ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3)

January, 2004

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3) : 22.7 મીટર ઊંચાઈ અને 17 ટનનું વજન ધરાવતું ભારતનું પ્રમોચન વાહન જેની દ્વારા 40 કિગ્રા. વજનનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે. આ પ્રમોચન-વાહનમાં ઘન બળતણથી કાર્ય કરતા રૉકેટના ચાર તબક્કા છે. તેનાં અન્ય મુખ્ય ઉપતંત્રોમાં, પ્રક્ષેપન દરમિયાન રૉકેટના જુદા જુદા તબક્કાને યથાસમય એકબીજાથી જુદા પાડવાનું ઉપતંત્ર; નિયંત્રણ અને માર્ગદર્શન ઉપતંત્ર; પ્રક્ષેપન દરમિયાન તેની કામગીરીના આંકડા રેડિયો-પદ્ધતિથી પ્રસારિત કરવાનું ઉપતંત્ર તથા પ્રક્ષેપન દરમિયાન વાહન નિર્ધારિત માર્ગથી વિચલિત થાય તો ભૂમિ-મથક પરથી રેડિયો સંકેત દ્વારા તેનો નાશ કરવાનું ઉપતંત્ર પણ છે.

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3)

SLV-3 દ્વારા 18 જુલાઈ, 1980ના રોજ શ્રીહરિકોટા પ્રક્ષેપન-મથક જેને હવે સતીશ ધવન અવકાશ મથક તરીકે ઓળખવામાં આવે છે, તેના પરથી 35 કિગ્રા.ના ‘રોહિણી’ ઉપગ્રહને પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીના 30 મે, 1981ના રોજ SLV-3ના બીજા ઉડ્ડયન દરમિયાન વાહનની અમુક ક્ષતિને કારણે ‘રોહિણી’ (RS-D-1) ઉપગ્રહ વધારે નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત થયો હતો અને તેથી ફક્ત 9 દિવસના આયુષ્ય પછી તેની ભ્રમણકક્ષાનો ક્ષય થયો હતો.

પરંતપ પાઠક