ઉપરાષ્ટ્રપતિ (ભારતના)

January, 2004

ઉપરાષ્ટ્રપતિ (ભારતના) : ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ પછીનો હોદ્દો ધરાવતા પદાધિકારી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદનાં બંને ગૃહોના સભ્યોનું બનેલું મતદાર મંડળ પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે, તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી વધારે વયની હોવી જોઈએ તથા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. આ ચૂંટણીમાંથી ઊભી થતી અથવા તે સંબંધી બધી શંકાઓ અને વિવાદોની તપાસ તથા તેનો નિર્ણય કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી ગણાય છે.

ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકાર હેઠળ અથવા સદરહુ સરકારોના નિયંત્રણને અધીન કોઈ સ્થાનિક કે બીજા સત્તાધિકારી હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાને લાયક ગણાતી નથી. ઉપરાષ્ટ્રપતિ સંસદના કોઈ ગૃહના કે કોઈ રાજ્યના વિધાનમંડળના સભ્ય હોવા જોઈએ નહિ. જો તે આવા કોઈ ગૃહના સભ્ય હોય, તો તે ઉપરાષ્ટ્રપતિ તરીકે હોદ્દો સંભાળે, તે તારીખથી તેમણે તે ગૃહમાંની પોતાની બેઠક ખાલી કરી છે એમ ગણાય છે.

રાષ્ટ્રપતિના મૃત્યુથી, રાજીનામાથી કે હોદ્દા પરથી દૂર કરાવાના અથવા બીજા કોઈ કારણે રાષ્ટ્રપતિના હોદ્દાની જગ્યા ખાલી પડે ત્યારે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. ગેરહાજરી, માંદગી કે એવા બીજા કોઈ કારણસર રાષ્ટ્રપતિ પોતાનાં કાર્યો બજાવી શકે એમ ન હોય ત્યારે તેઓ પોતાની ફરજો ફરીથી ન સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનાં કાર્યો બજાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય કે તે હોદ્દાની ફરજો બજાવતા હોય ત્યારે તેમને રાષ્ટ્રપતિની વિશિષ્ટ સત્તાઓ અને હક મળે છે. સંસદ કાયદાથી નક્કી કરે તે મુજબનો પગાર, ભથ્થાં અને વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે.

ઉપરાષ્ટ્રપતિ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. તેમને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર અને ભથ્થાં મળે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને પગાર મળતો નથી. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય કે તે હોદ્દાની ફરજો બજાવતા હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિના હોદ્દાની ફરજો બજાવી શકે નહિ અને તે હોદ્દા માટેનાં પગાર ને ભથ્થાં મેળવી શકે નહિ.

ઉપરાષ્ટ્રપતિએ હોદ્દો સંભાળતાં પહેલાં રાષ્ટ્રપતિ અથવા તેમણે આ માટે નીમેલી વ્યક્તિ સમક્ષ, બંધારણમાં જણાવેલા નમૂના પ્રમાણે બંધારણ પ્રત્યે વફાદારી ધરાવવાના અને પોતાનાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવવાના શપથ લેવાના હોય છે.

ઉપરાષ્ટ્રપતિ પોતાની સહીથી રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે.

રાજ્યસભાના તત્કાલીન તમામ સભ્યોની બહુમતીથી પસાર થયેલા અને લોકસભાએ સંમતિ આપેલા રાજ્યસભાના ઠરાવથી ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. પરંતુ આવો ઠરાવ રજૂ કરવાના ઇરાદાની ઓછામાં ઓછા ચૌદ દિવસની નોટિસ આપવાની રહે છે.

ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તે ખાલી પડનારી જગ્યા માટે ચૂંટણી કરવાની હોય છે. ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે બીજા કોઈ કારણે તે હોદ્દાની જગ્યા ખાલી પડે તો બનતી ત્વરાએ તે પૂરવા માટે ચૂંટણી કરવામાં આવે છે. આવી ખાલી જગ્યા પર ચૂંટાયેલી વ્યક્તિ પોતે હોદ્દો સંભાળે ત્યારથી પાંચ વર્ષની પૂરી મુદત સુધી હોદ્દો ધારણ કરે છે. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ તેમના અનુગામી તે હોદ્દો ધારણ કરે, ત્યાં સુધી હોદ્દા પર ચાલુ રહી શકે છે.

હ. છ. ધોળકિયા