ઉપગ્રહ-પ્રસારણ : કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ધ્વનિ, ચિત્ર, સંકેતો, આંકડાઓ કે માહિતીનું પ્રસારણ. પૃથ્વીના ભ્રમણ સાથે એકધારો સતત અંતરે ઘૂમતો ઉપગ્રહ પૃથ્વી પરના કેન્દ્રથી સંકેતો ઝીલી વિશાળ વિસ્તારોમાં પાછા ફેંકે છે. ઉપગ્રહમાં એવી વ્યવસ્થા પણ હોય છે કે દ્વિમાર્ગી ટેલિફોન, ટેલેક્સ વગેરે માટે એકથી વધુ સંદેશાઓની સમાંતરે આપ-લે કરી શકાય. આ માટેના ઉપગ્રહો પૃથ્વીથી 36,000 કિલોમિટર ઊંચે તરતા મૂકવામાં આવે છે. કૃત્રિમ ઉપગ્રહનો પહેલો વિચાર કાલ્પનિક વિજ્ઞાનકથાઓના લેખક આર્થર ક્લાર્કે ઑક્ટોબર, 1945માં આપ્યો. એની ક્રાન્ત ર્દષ્ટિને, એવી બીજી અનેક વૈજ્ઞાનિક શોધોની જેમ અવગણવામાં આવી. જોકે આજે જગતમાં મોટાભાગના દેશો કૃત્રિમ ઉપગ્રહોથી જગતના કોઈ પણ ખૂણેથી બીજે કોઈ પણ ખૂણે લગભગ એ જ સેકંડે એકમાર્ગી કે દ્વિમાર્ગી પ્રસારણ અને સંદેશાઓની આપ-લે કરી શકે છે.
જગતનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ 1957ના ઑક્ટોબરની ચોથી તારીખે સોવિયેત સંઘે અવકાશમાં તરતો મૂક્યો હતો. લગભગ 90 કિગ્રા. એનું વજન અને 60 સેમી. એની લંબાઈ હતી. અમેરિકાનો પહેલો અવકાશી ઉપગ્રહ 1958ના જાન્યુઆરીમાં છોડવામાં આવ્યો હતો. રેડિયો ટ્રાન્સમિટર સાથેના પ્રથમ ઉપગ્રહ પરથી 1958ના નવા વર્ષે પ્રમુખ આઇઝનહોવરે અમેરિકી પ્રજાને અભિનંદન આપ્યા હતાં. જોકે સંદેશો મેળવીને પ્રસારિત કરી શકે એવી ક્ષમતા અમેરિકી ઉપગ્રહ ‘કુરિયર’ (1960) પાસે જ હતી. 1962માં ‘ટેલસ્ટાર’ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન અને ટેલિફોન દ્વારા સંકેતોની આપ-લે થઈ શકી; અલબત્ત, પૃથ્વીની સતત ભ્રમણકક્ષામાં સૌપ્રથમ સ્થિર ઉપગ્રહ વર્ષો પછી ‘ઇન્ટેલ સેટ’ ઉપગ્રહથી શક્ય બન્યો. સોવિયેત સંઘે 1965માં ‘ઓરબીટા’ ઉપગ્રહોની શ્રેણી અવકાશમાં છોડી. 1972માં ‘મોલનિયા’ ઉપગ્રહ દ્વારા સપ્તાહમાં એક વાર 12 કલાકના ટેલિવિઝન-કાર્યક્રમો મૉસ્કોથી વ્લાદીવૉસ્તોક સુધી પ્રસારિત થતા. કૅનેડાએ ‘અનિક’ તથા ફ્રાન્સ અને જર્મનીએ ‘સિમ્ફની’ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા. અમેરિકાના એ.ટી.એસ.-6 ઉપગ્રહ દ્વારા ભારતે શૈક્ષણિક ટેલિવિઝનનો એશિયાભરમાં સૌથી વધુ મહત્વાકાંક્ષી પ્રયોગ સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમન્ટ – SITE (ઉપગ્રહ દ્વારા શૈક્ષણિક દૂરદર્શન પ્રયોગ) ઑગસ્ટ, 1975થી જુલાઈ, 76માં કર્યો. વિશાળ ભૌગોલિક વિસ્તારો અને ભાષા તથા સંસ્કૃતિની વિવિધતા ધરાવતા ભારત દેશમાં દૂર દૂરનાં ભૂ-પ્રસારણ કેન્દ્રોથી ધ્વનિ-સંકેતો ભલે થોડા ઘોંઘાટિયા પણ મળે, પરંતુ ધ્વનિ-ચિત્રો (ટેલિવિઝન) ન જ મળે. એ સ્થિતિમાં દેશના લોકશાહી વિકાસ માટે ધ્વનિ-ચિત્ર-માહિતીની આપ-લે કરવા ઉપગ્રહ જેવા દૂરવ્યાપી તત્ક્ષણ પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારે નક્કી કર્યું. એક વર્ષના ટી.