1954), હિંદીમાં ‘નૂરજહાં’ (1950), ‘વિશ્વ સાહિત્યકી રૂપરેખા’ (1957-59), ‘સાહિત્ય ઔર કલા’ (1960), ‘કાલિદાસકા ભારત’ ભાગ 1-2 (1954), ‘ભારતીય સમાજકા ઐતિહાસિક વિશ્લેષણ’ (1950), ‘ભારતીય સંસ્કૃતિકી કહાની’ (1955), ‘ભારતીય ચિત્રકલાકી કહાની’ (1955), ‘ભારતીય સંસ્કૃતિ કે વિસ્તારકી કહાની’ (1955), ‘ભારતીય મૂર્તિકલાકી કહાની’ (1955), ‘ભારતીય સાહિત્યોંકી કહાની’ (1957), ‘ભારતીય સંગીતકી કહાની’ (1957), ‘ભારતીય ભવનોંકી કહાની’ (1957), ‘હમારે સંસ્કૃત કવિ’ (1959) વગેરે મુખ્ય છે.
પ્રવીણચંદ્ર પરીખ