ઉપરૂપક : રૂપક(drama)નો પેટાપ્રકાર. તેમાં લંબાણ ઓછું હોય છે અને સંગીત સાથે નૃત્ય પ્રસ્તુત થતું હોય છે.
ભારતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉપરૂપકનો ઉલ્લેખ નથી, પરંતુ ‘અગ્નિપુરાણ’ અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકના અઢાર પ્રકાર દર્શાવાયા છે : (1) નાટિકા, (2) ત્રોટક, (3) ગોષ્ઠિ, (4) સક, (5) નાટ્યરાસક, (6) પ્રસ્થાન, (7) ઉલ્લાવ્ય, (8) કાવ્ય, (9) પ્રેઙખણ, (પ્રેક્ષણ ?) (10) રાસક, (11) સંલાપક, (12) શ્રીગદિત, (13) શિલ્પક, (14) વિલાસિકા, (15) દુર્મલ્લિકા, (16) પ્રકરણી, (17) હલ્લીશ, (18) ભાણિકા.
ઉપરૂપકોમાં મુખ્ય પ્રકાર નાટિકાનો છે. હર્ષવર્ધનકૃત ‘રત્નાવલી’ અને ‘પ્રિયદર્શિકા’ નાટિકાઓ છે. તેનાં લક્ષણ નાટક જેવાં જ હોય છે. એ રીતે પ્રકરણી કે પ્રકરણિકાનાં લક્ષણ પ્રકરણ જેવાં હોય છે, પરંતુ તેમાં નાયક-નાયિકા વૈશ્ય જાતિનાં હોય. નાટિકા જેવું જ એક અન્ય સ્વરૂપ સટ્ટક છે. તેની રચના પ્રાકૃતમાં થતી હોય છે અને તેમાં પ્રવેશક કે વિષ્કંભક હોતા નથી; જેમ કે, ‘કર્પૂરમંજરી’. કાલિદાસકૃત ‘વિક્રમોર્વશીયમ્’ને વિશ્વનાથ ત્રોટકના ઉદાહરણ તરીકે નોંધે છે કારણ કે તેમાં પાત્રો દિવ્ય તથા માનુષ એમ મિશ્ર છે.
પિનાકિન દવે