વી. પ્રસારણ માટે રોજના ચાર કલાકના કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા : જેમાં રોજના અઢી કલાકના કાર્યક્રમો એકંદરે ગ્રામવિકાસ અને વિશેષ કરીને ખેતીવાડી, પશુસંવર્ધન, આરોગ્ય અને સાંસ્કૃતિક મનોરંજન-કાર્યક્રમો હતા, જ્યારે રોજના દોઢ કલાકના કાર્યક્રમોમાં બાળકો માટેના શૈક્ષણિક–વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશનાં છ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસા, કર્ણાટક અને બિહારમાં એક એક જિલ્લાનાં પસંદ કરાયેલાં 400 ગામોમાં ટેલિવિઝન-સેટ મૂકવામાં આવ્યા. સંદેશાવ્યવહારની અત્યંત આધુનિક પદ્ધતિનો લાખો લોકોએ પહેલી વખત પરિચય કેળવ્યો. સાથોસાથ કાર્યક્રમની પહેલાં, દરમિયાન અને પછી પ્રેક્ષકો, કાર્યક્રમપ્રસારણ પદ્ધતિ, એના અંતસ્તત્વ અને પ્રભાવ અંગે તલસ્પર્શી અભ્યાસો થયા. આ ‘સાઈટ’ પ્રયોગે ઉપગ્રહ દ્વારા આજના રેડિયો, ટી.વી.ના કાર્યક્રમપ્રસારણ માટે દિશા, વ્યાપ અને ર્દષ્ટિ પૂરાં પાડ્યાં. આખા પ્રયોગ દરમિયાન ઉપગ્રહ સિવાયની સઘળી યંત્રવિદ્યા, એની જાળવણી અને ઉપયોગ વિશે તેમજ કાર્યક્રમોનાં આયોજન, માહિતી-પ્રસારણ અને સંશોધનની સઘળી જવાબદારી દેશના નિષ્ણાતોએ જ બજાવી. એક રીતે સામૂહિક પ્રેક્ષણનો પણ એ સૌથી મોટો પ્રયોગ હતો. ભારતના ખુદના ઉપગ્રહ ‘ઇન્સેટ’ના આગમન સુધીમાં ભારતે ‘સ્ટેપ’ અને ‘એપલ’ના બે પ્રયોગો દ્વારા ઉપગ્રહના ઉપયોગનો વધુ અનુભવ પ્રાપ્ત કર્યો. ભારતીય ઉપગ્રહ ઇન્સેટ-1ની બહુલક્ષી ઉપગ્રહ-શ્રેણીના પ્રથમ ઉપગ્રહની નિષ્ફળતા પછી બીજા ઉપગ્રહથી દેશના ઉપગ્રહ-પ્રસારણે રેડિયો, ટેલિવિઝન અને દૂરસંદેશાવ્યવહારમાં હરણફાળ ભરી (1982). આ શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ આંશિક રીતે સફળ થયો છે. જોકે આ શ્રેણીના હવે પછીના ઉપગ્રહો ધ્વનિ, ચિત્ર અને માહિતીના પ્રસારણમાં આગેકદમ ઉઠાવશે. આજે ઉપગ્રહ દ્વારા કાર્યક્રમોનું જે આયોજન થાય છે એમાં રેડિયો-કાર્યક્રમોનું રિલે-પ્રસારણ, ટેલિવિઝનના રાષ્ટ્રીય કાર્યક્રમો, મરજિયાત પ્રાદેશિક કાર્યક્રમો, નેટવર્ક અને શૈક્ષણિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અનેક રાજ્યોના મુખ્ય મુખ્ય સ્થળે શૈક્ષણિક કાર્યક્રમનાં નિર્માણ-કેન્દ્રો અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક સંશોધન અને તાલીમની રાષ્ટ્રીય સંસ્થા (National Council of Educational Research & Training – NCERT) પણ એમાં સક્રિય છે. માનવી ચંદ્ર ઉપગ્રહ પર પગ મૂકે, અવકાશયાન દૂર સુદૂરના ગ્રહો પર ઊતરે કે પૃથ્વીના એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધ પરની વ્યક્તિ સાથે તદ્દન સ્પષ્ટ ધ્વનિ-ચિત્રના સંકેતો મોકલી શકાય, એ ઉપગ્રહ દ્વારા સંદેશાવ્યવહારના પ્રયોગની અનન્ય સિદ્ધિ છે. આ પદ્ધતિઓ આજે (1989) હજી અર્ધો સૈકો પણ પૂરો કર્યો નથી, ત્યારે અવકાશમાં તરતા અનેક દેશોના સેંકડો ઉપગ્રહો દ્વારા મળતી માહિતીથી માનવજીવન જે રીતે સમૃદ્ધ થઈ રહ્યું છે એ આખા જગતને એક સાંકળે ગાંઠી દઈ ‘વિશ્વગ્રામ’ની કલ્પનાને સાકાર કરે છે. ઉપગ્રહો માત્ર પ્રસારણ માટે નહિ, પરંતુ ભવિષ્યમાં અનેક પ્રકારની માહિતીના સંગ્રહ અને તત્ક્ષણ પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાશે ત્યારે એ મોટા ગ્રંથાલયની જેમ દેશ, કાળ અને સંસ્કૃતિની સરહદો ઓળંગી જશે. એ સર્વસુલભતા સંસ્કાર-પ્રસાર માટે નવી ક્ષિતિજો ખોલી આપશે.
હસમુખ બારાડી