ઉપભોક્તા(ગ્રાહક)ની સર્વોપરિતા : બજારતંત્રનાં વલણો પર સીધી અસર કરવાની અબાધિત શક્તિ. ઉપભોક્તા(ગ્રાહક)વર્ગ આર્થિક સાધનોની વહેંચણી તથા તેમના ઉત્પાદનનું કદ અને સ્વરૂપ નિર્ધારિત કરવા કરી શકે છે. કોઈ પણ અર્થતંત્રમાં જે કેટલાક પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે તેમાંનો એક પ્રશ્ન છે : કઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવું ? મૂળભૂત રીતે આ પ્રશ્ન ટાંચાં આર્થિક સાધનોની ફાળવણીમાં અગ્રતાક્રમ નક્કી કરવાની સમસ્યા સાથે સંકળાયેલો છે. અર્થતંત્રમાં કઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું તે નક્કી કરવાથી ઉત્પાદનનાં સાધનોના ઉપયોગની દિશા પણ નક્કી થાય છે. મુક્ત બજારતંત્ર પર આધારિત અર્થવ્યવસ્થામાં ગ્રાહકોની પસંદગી આર્થિક પ્રવૃત્તિઓના સ્વરૂપનું નિયમન કરે છે તથા તેના પર સતત અસર કરે છે. ઉપભોક્તાવર્ગની મુક્ત પસંદગી દ્વારા જ જ્યારે બજારતંત્રનું સંચાલન થાય છે ત્યારે ગ્રાહકો સર્વોપરિતા ધરાવે છે એમ કહેવાય. ઉત્પાદનની સમગ્ર પ્રવૃત્તિ ઉપભોક્તાની જરૂરિયાતો સંતોષવા માટે જ હાથ ધરવામાં આવે છે અને તેથી ઉત્પાદન અંગેનો નિર્ણય લેતી વેળાએ દરેક ઉત્પાદક ગ્રાહકોની અભિરુચિ, પસંદગી, ટેવો વગેરેનો ખ્યાલ રાખે છે. તેની અવગણના કરવાથી ઉત્પાદકને ટૂંકા ગાળામાં ખોટ સહન કરવી પડે છે અને લાંબે ગાળે પેઢી દ્વારા થતું ઉત્પાદન બંધ કરવું પડે એવી સ્થિતિ સર્જાય છે. આ અર્થમાં મુક્ત બજારતંત્રની વ્યવસ્થામાં ગ્રાહક એ જ અર્થવ્યવસ્થાનો સર્વેસર્વા ગણાય છે. તેથી જ વિકસિત બજારતંત્ર ધરાવતા દેશોમાં ગ્રાહકોની રુચિ, ટેવો તથા પસંદગીનું અને તેમાં થતા ફેરફારોનું સતત સંશોધન અને મોજણી થતાં રહે છે અને તેના નિષ્કર્ષોને આધારે ભાવિ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં આવે છે.
ઉપભોક્તાની સર્વોપરિતાનો ખ્યાલ મૂડીવાદી આર્થિક પદ્ધતિની નીપજ છે અને તે વિવાદાસ્પદ પણ છે, કારણ કે જે અર્થતંત્રમાં સંપત્તિ અને આવકની વ્યાપક અસમાનતાઓ પ્રવર્તતી હોય તે અર્થતંત્રમાં બધા જ ગ્રાહકો નહિ પરંતુ માત્ર ધનિક ગ્રાહકો જ સર્વોપરી સ્થાન ધરાવે છે. પરિણામે અલ્પસાધન ગ્રાહકોની જરૂરિયાતોને આધારે ઉત્પાદનનું સંયોજન નહિ, પરંતુ વધુ ખરીદશક્તિ ધરાવતા મુઠ્ઠીભર ગ્રાહકોની જરૂરિયાતો ધ્યાનમાં લઈને ઉત્પાદન અંગેના નિર્ણયો લેવાતા હોય છે. આમ હકીકતમાં બધા જ ગ્રાહકો નહિ, પરંતુ તેમાંનો એક નાનકડો વર્ગ સર્વોપરી હોય છે.
અર્થતંત્રમાં ઉપલબ્ધ પ્રાકૃતિક તથા માનવસાધનોનું કદ અને તેની ગુણવત્તા, ટેકનિકલ જ્ઞાનનું સ્તર, ઇજારાનું અસ્તિત્વ, ગ્રાહકોની ખરીદશક્તિ પર વિપરીત અસર કરતાં ફુગાવો, બેકારી ને ઊંચા કરવેરા જેવાં પરિબળો, રૂઢિઓ તથા ફૅશન જેવાં પરિબળોનું વર્ચસ્, વેચાણખર્ચ તથા રાજ્ય દ્વારા ખરીદવેચાણ પર લાદવામાં આવતા પ્રતિબંધો ગ્રાહકની સર્વોપરિતા પર વિપરીત અસર કરતાં બીજાં કેટલાંક પરિબળો છે.
હસમુખ લ. દવે