ઉન્નવ લક્ષ્મીનારાયણ (જ. 4 ડિસેમ્બર 1877, વેમુલૂરેપાડૂ, આંધ્રપ્રદેશ; અ. 25 સપ્ટેમ્બર 1958) : તેલુગુ લેખક. પ્રાથમિક શિક્ષણ ગામમાં અને માધ્યમિક તથા એમ.એ. સુધીની ઉચ્ચ કેળવણી ગુન્તુરમાં. 1913માં ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થઈ ભારત પાછા આવ્યા. થોડો સમય ચેન્નાઈમાં તેમજ ગુન્તુરમાં વકીલાત કરી. 1920માં ગાંધીજીની હાકલ થતાં વકીલાત છોડી રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવ્યું અને સમાજસેવાના કામમાં લાગી ગયા.
સાહિત્યના ક્ષેત્રમાં એમણે ટૂંકી વાર્તા દ્વારા પ્રવેશ કર્યો, પણ એમને કીર્તિ મળી નવલકથાના ક્ષેત્રમાં. એમની ‘માલ પલ્લિ’ નવલકથા લોકપ્રિય થયેલી છે. સાહિત્ય અકાદમી દ્વારા ભારતની અનેક ભાષાઓમાં એના અનુવાદ થયા છે. એ નવલકથામાં અંગ્રેજ શાસન સામે વિદ્રોહનો પ્રબળ સૂર હતો; એથી સરકારે તેના વિતરણ પર પ્રતિબંધ મૂકેલો. એમની બીજી જાણીતી કૃતિ ‘નાયકુશળ’ છે.
પાંડુરંગ રાવ
અનુ. ચન્દ્રકાન્ત મહેતા