ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં છે. ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં નોંધ્યું છે કે સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા વગેરે દશ લક્ષણોવાળો ગ્રંથ મહાપુરાણ અને સર્ગ વગેરે પાંચ લક્ષણવાળો ગ્રંથ ઉપપુરાણ. ઉપપુરાણોના અભ્યાસ પરથી આ એકેય મત પૂરેપૂરો યોગ્ય નથી જણાતો. ઉપપુરાણો સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, વૈજ્ઞાનિક અને સાહિત્યિક ર્દષ્ટિએ ઘણું (ક્યારેક તો મહાપુરાણો કરતાંય વધુ) મહત્વ ધરાવે છે. મત્સ્યપુરાણમાં ચાર ઉપપુરાણો(નારસિંહ, નાંદી, સામ્બ, આદિત્ય)નો ઉલ્લેખ છે. પુરાણોની જેમ ઉપપુરાણો પણ 18 છે એવી પરંપરા છે; પરંતુ 100 કરતાંય વધુ ઉપપુરાણો હોવાનું મનાય છે. મહાપુરાણોની નામાવલીની જેમ ઉપપુરાણોની નામાવલી એકસરખી નથી. તેમાંની કેટલીક આ મુજબ છે :

(1) સનતકુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કાપિલ, માનવ, ઔશનસ, વારુણ, કાલિકા, સામ્બ, નંદીકૃત્, સૌર, પરાશરપ્રોક્ત, આદિત્ય, માહેશ્વર, ભાગવત, વાસિષ્ઠ.

(2) બૃહન્નારસિંહ, બૃહદવૈષ્ણવ, ગારુડ, બૃહન્નારદીય, પ્રભાસક, લીલાવતી, દેવી, કાલિકા, આખેટક, બૃહન્નન્દી, નંદિકેશ્વર, એકામ્ર, એકપાદ, લઘુભાગવત, મૃત્યુંજય, આંગિરસક, સામ્બ.

(3) સનત્કુમાર, નારસિંહ, બૃહન્નારદીય, શિવ, દૌર્વાસસ, કાપિલ, વામન, ભાર્ગવ, વારુણ, કાલિકા, સામ્બ, નન્દિ, આદિત્ય, પારાશર, વાસિષ્ઠ, દેવીભાગવત, ગણેશ, હંસ.

(4) લઘુકાલિકા, બૃહત્કાલિકા, પારાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસા, કાપિલ, માનવ, વિષ્ણુધર્મોત્તર, શૈવધર્મ, માહેશ્વર, નન્દિ, કુમાર, ઔશનસ, દેવી, વારુણ.

સુરેશ જ. દવે